News of Friday, 19th September 2025
રેલનગરના ૨૯ વર્ષના જયદિપ રાઠોડનું તાવથી મોતઃ ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતાં
કંપનીમાં બિઝનેસ સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતો યુવાન માતા-પિતાનો એક જ દિકરો હતોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૯: શહેરમાં એક તરફ શરદી-તાવ-ઉધરસના રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે એક આશાસ્પદ અને પરિવારના આધારસ્તંભ યુવાનનું તાવથી મોત થયું છે. આ અઠવાડીએ મહાનગર પાલિકાના ચોપડે તાવ-શરદી-ઉધરસના અઢારસો જેટલા કેસ નોંધાયા હતાં. દરમિયાન રેલનગરમાં રહેતાં ૨૯ વર્ષના યુવાનને તાવ ચડયા બાદ દવા ચાલુ હતી. ત્રણ દિવસથી તાવ હોઇ આજે તે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. ત્રણ મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં.
જાણવા મળ્યા મુજબ શહેરના રેલનગર શિવદ્રષ્ટી સોસાયટીમાં રહેતો જયદિપભાઇ જયેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૯) નામનો યુવાન સવારે અગીયારેક વાગ્યે ઘરે હતો ત્યારે એકાએક બભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ઇમર્જન્સી વિભાગના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, ધર્મેન્દ્રભાઇ હુદડે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર જયેશભાઇ એક બહેનથી મોટો અને માતા-પિતાનો એક જ આધારસ્તંભ હતો. તે બજાજ એલીયન્સ કંપનીમાં બિઝનેસ સેલ્સ મેનેજર તરીકે નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. ત્રણ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં. પરિવારજનોના કહેવા મુજબ જયદિપભાઇને ત્રણેક દિવસથી તાવ આવતો હોઇ દવા ચાલુ હતી. આજે અચાનક બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુથી નવોઢાનો ચુડીચાંદલો નંદવાઇ જતાં કલ્પાંત સર્જાયો હતો. તાવથી મોત થયું કે હાર્ટએટેક આવી ગયો? તે જાણવા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી કરી હતી. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં મૃતકના સગા સંબંધીઓ, મિત્રો, સાથી કર્મચારીઓ હોસ્પિટલે ઉમટી પડયા હતાં. (૧૪.૯)
(2:52 PM IST)










