<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ગવરીદળ નજીક ‘હિટ એન્‍ડ રન': મિષાી કામ કરવા જઇ રહેલા ભુપતભાઇ તલસાણીયાનું મોત

શ્રધ્‍ધા પાર્કના વૃધ્‍ધ બેટરીવાળુ ટુવ્‍હીલર લઇને કાગદડી ગામે કામ કરવા જતા હતાં ત્‍યારે અજાણ્‍યો કારચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૦: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ગવરીદળ ગામ નજીક હિટ એન્‍ડ રનના બનાવમાં રાજકોટના વૃધ્‍ધનું મોત થયું છે. અજાણી કારનો ચાલક બેટરીવાળા વાહનને ઠોકરે લઇ ભાગી જતાં વૃધ્‍ધ આ વાહન સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ શ્રધ્‍ધા પાર્કમાં રહેતાં ભુપતભાઇ ગોરધનભાઇ તલસાણીયા (ઉ.વ.૬૮) નામના વૃધ્‍ધ ગઇકાલે સવારે અગીયારેક વાગ્‍યે બેટરીવાળુ ટુવ્‍હીલર હંકારીને મોરબી રોડ આવેલા કાગદડી ગામે જતાં હતાં ત્‍યારે ગવરીદળ ગામ પાસે પહોંચ્‍યા તે વખતે એક કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.

સારવાર દરમિયાન આજે ભુપતભાઇએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. કુવાડવા રોડ પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ભુપતભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. તેઓ મિષાી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. કાગદડી ગામે ફર્નિચરનું કામ કરવાનું હોઇ આ કામ માટે જતી વખતે બનાવ બન્‍યો હતો. મોભીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:35 PM IST)