તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
યાત્રી સેવાના દિવસે જ હિરાસર એરપોર્ટમાં સેંકડો મુસાફરોમાં દેકારોઃ ઇલેકટ્રીક સીડી જ બંધ હાલતમાં
એન્ટ્રી-એકિઝટ ડોર પાસે જ કૂતરાઓના આંટાફેરા અને સુતા હોય તેવા દૃશ્યો બહાર આવ્યા

રાજકોટ તા. ૧૮: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રી સેવા દિવસે જ અસુવિધાઓ સામે આવી છે, અહીં એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ કે જયાં હવાઇ મુસાફરોની એન્ટ્રી-ઐકિઝટ થતી હોય છે ત્યાં જ કૂતરાઓ સુતા હોય તેવા દૃશ્યો બહાર આવતા દેકારો બોલી ગયો છે, આ સાથે જ એરપોર્ટમાં ફલાઇટમાં જવા માટેની ઇલેકિટ્રક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ર૭ જુલાઇ, ર૦ર૩ના રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસેના હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે તેના ર વર્ષ બાદ ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ થઇ નથી અને મુસાફરલક્ષી અનેક અસુવિધાઓ સામે આવતી રહે છે. ત્યારે યાત્રી સેવા દિવસે જ સુવિધાઓના છીંડા સામે આવ્યા હતા. જેનાથી હવાઇ મુસાફરો હેરાન પરેશાન થયા છે.
એરપોર્ટ ટર્મિનલમાં ફલાઇટમાં જવા માંગતા હવાઇ મુસાફરોને ચડવા માટેની ઇલેકટ્રીક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સમયે ત્યાં રીપેરીંગ ચાલી રહ્યું હતું.
એરપોર્ટ પરથી દૈનિક અવરજવર કરતી ૯ જેટલી ફલાઇટમાં ૩૦૦૦ હવાઇ મુસાફરોની અવરજવર રહે છે. જેમાંથી દરરોજ ૧પ૦૦ જેટલા મુસાફરોને ફલાઇટમાં જવા માટે ટર્મિનલની ઇલેકિટ્રક સીડી ખોટવાઇ ગઇ છે.
(4:14 PM IST)










