<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

નવરાત્રી દરમિયાન રાજકોટમાં રાત્રિના ૧૨ વાગ્યા બાદ માઇક અને લાઉડ સ્પીકર ચાલુ રાખી શકાશે નહીં : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનો હુકમ

તા.૨૨ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધી લાગુ રહેશે આ નિયમ : ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

રાજકોટ : નવરાત્રીના તહેવારને અનુલક્ષીને રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ હુકમ જારી કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા બહાર પાડવામાં આવેલા આ હુકમ મુજબ, તા.૨૨ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધી રાત્રિના બાર વાગ્યા બાદ કોઈ પણ ખાનગી કે જાહેર સ્થળે યોજાતા રાસ-ગરબા કે કાર્યક્રમોમાં માઇક તથા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.
આ હુકમ 'નોઇસ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રુલ્સ ૨૦૦૦'ની કલમ ૫(૩) અને ૬ની જોગવાઈઓ તેમજ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામાને આધારે જારી કરવામાં આવ્યો છે. આ નિયમો અનુસાર, નવરાત્રીના સમયગાળા દરમિયાન રાત્રિના દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી જ માઇક અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી છે. નવરાત્રી તથા દશેરાના દિવસે પણ રાત્રિના ૧૨ વાગ્યા બાદ આ નિયમનું પાલન ફરજિયાત રહેશે.
જે વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે, તે કાયદાકીય રીતે શિક્ષાને પાત્ર બનશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ તહેવારોની ઉજવણી દરમિયાન ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ રાખીને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો છે.

 

(7:48 PM IST)