News of Friday, 19th September 2025
વડાપ્રધાનની ‘વન નેશન વન રેશનકાર્ડ' યોજનાનું ગુજરાત પુરવઠા વિભાગ ‘બાળમરણ' કરવાની નીતી અપનાવે છે !!
અધિકારીઓ દુકાનદાર સાથે ચર્ચા કરતા નથીઃ અનેક પ્રશ્નો છેઃ મુખ્યમંત્રીને પત્ર પાઠવતું ગુજરાત ફેરપ્રાઇસ શોપ એસોસીએશન

રાજકોટ, તા., ૧૯ : પ્રધાનમંત્રી મોદીની મહત્વાકાંક્ષી યોજના વન નેશન વન રેશનકાર્ડ (ONORC) ની ગુજરાતમાં અમલવારી સામે ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશને સવાલો ઉઠાવ્યા છે. આ મામલે એસોસિએશને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે.
પત્રમાં એસોસિએશનના શ્રી હિતુભા જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા વન નેશન વન રેશનકાર્ડ યોજનાનું બાળ મરણ કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. એસોસિએશનનો આક્ષેપ છે કે, અધિકારીઓ દુકાનદારો સાથે ચર્ચા કરવા પણ તૈયાર નથી. વારંવાર બદલાતા નિયમો અને તઘલખી નિર્ણયોને કારણે યોજના યોગ્ય રીતે ચાલી રહી નથી. ખાસ કરીને પોર્ટેબિલિટીનો જથ્થો ફાળવવામાં થતી ગેરરીતિઓને કારણે દુકાનદારોને અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાન સુધી સમયસર અનાજ પહોંચાડવામાં આવતું નથી. આથી, જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને સમયસર અનાજ મળતું નથી અને તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. આ ઉપરાંત, દુકાનદારોને પણ સમયસર કમિશનની રકમ આપવામાં આવતી નથી.
એસોસિએશને માંગ કરી છે કે, ઓએનઓઆરસી યોજના માટે જરૂરિયાત મુજબ પરમિટ બનાવવી જોઈએ અને તેમાં કોઈ ટકાવારીનો નિયમ ન હોવો જોઈએ. જો પુરવઠા વિભાગની આ વ્યવસ્થામાં સુધારો નહીં થાય, તો સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તાલુકામાં આવેદનો આપવામાં આવશે અને પુરવઠા નિગમની નિષ્ફળતાઓ જાહેરમાં લાવવામાં આવશે.
(3:14 PM IST)










