News of Thursday, 18th September 2025
એડવોકેટ કાકાની ઓફિસમાં ઘુસી છરીની અણીએ ડખ્ખો કરી લૂંટ કરનાર ભત્રીજો સહિત ૩ ઝડપાયા
ઇન્દિરા સર્કલ પાસે શિલ્પન સ્ક્વેર બિલ્ડીંગમાં ઘટના બની હતીઃ કલાકોમાં ગુનો ડિટેક્ટ યુનિવર્સિટી પોલીસે મુળ જુનાગઢના હાલ ગાંધીનગર રહેતાં ભાર્ગવ જોષી, તેના મિત્રો રીકી અને રાજને પકડી બે કોમ્પ્યુટર, અસીલોની ૧૦ ફાઇલો કબ્જે કર્યા

રાજકોટ તા. ૧૮: શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલ પાસે શિલ્પન સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી એડવોકેટની ઓફિસમાં તેના સગા ભત્રીજા સહિત ત્રણ જણાએ ઘુસી જઇ ે છરી બતાવી બે કમ્પ્યૂટર અને અસીલોની ૧૦ ફાઈલ લૂંટી નાસી ગયા હતા. આ અંગે ગઇકાલે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી કલાકોમાં વકિલના ભત્રીજા સહિત ત્રણને પકડીલઇ ૭૫ અને ૨૫ હજારના બે કોમ્પ્યુટર તથા દસ ફાઇલો કબ્જે કરી છે.
જાણવા મળ્યા મુજબ ઇશ્વરિયામાં રહેતા અને શિલ્પન સ્ક્વેર બિલ્ડિંગમાં એડવોકેટ વિનોદભાઈ અરવિંદભાઈ જોષીની ઓફિસમાં જુનિયર એડવોકેટ તરીકે કામ કરતાં નિલેશ કિશોરભાઈ બાબરિયા (ઉ.વ.૩૩)એ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાર્ગવ વિપુલ જોષી અને તેની સાથેના બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. એડવોકેટ નિલેશ બાબરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે સવારે પોતે તથા અન્ય સ્ટાફ ઓફિસમાં કામ કરતાં હતા ત્યારે એડવોકેટ વિનોદભાઈ જોષીનો ભત્રીજો ભાર્ગવ જોષી બે અજાણ્યા શખ્સ સાથે ઓફિસમાં ધસી આવ્યો હતો, બંને અજાણ્યા શખ્સે બુકાની બાંધી હતી.
ભાર્ગવ જોષીએ પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી અને એડવોકેટ નિલેશ બાબરિયાને કહ્યું હતું કે વિનોદ કાકા કયાં છે? આથી નિલેષ બાબરીયાએ થોડીવારમાં આવશે તેવુ કહેતા જ ભાર્ગવ જોષી ઉશ્કેરાયો હતો અને તેણે કહ્યું હતું કે, મારે કોઈની રાહ જોવી નથી, તમારા બધાના મોબાઇલ આપી દો, તેમ કહી નિલેશ બાબરિયાનો મોબાઇલ આંચકી લીધો હતો, બાદ ભાર્ગવે મારે બધા કમ્પ્યુટર લઈ જવા છે, અને બે કમ્પ્યૂટર તથા ઓફિસમાં સોફા પર પડેલી અસીલોની ૧૦ ફાઇલ પોતાની સાથે લીધી હતી અને ભાર્ગવ સહિત ત્રણેય શખ્સ નીચે ઉતરી ગયા હતા. એડવોકેટ નિલેશ બાબરિયાને પણ નીચે બોલાવ્યા હતાં અને નીચે પહોંચતા જ નિલેશને તેનો મોબાઇલ આપી ભાર્ગવ સહિતની ત્રિપુટી કારમાં નાસી ગઇ હતી.
બાદમાં એડવોકેટ નિલેશ બાબરિયાએ ફોન કરતાં એડવોકેટ વિનોદ જોષી પોતાની ઓફિસે દોડી આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એડવોકેટ વિનોદ જોષીએ આક્ષેપ કર્યો હતો કે, તેનો ભત્રીજો ભાર્ગવ જોષી પૈસા પડાવવા માટે આવા ખેલ કરે છે, અગાઉ સગીરવયનો હતો ત્યારે પણ ઓફિસમાં આ રીતે ધમાલ કરી હતી. અને તે સમયે પણ તેની સામે ફરિયાદ કરી હતી અને મામલો બાળ અદાલત સુધી પહોંચ્યો હતો.
આ ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસે કલાકોમાં ઉકેલી ભાગવ વિપુલભાઇ જોષી (ઁરહે. હાલ સેક્ટર-૧૪, બ્લોક નં. ૨૮૯, ગાંધીનગર, મુળ જુનાગઢ) તથા તેના મિત્રો ગાંધીનગર સેક્ટર-૨૪, મહાદેવ પીજી અને જુનાગઢ ગીરનાર રોડ લોધાવાડના પાટીયે રહેતાં રાજ તેજસભાઇ વાણીયાને હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. પ્રાદિત્યસિંહ ઝાલા, એલસીબી ઝોન-૨ના અંકિતભાઇ નિમાવત, અમીનભાઇ ભલુરની બાતમી પરથી પકડી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ આર. એચ. ઝાલા, એચ. એમ. મણવર, જે. એન. ખટાણા, હેડકોન્સ. પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, એલસીબીના જે. વી. ગોહિલ, અંકિતભાઇ, અમીનભાઇએ આ કામગીરી કરી હતી.
(4:18 PM IST)










