તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 18th September 2025
સાજીદ કચરાએ પેરોલ ફરાર વખતે પણ જેલ ખાતે સિપાહી અને હવાલદારને ધમકાવ્યા'તા
હત્યાના ગુનામાં જેલ ભોગવી રહેલા સુભાષનગરના શખ્સની વધૂ એક કરતૂત સામે આવી : મુખ્ય ગેટ પર સિપાહી દિપકભાઇને તું કોણ છો? હું તારી જ જેલમાં મર્ડર કેસમાં સજા ભોગવુ છું, મને કઇં ફેર નહિ પડે કહી ગાળો દઇ હવાલદારને પણ હું જેલવાળા બધાને જોઇ લઇશ કહી ધમકી દીધી હતીઃ પ્ર.નગર પોલીસે બીજો ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૮: હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા રૈયા રોડ સુભાષનગરના સાજીદ કચરાએ પેરોલ રજા પર છુટયો ત્યારે ચાર શખ્સો સાથે મળી જેલ પ્રિમાઇસીસમાં જઇ જેલરને ધમકી દઇ ધમાલ મચાવી હતી. એ પછી પેરોલ રજા પુરી થવા છતાં હાજર ન થઇ ફરાર થઇ ગયો હતો. આ સમય દરમિયાન તેણે વધુ એક વખત જેલ ખાતે બે શખ્સો સાથે પહોંચી જેલ સિપાહી અને હવાલદાર સાથે જેલના મુખ્ય ગેઇટ પર માથાકુટ કરી ધમકીઓ આપી હોઇ વધુ એક ગુનો દાખલ કરાયો છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટ મધ્યસ્થ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતાં જયરાજભાઇ બી. વાળાની ફરિયાદ પરથી સાજીદ હુશેનભાઇ કચરા અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. હવાલદાર જયરાજભાઇ વાળાએ જણાવ્યું છે કે તા. ૫/૯/૨૫ના રોજ મારી ડયુટી રાજકોટ જેલ ખાતે મેઇન ગેટ પર કેદી આવક-જાવક ટેબલ નંબર-૧ ખાતે રાતે નવથી બાર સુધીની હતી. આ દરમિયાન કાચા કામનો આરોપી રમીઝ ઉર્ફ બાબા ઇકબાલભાઇ ખેબર વચગાળાના જામીન પરથી જેલમાં હાજર થવા આવ્યો હતો.
આથી અમે આવક-જાવક રજીસ્ટરમાં કલાક ૧૧:૩૦ વાગ્યે આવકની નોંધ કરી તેની જડતી કરી રૂમમાં મોકલી દીધો હતો. આ પછી રાતે ૧૧:૫૦ કલાકે જેલ સિપાહી દિપકભાઇ બાબુભાઇ વાસણ કે જેમની ડયુટી સીસીટીવ કન્ટ્રોલ રૂમમાં હોઇ તે પોતાની ફરજ પર આવતાં આ સમયે પાકા કામના કેદી સાજીદ હુશેનભાઇ કચરા તથા અન્ય બે અજાણ્યા શખ્સ જેલના મેઇન ગેટની બહારના ભાગે જેલ પ્રીમાઇસીસમાં ઉભા હતાં.
જેથી સાજીદ કચરાને જેલ સિપાહી દિપકભાઇએ-અહિ જેલના ગેટ પાસે કેમ ઉભા છો? કહેતાં સાજીદે કચરાએ દિપકભાઇ સાથે ઝઘડો કરી ગાળો દઇ બોલાચાલી કરી ‘તું કોણ છો? તું મને ઓળખે છે? હું મર્ડર કેસમાં તારી જ જેલમાં સજા ભોગવું છું, મને કોઇ ફેર નહિ પડે, હું હાલ રજા પર છું, વધુ કંઇ બોલતી નહિ નહતિર તને મારી નાંખીશ' કહી ગાળો દીધી હતી. ઝઘડાનો અવાજ આવતાં મેં મેઇન ગેઇટની બારીમાંથી જોયુ તો સાજીદ કચરા જેલ સિપાહી દિપકભાઇ સાથે અસભ્ય વર્તન કરતો જોવા મળ્યો હતો. આથી મેં સાજીદને જતા રહેવાનું કહેતાં તેણે મને પણ-તમે હજુ નવા છો, મને ઓળખતા નથી, તમને જેલવાળાને બધાને હું જોઇ લઇશ તેમ કહી ધમકી આપી હતી. તેમજ કહ્યું હતું કે-હાલ હું રજા ઉપર જ છું, મારે બીજુ કાંઇ કામજ નથી.
