તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૦ મંગળવાર
News of Friday, 19th September 2025
ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં રાજયભરમાંથી ૧૩૦૦ એસટી બસો ફાળવાઇઃ ૨૫૦૦ રૂટમાં કાપ
રાજકોટ ડિવીઝને ૧૦૦ બસ મોકલીઃ ૫૦ રૂટો કાપી નાંખ્યાઃ એસટી મુસાફર હિત રક્ષક સમિતિનો ઉગ્ર વિરોધ....

રાજકોટ તા.૧૯: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, પ્રદીપસિંહ જાડેજા (ગોંડલ), પઢિયાર બળવંતસિંહ (ભુજ, અંકલેશ્વર), પૂર્વ ફોજી નટુભા ઝાલા ની સંયુક્ત યાદી જણાવે છે કે દર વખતની જેમ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની (એસ.ટી) બસો રૂટ કેન્સલ કરી લોકોને હાલાકી અને હાડમારી ઊભી કરી જનમેદની ઊભી કરવા પ્રજાના ખર્ચે તાગડ ધિન્ના કરવા એસ.ટીની બસો કબજે લેવામાં આવે છે. તારીખ ૨૦/૯ ના ભાવનગર ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં ૧૩૦૦ એસટી બસો દોડાવાશે અને ૨૫૦૦ રૂટ માં કાપ મુકાતા અફડા તફડીનો માહોલ રહેશે. ૧૯/૯ શુક્રવારના રોજ ભાવનગર ખાતે તમામ બસોને પહોંચાડી દેવા આદેશ કરવામાં આવેલ છે જેને પગલે ૧૯ અને ૨૦ સિનિયર સિટીઝનો, મહિલાઓ, બાળકો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી બનશે. મુસાફરોની સુવિધા ઝુંટવી લઈ એસ.ટી બસો નો દુરુપયોગ સામે ગુજરાત એસ.ટી મુસાફર સમિતિનો સખ્ત શબ્દોમાં વિરોધ છે, રાજકોટ ડિવીઝને પણ ૧૦૦ બસ ફાળવી છે, ૪૦ થી ૫૦ રૂટ કેન્સલ કરાયા છે.
અમારી જાણ મુજબ અમદાવાદ, વડોદરા, નડિયાદ, મહેસાણા, ભરૂચ, ગોધરા, પાલનપુર સહિતના ડિવિઝનો માંથી અંદાજે દરેક ડિવિઝનો માંથી સેંકડો બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવા આદેશ કરેલ છે. રાજ્યભરમાં હાલ નિયમિત એસ.ટીની ૮૫૫૦ બસો દોડી રહી છે. અને રોજિંદા ૨૯ લાખ મુસાફરો અપડાઉન કરી રહ્યા છે. અને ૨૫૦૦ રૂટ કેન્સલ થવાના કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવી પડશે.
મુસાફરોને બે દિવસ સુધી હાલાકી ભોગવી પડે તેમ હોવા છતાં એસ.ટી દ્વારા કોઈ હેલ્પલાઇન નંબર જાહેર કરેલ નથી પરંતુ કોઈ યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ પડે તો ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર ૯૪૨૬૨ ૨૯૩૯૬ પર મદદ લઈ શકો છો.
(3:53 PM IST)










