<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

મ્‍યુ.સેક્રેટરીનો ચાર્જ અન્‍યને સોંપવા ભલામણનો વિરોધઃ નેહલ શુકલનો બોર્ડનો બહીષ્‍કાર

મનપાના જનરલ બોર્ડમાં શાસક પક્ષના કોર્પોરેટર વિફર્યા

રાજકોટ, તા. ર૦: આજના મનપાના જનરલ બોર્ડમાં અન્‍યને મ્‍યુ. સેક્રેટરીની જગ્‍યાએ ચાર્જ સોપવાની ભલામણને લઇને થઇ રહેલ જી.પી. એમ.સી. એકટના ઉલ્લંઘન મામલે વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર નેહલ શુકલએ મ્‍યુ. કમિશનરને પત્ર પાઠવી નારાજગી વ્‍યકત કરવાની સાથે બોર્ડમાં ગેરહાજર રહી વિરોધ દર્શાવ્‍યો છે.

નેહલ શુકલએ પત્રમાં જણાવ્‍યા મુજબ  રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરીની જ્‍યારે ‘કાયમી ભરતી' સંપૂર્ણ કાયદેસર પ્રક્રિયાથી કરવામાં આવી છે ત્‍યારે તેની બદલી અન્‍ય જગ્‍યાએ કરી અને તેની સેક્રેટરી તરીકેની પોસ્‍ટનો ચાર્જ બીજાને આપવાનું કાયદા વિરૂધ્‍ધનું કાર્ય અટકાવવા જણાવ્‍યું છે.

મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં સેક્રેટરી ની જગ્‍યા તે જીપીએમસી એક્‍ટની દર્શાવેલી ઓફિસર તરીકે ની જગ્‍યા છે જેની સંપૂર્ણ નિયમ અનુસાર ની વિધિ કરીને તેના પર ભરતી કરીને શ્રી રૂપારેલીયાને નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે, તેઓ શ્રી જૂન ૨૦૧૪થી આ પોસ્‍ટ પર ફરજ બજાવી રહ્યા છે ત્‍યારે આપના દ્વારા એમને આસિસ્‍ટન્‍ટ કમિશનર તરીકે ટ્રાન્‍સફર આપીને અન્‍ય ફરજનો જે હવાલો આપવામાં આવ્‍યો છે તે ચોક્કસથી આપી શકાય છે પરંતુ આ અન્‍ય કામના હવાલાથી તેઓની મૂળ જગ્‍યા પર થી તેઓને કામગીરી કરતા રોકી શકાતા નથી કે કોઈ અન્‍યને સેક્રેટરી તરીકેનો ચાર્જ આપી શકાતો નથી.

તેમ છતાં આપના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે,જેમાં જી.પી.એમ.સી. એક્‍ટ મુજબ જે તે કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ઠરાવ પછી તેની ભલામણને જનરલ બોર્ડમાં પણ મંજુર કરાવવી પડે છે પરંતુ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં આ પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલા એમની જગ્‍યાએ જોઈ અન્‍ય વ્‍યક્‍તિને ચાર્જ આપી દેવામાં આવ્‍યો છે જે નિયમ વિરૂધ્‍ધ છે, મ્‍યુનિસિપલ સેક્રેટરીને તેની ભરતી થયેલ કાયમી જગ્‍યા પર તે ફરજમાં ચાલુ હોવા છતાં પણ બદલી ને અન્‍ય વ્‍યક્‍તિ ને ચાર્જ આપવો તે ગુજરાત સિવિલ સર્વિસ રુલનું તેમજ જી.પી.એમ.સી. એક્‍ટ નું પણ ઉલ્લંઘન છે.આજ સુધીના ગુજરાતના કોઈપણ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં આવી કોઈ પણ ઘટના ઘટી નથી અને જ્‍યારે પણ કોઈ કાયદાકીય ઉલંઘન થતું હોય છે કે તેવી સંભાવના દેખાતી હોય છે ત્‍યારે કાયદાકીય અર્થઘટન માટે સરકારને ભલામણ કરી અને તેમનું માર્ગદર્શન લેવામાં આવે છે

આપના દ્વારા આ કિસ્‍સામાં આ કાર્યવાહી પણ ચૂકાઈ ગઈ હોય તેવું સ્‍પષ્ટ લાગી રહ્યું છે. આવી ઘટનાઓ ભવિષ્‍ય માટે વહીવટી બાબતોમાં ખૂબ જ નુકસાનકારક અને ખોટો ચીલો ચારતનારી છે.

(3:07 PM IST)