આ પછી મેં સાજીદ કચરાને સમજાવેલ અને કહેલુ કે તું અહિથી જતો રહે. જેથી તે અને સાથેના બે શખ્સો જતાં રહ્યા હતાં. બાદ અમે ફરજ પરના ડયુટી જેલર ધુડાભાઇ ડી. ગોહીલને બનાવની જાણ કરતાં તેણે રજીસ્ટરમાં નોંધ કરી જેલ અધિક્ષકને રિપોર્ટ કર્યો હતો. આમ સાજીદ અને તેની સાથેના બે શખ્સોએ કારણ વગર જેલ પ્રિમાઇસીસમાં આવી જેલના મુખ્ય ગેટ પર જેલ સિપાહીને ગાળો દઇ મારી નાખવાની અને મને પણ જોઇ લેવાની ધમકી આપી હોઇ ફરિયાદ કરી છે. અમારે અધિકારી સાથે ચર્ચા કરવાની બાકી હોઇ જેથી મોડી ફરિયાદ કરી હતી. તેમ વધુમાં હવાલદાર જયરાજભાઇ વાળાએ જણાવતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં એએસઆઇ એસ. વી. જોરાએ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના લઘુમતી આગેવાનના મર્ડરના ગુનામાં જેલની સજા ભોગવી રહેલો રૈયા રોડ સુભાષનગર-૨માં રહેતાં સાજીદ હુશેનભાઇ કચરા પેરોલ જામીન પર છુટયા બાદ ફરાર થઇ ગયો હોઇ અને પેરોલ પર છુટયો તે વખતે ગેરકાયદે મંડળી રચી જેલ પ્રીમાઇસીસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મુલાકાતીઓ માટેના રૂમમાં ઘુસી મુલાકાત વિભાગના ઇન્ચાર્જ જેલરને ધમકી આપી હતી. આ ગુનામાં પણ તે ફરાર હોઇ એલસીબી ઝોન-૨ નાસ્તા ફરતા સ્ક્વોડે તેને ગત ૧૨મીએ પકડી પ્ર.નગરમાં રજૂ કર્યો હતો. બાદમાં જેલરને ધમકીના ગુનામાં ધરપકડ કરી કાર્યવાહી કરાઇ હતી.
પેરોલ પર છુટી જેલરને ધમકી આપ્યા પછી તે સતત ફરાર હતો ત્યારે ફરી વખત તેણે આજથી તેર દિવસ પહેલા જેલ પ્રિમાઇસીસમાં જઇ જેલ સિપાહી અને હવાલદાર સાથે મુખ્ય ગેઇટ પર બે શખ્સો સાથે પહોંચી માથાકુટ કરી ગાળો દઇ જોઇ લેવાની ધમકી આપી હતી. આ મામલે વધુ એક ગુનો દાખલ થતાં ફરી તેનો પ્ર.નગર પોલીસ જેલમાંથી કબ્જો લઇ કાર્યવાહી કરશે.
સાજીદ કચરા વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમાં વર્ષ ૨૦૧૫માં ભાજપના લઘુમતી આગેવાનની હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં તેને કેદની સજા પડી છે. સાજીદ અગાઉ પ્ર.નગર, ડીસીબીમાં બોગસ દસ્તાવેજો ઉભા કરવા, તેમજ આર્મ્સ એક્ટનો ગુનામાં પણ સંડોવાયો હતો. ગત ૧૨મીએ જ સાજીદ કચરાને ઝોન-૨ ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ પકડી લીધો હતો.
(3:31 PM IST)










