તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
રિલાયન્સમાં મુકવાના બહાને ધ્રોલ પીયાવાના રમેશે રોજમાળના ખેડુતનું ટ્રેકટર બારોબાર વેંચી દીધું!
જામનગર રિલાયન્સમાં ક્યારાના કામમાં કોન્ટ્રાકટ મળ્યો છે, ૩૦ હજારના ભાડુ મળશે કહેતાં ગોરાભાઇ ગમારા રાજકોટ માધાપર ચોકડીએ આવી ટ્રોલી સાથેનુ ટ્રેકટર આપી ગયા હતાં: રમેશ ભાદમાં ગામ મુકી ભાગી ગયો ખેડુત ગોરાભાઇએ પોતાના મામાની માલિકનું ટ્રેકટર આપ્યું હતું: રમેશનો ફોન ન લાગતાં તેના ગામે જઇ તપાસ કરતાં તેણે પાંચા વરૂને ૩ લાખમાં ટ્રેકટર આપી દીધાનું ખુલ્યું: ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૮: બોટાદના ગઢડા તાબેના રોજમાળ ગામે રહેતાં ખેડુત યુવાનને ધ્રોલના પીયાવા ગામના તેના પરિચીતે ફોન કરી જામનગર રિલાયન્સમાં પાકા ક્યારા બનાવવાના કામમાં ટ્રેકટરની જરૂર છે, દર મહિને ૩૦ હજાર ભાડુ મળશે તેમ કહેતાં ખેડુતે વિશ્વાસ રાખી પોતાના હસ્તકનું પોતાના મામાની માલિકીનું ટ્રેકટર રાજકોટ માધાપર ચોકડીએ આવીને તેને આપી દીધા બાદ આ શખ્સનો ફોન લાગતો ન હોઇ ખેડુતે તેના ગામ પીયાવા જઇ તપાસ કરતાં તેણે બારોબાર ૩ લાખમાં આ ટ્રેકટર બીજાને વેંચી દીધાનું ખુલતાં ખેડુત યુવાન ચોંકી ગયો હતો. શોધખોળ કરવા છતાં પત્તો મળતો ન હોઇ અને ટ્રેકટર ખરીદનારે પણ મને ત્રણ લાખ આપો ને ટ્રેકટર લઇ જાવ તેમ કહેતાં ખેડુત યુવાને પોલીસને જાણ કરી હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે બોટાદના ગઢડા તાબેના રોજમાળ ગામના વતની ગોરાભાઇ ભોપાભાઇ ગમારા (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી ધ્રોલના પીયાવા ગામના રમેશ હકુભાઇ ભુંડીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ગોરાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતુ઼ કે હું મારા પત્નિ સોનલ અને બે બાળકો સાથે રહુ છું. મારી પાસે મારા મામા વલ્લભીપુરના સમાડી ગામના વીહાભાઇ બીજલભાઇ સોહલાનું મહિન્દ્રા કંપનીનું ટ્રેકટર જીજે૦૩એસએસ-૪૩૬૩ છે. જેમાં દેવીકા કંપનીની ટ્રોલી પણ છે. આ ટ્રેકટરનો ઉપયોગ હું ખેતી કામમાં કરતો હતો. એકાદ વર્ષથી આ ટ્રેકટરનો ઉપયોગ હું ખેતરમાં ખાતર, પાણીના ફેરા કરવા માટે કરતો હતો.
દરમિયાન જામનગરના ધ્રોલના પીયાવા ગામે રહેતો રમેશ ભુંડીયા મારો પરીચીત હોઇ તા. ૨૧/૭ના રોજ તેણે મને બપોરે બારેક વાગ્યે ફોન કરી કહ્યું હતું કે-મેં જામનગર રીલાયન્સ કંપનીમાં પાકા બાંધકામવાળા સ્ટ્રકચર કયારાનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે, મારે ટ્રેકટરની જરૂર છે. જો તમે ટ્રેકટર મને આપો તો દર મહિને હું ૩૦ હજાર ભાડુ આપીશ.
રમેશ મારો પરીચીત હોઇ જેથી મેં વિશ્વાસ રાખી તેને ૨૨/૭ના રોજ માધાપર ચોકડી ખાતે ટ્રોલી સાથેનું મારુ ટ્રેકટર આપ્યું હતું. જે તે વખતે તેણે કહેલું કે રિલાયન્સમાં ટ્રેકટર મુકવાનું હોઇ જેથી ત્યાં ગેઇટ ઉપર ટ્રેકટરની એન્ટ્રી કરાવવી પડશે, ગેઇટ પાસ લેવો પડશે અને તેના માટે ટ્રેકટરના અસલ કાગળો, માલિકની આધાર કાર્ડની કોપી, ઓરીજીનલ આરસી બૂક વગેરેની જરૂર પડશે. આથી મેં મારા મામાના આધારકાર્ડની ઝેરોક્ષ, મારા મામાનો ફોટો તેમજ આરસી બૂક સહિતના કાગળો પણ રમેશને દીધા હતાં. ટ્રેકટરમાં કંઇ નુકસાની થાય તો તેનો ખર્ચ રમેશ પોતે ભોગવશે તેમ પણ મોૈખિક રીતે નક્કી થયું હતું. તે મને મહિને રૂા. ૩૦ હજાર ભાડુ આપશે તેવી ખાત્રી પણ તેણે આપી હતી.
પરંતુ બાદમાં મને જાણ થઇ હતી કે રમેશે આ ટ્રેકટર કે જે મારા મામાનું હતું તે કોઇ પાંચા હકુભાઇ વરૂના નામે કરી દીધુ છું. જેથી મેં રમેશને ફોન કરતાં ફોન બંધ આવતો હોઇ હું રૂબરૂ પીયાવા ગામે જતાં તેના ઘરના સભ્યોએ કહેલું કે રમેશ બહાર ગયો છે. મેં મારુ ટ્રેકટર પાછુ માંગતા તેના ઘરના લોકોએ કહેલુ કે એ ટ્રેકટર પાંચા વરૂ પાસે છે. આથી હું ત્યાં જતાં પાંચા વરૂએ કહ્યું કે-તમારે ટ્રેટકર પાછુ જોઇતું હોય તો મને ૩ લાખ આપો, કારણ કે મેં રમેશ પાસેથી આ ટ્રેકટર ૩ લાખમાં લીધુ છે. આમ રમેશે મારી પાસેથી મારા મામાની માલિકીનું ટ્રેકટર જામનગર રિલાયન્સ કંપનીમાં કરારથી મુકવાનું અને મને મહિને ૩૦ હજાર ભાડુ આપવાની લાલચ દઇ મારી પાસેથી ટ્રેકટર લઇ જઇ બારોબાર ૩ લાખમાં વેંચી દીધાની મને ખબર પડી હતી. રમેશનો સતત સંપર્ક કરવા છતાં તે મળતો ન હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં ગોરાભાઇએ કહેતાં ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ ડી. જે. જાદવે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(2:31 PM IST)










