<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

શાપર-વેરાવળને નગરપાલિકાનો દરજજો આપવાની તૈયારીઃ રાજકોટ જિલ્લા પંચાયતના સમીકરણો બદલાશે

બે જૂદી-જુદી અથવા સંયુકત સુધરાઇ બનાવાશેઃ જિલ્લા પંચાયતની બેઠકોમાં રોટેશન ફાળવવામાં વિલંબનો વર્તારો

 

રાજકોટ તા. ર૦ :.. જિલ્લાની શાપર-વેરાવળ ગ્રામ પંચાયતના સ્‍થાને નગરપાલિકા બને તેવા એંધાણ છે. સરકાર સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી પૂર્વે જ શાપર-વેરાવળને નગરપાલિકાનો દરજજો આપવા માંગતી હોવાના નિર્દેષ છે. ઉદ્યોગોથી ધમધમતા આ વિસ્‍તારને નગરપાલિકા બનાવવા લાંબા સમયથી માંગણી થઇ રહી છે. બન્નેની સંયુકત નગરપાલિકા બનાવવી કે જુદી જુદી તે અંગે આખરી નિર્ણય થયો નથી. બે ગ્રામ પંચાયતનો ભેગી કરીને સંયુકત નગરપાલિકા બન્ને તેવી શકયતા વધુ છે. સરકાર કક્ષાએ આ મામલો સઘન વિચારણા હેઠળ હોવાનું આધારભૂત વર્તુળો જણાવે છે.

શાપર-વેરાવળ બન્નેની મળીને ર લાખથી વધુ વસ્‍તી છે. બન્ને ગ્રામ પંચાયતમાં પાંચ-પાંચ હજારથી વધુ મતદારો છે. ઉદ્યોગોમાં રોજગારી માટે બહારથી આવેલા લોકોનું પ્રમાણ મોટુ છે. શાપર-વેરાવળમાં જિલ્લા પંચાયતની એક અને કોટડાસાંગાણી તાલુકા પંચાયતન પાંચ બેઠકોનો સમાવેશ થાય છે. નગરપાલિકાનો દરજજો મળ્‍યા પછી તાલુકા-જિલ્લા પંચાયતમાં સમીકરણો બદલાશે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં ૩૬ બેઠકો છે તે પૈકી એક શાપર-વેરાવળને લાગુ પડતી છે. આ વિસ્‍તારમાં સંયુકત અથવા સ્‍વતંત્ર નગરપાલિકા બને તો તેટલો વિસ્‍તાર પંચાયતના કાર્યક્ષેત્રમાંથી દૂર થશે. સીમાંકન અને રાજકીય સમીકરણ પર તેની અસર થશે. શાપર-વેરાવળનો નિર્ણય બાકી હોવાથી  જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી (વિસ્‍તાર) જાહેર કરવામાં વિલંબ થાય તેવી  પ્રબળ શકયતા છે. કઇ બેઠક સામાન્‍ય અથવા કયાં પ્રકારની અનામત રહેશે તે જાહેર કરવાનું બાકી છે. રોટેશન ફાળવણી ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. (પ-ર૪)

 

 

(2:50 PM IST)