<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

આંગણવાડીના બાળકોને ગંભીર રોગ : ર૬ ને કેન્‍સર, ૧ર૬ હાર્ટના દર્દી તથા ૩૮ને કિડનીની તકલીફ

મનપા દ્વારા છેલ્લા ૭ માસના આંકડા ચિંતાજનક

રાજકોટ, તા.,૧૮ :  આરોગ્‍ય વિભાગ દ્વારા રોગ ચાળા અટકાયતી પગલાના ભાગરૂપે દરરોજ ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી રહી છે અને મચ્‍છર જન્‍ય તથા પાણી જન્‍ય રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગંભીર રોગ અંગેની કાર્યવાહી ડોર ટુ ડોર થતી નથી જેની સામે શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બાળકોના આરોગ્‍યની તપાસણી કરવામાં આવે છે. જેમાં ગંભીર રોગના લક્ષણો ધરાવતા બાળકોની વિગત જાહેર કરી તેઓએ સારવાર આપવામાં આવતી હોય છે.

છેલ્લા સાત માસ દરમિયાન બાળકોની આરોગ્‍ય તપાસણીના આંકડાઓ જાહેર થયા તે મુજબ ૨૬ કેન્‍સર, ૧૨૬ હાર્ટ પેશન્‍ટ અને ૩૮ બાળકોની કિડનીમાં ક્ષતિ જોવા મળતા તમામને સુપરસ્‍પેશિયાલીટી સારવાર આપવામાં આવી રહી છે.

મનપાના આરબીએસકે ટીમ દ્વારા વર્ષના પ્રારંભે શહેરની તમામ આંગણવાડીઓને શાળાઓમાં બાળકોને આરોગ્‍ય તપાસણી કરવામાં આવી હતી અને જૂલાઇ સુધીમાં આરોગ્‍ય તપાસણીના આંકડાઓ જાહેર કરવામાં આવ્‍યા છે. તે મુજબ કુલ ૧૯૦૦૯૩ બાળકોની આરોગ્‍ય તપાસણી કરતા હૃદયરોગની શકયતા ધરાવતા ૧૨૬ બાળકો તથા કિડની ક્ષતિયુકત હોય તેવા ૩૮ બાળકો અને બાળપણથી જ કેન્‍સરના લક્ષણો ધરાવતા હોય તેવા ૨૬ બાળકોનું લીસ્‍ટ તૈયાર કરવામાં આવ્‍યુ હતુ.

તેમજ કોકલીયર ઇમ્‍પ્‍લાન્‍ટ-૭ અને અન્‍ય ગંભીર રોગના ૧૨ બાળકો જોવા મળ્‍યા હતા. આથી બાળકોના શાળા આરોગ્‍ય પ્રોગ્રામ અંતર્ગત સેવા મંજૂરી આપી તમામ ૧૫૮૩ બાળકોને સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ સારવાર માટે સેક્‍ધટરી અને ટેરેટરી કેર ખાતે રીફર કરવામાં આવ્‍યા છે.

મહાનગરપાલિકાની આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા વર્ષ દરમિયાન સતત તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં આરોગ્‍ય ચકાસણી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં શરદી-તાવ-ઉધરસના લક્ષણો ધરાવતા હોય તેવા બાળકોને આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સારવાર આપવામાં આવે છે. જ્‍યારે મેલેરીયા તેમજ ડેન્‍ગ્‍યુ સહિતના લક્ષણો ધરાવતા બાળકોને સુરપસ્‍પેશિયાલીટી સારવાર નિયત કરેલ હોસ્‍પિટલ ખાતે આપવામાં આવતી હોય છે. અને આ પ્રકારના લક્ષણો ધરાવતા બાળકોની સંખ્‍યા મોટી હોય છે.

તેમજ સીઝનલ મુજબ હોવાથી પ્રાથમિક સારવાર આપવાથી બાળકો સ્‍વચ્‍છ થઇ જતા હોય છે. પરંતુ ગંભીર બીમારીઓના લક્ષણો ધરાવતા બાળકોને વધુ સારવાર અને લાંબી સારવારની જરૂરીયાત હોવાથી આ પ્રકારના ગંભીર બીમારીના લક્ષણો ધરાવતા બાળકોને જરૂરીયાત મુજબની તમામ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

આરબીએસકેની ટીમ દ્વારા જાન્‍યુઆરીથી જૂલાઇ માસ સુધી આરોગ્‍ય ચકાસણી કાર્યક્રમ હેઠળ ગંભીર બીમારીના લક્ષણો ધરાવતા બાળકોની યાદી આજરોજ જાહેર કરવામાં આવેલ જે ભયજંનક હોવાનું સૂચવે છે. નાની ઉંમરેજ હૃદયરોગની શકયતાઓ ધરાવતા તેમજ કિડનીમાં ક્ષતિ અને કેન્‍સરના લક્ષણો ધરાવતા બાળકોમાં સતત વધારો જોવા મળ્‍યો છે. આરોગ્‍ય વિભાગ દ્વારા આરોગ્‍ય લક્ષી કાર્યક્રમો યોજવાની સાથો સાથ આંગણવાડી અને શાળાએ આવતા ગંભીર રોગના લક્ષણો ધરાવતા બાળકોના વાલીઓ સાથે વાતચીત યોજી તેઓને રોગ વિશેની જાણકારી તેમજ ખાનપાન સહિતના મુદ્દે સમજાવવામાં આવી રહ્યા છે. છતાં સાત માસ દરમિયાન જાહેર થયેલા આંકડાઓ જોતા હવે વાલીઓ તેમજ તંત્રએ વધુ સજાગ રહેવાનો સમય આવી ગયો છે. 

(4:17 PM IST)