News of Friday, 19th September 2025
પતિ-જેઠાણીના આડાસંબંધની જાણ દિપીકાબેને સાસુને કરતાં તેણે કહ્યું-આવું તો ચાલ્યા કરે!
લગ્નના સાત મહિના બાદ ત્રાસ શરૂ થયોઃ મંદ બુધ્ધીની છો, તારી મમ્મીએ કામ શીખવ્યું નથી : હાલ ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતાં પરિણીતાની મોરબી રોડ શિવધારામાં રહેતાં પતિ પ્રકાશ ઝીંઝુવાડીયા, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: શહેરના મોરબી રોડ પર શિવધારા પાર્કમાં સાસરૂ ધરાવતી અને હાલ ત્રણ વર્ષથી ગોકુલધામ આવાસમાં માવતરે રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્ન સાતેક માસ બાદ જ ત્રાસ શરૂ થઇ ગયાનું અને તું મંદ બુધ્ધીની છો, તમે કામ આવડતું નથી તેવા મેણા મારી ત્રાસ અપાયાનો તેમજ પતિ-જેઠાણીને આડાસંબંધ હોઇ તેની સાસુને વાત કરતાં તે આવુ બધુ ચાલ્યા કરે તેમ કહી વાત ટાળી દેતાં હોવાનો આરોપ પણ મુકાયો છે.
આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા હાલ ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં. ૩૨ ક્વાર્ટર નં. ૧૬૭૯માં રહેતાં દિપીકાબેન પ્રકાશભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી મોરબી રોડ રાજલક્ષ્મી પાછળ સાનિધ્ય-૪ સામે શિવધારા પાર્ક-સીમાં રહેતાં પતિ પ્રકાશ, સસરા લલીતભાઇ રમણીકભાઇ ઝીંઝુવાડીયા, સાસુ સરોજબેન, જેઠ ધર્મેશભાઇ, જેઠાણી નંદીનીબેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
દિપીકાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ ત્રણ વર્ષથી મારા પિયરમાં રહુ છું. મારા લગ્ન ૨૦૧૯માં પ્રકાશ ઝીંઝુવાડીયા સાથે થયા છે. સંતાનમાં મારે જુડવા બાળકો છે જેમાં એક દિકરી અને એક દિકરો છે જેની ઉમર હાલ પાંચ વર્ષ છે. મારા પતિને જ્વેલર્સનો શો રૂમ છે. લગ્ન બાદ મારું લગ્નજીવન આશરે સાત-આઠ મહિના સરખી રીતે ચાલ્યું હતું. બાદ મારા સાસરીવાળાએ ત્રાસ આપવાનુ ચાલુ કરી દીધેલ અને મારા સાસુ સસરા અને જેઠ-જેઠાણી તેમજ અમારા પતિ મને અવારનવાર મને ઘરકામ બાબતે મેણા ટોણા મારતા અને કહેતા કે તને કાંઈ કામ કરતા આવડતુ નથી અને તારા મમ્મીએ કાંઈ શીખવાડ્યું જ નથી. તેમ કહી મને મેણા ટોણા મારી દુખ ત્રાસ આપતા હતાં.
ત્યારબાદ મારે લગ્નને સાતેક મહિના પછી મને પ્રગનેન્શી રહેતા મને થયુ કે હવે બધુ સારું થઈ જશે. પણ પ્રેગનન્શીના પાંચ મહિના દરમિયાન મારી તબિયત સારી રહેતી નહોતી જેથી મારો પતિ અને સાસરીયાએ તું મંદબુધ્ધીની છો એમ કહી મને મારા માવતર મુકી જતા હતા. ત્યારબાદ ચાર-પાંચ દિવસ અમારા સાસુએ મને દુધ લેવા મોકલેલ તે દરમિયાન ત્રીજા માળેથી ધક્કો લાગતા હું પડી ગયેલ. ત્યારબાદ હું ચાલી શકતી હોઉ જેથી પાડોશી મને ઉભી કરી મારા ઘરે મુકવા આવેલ. પતિ મને કહેતો કે મારી પાસે પૈસા નથી. તારા મમ્મીને કે તને દવાખાને લઇ જાય. જેથી હું મારા મમ્મીને ફોન કરી અને તેડાવતી પછી મારા મમ્મી મને દવાખાને લઇ જતી અને દવાખાનાનો ખર્ચ પણ મારા પતિ આપતા નહી.
બાદ મારા સસરા મારી પર શંકા કરી અને મારી સાથે ઝઘડો કરતા અને જેમ ફાવે તેમ બોલતા અને મા રા જેઠ મને કહેતા કે તને અમારા પરીવાર સાથે રહેતા આવડતુ અને અમારી સાથે ભળતી નથી. મારા જેઠાણી પતિ ને મારી વિરૂધ્ધ ચઢામણી કરતાં હતાં. મારા પતિને મારા જેઠાણી સાથે આડા સંબંધ હતાં. આ અંગે મેં સાસુને વાત કરતાં કહેલુ કે આવુ બધુ તો ચાલ્યા કરે! તેમ કહી તે વાત ટાળી દેતાં હતાં. આ રીતે મને સારસીયાવાળા હેરાન પરેશાન કરતાં હતાં. મારે પ્રેગનન્સીનો સાતમો મહિનો ચાલતો હતો ત્યારે સાસુ મારા સસરાને મારા વિરૂધ્ધ કાન ભંભેરણી કરતાં સસરાએ ઘરે આવી મારી સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે-તું શું તારી સાસુને હેરાન કરે છે? આમ કહી ગાળો દીધી હતી. માનસિક ત્રાસને કારણે મને જમવાનું પણ ભાવતું નહિ. જેથી મારા સાસુ પડોઅીઓને ભેગા કરી મારી વાતો કરતાં. જેથી આવા ત્રાસને લીધે મેં મારા પિયરીયાને તેડાવ્યા હતાં. બાદ મને તેઓ તેડી ગયા હતાં અને મેં જુડવા બાળકને જન્મ આપ્યો હતો. એ વખતે દવાખાનાનો ખર્ચ પણ મારા માવતરે ભોગવ્યો હતો. સાસરીયાવાળા બાળકોને મળવા આવતાં અને મળીને જતાં રહેતાં પણ સમાધાનની કોઇ વાત કરતાં નહિ. બે વર્ષ પછી મને તેડી ગયા હતાં. પણ પંદરેક દિવસ મારા સાસરીયામાં રોકાઇ હતી. બાદ બાળકો બાબતે મારી સાથે ઝઘડો કરતાં અને મને બાળકો સાથે કાઢી મુકી હતી.
મારા જેઠ જેઠાણી અલગ રહેતાં હોઇ તે પણ આખો દિવસ અમારા ઘરે આવી જતાં અને પતિ તેમજ જેઠાણીની ચાલચલગત સારી ન હોઇ બંને સાથે જ હોય હું જેઠાણીને વાત કરું તો પતિ મને મારકુટ કરતાં હતાં. હાલ ત્રણ વર્ષથી હું માવતરે રહુ છું. સમાધાન ન થતાં અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં દિપીકાબેને જણાવતાં હેડકોન્સ. એ. ડી. રેથળીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:09 PM IST)










