તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd September 2025
નિલકંઠનગરમાં નીલ ઓડેદરા પર પડોશીનો હુમલોઃ પિતા,માતાને પણ મારકુટઃ પત્નિના વાળ ખેંચી ઢસડયા
તારી ગાડી સાઇડમાં રાખી લેજે નહિતર ગાડી ઉખડી જશે કહી ધમકી દીધી, પછી બીજા ત્રણ મિત્રોને સાથે લાવી ધમાલ મચાવી : કોટકભાઇ નામના પડોશીએ કારમાં બેસી સતત હોર્ન વગાડતાં તેને સમજાવતાં ડખ્ખો કર્યોઃ નીલ અને પરિવારજનો ઘરમાં જતાં રહેતાં ઇંટ-પથ્થરના ઘા કરી કહ્યું-હવે કાર સરખી નહિ રાખ તો તને ઉપાડી લઇશ

રાજકોટ તા. ૨૨: યુનિવર્સિટી રોડ પર નિલકંઠનગરમાં રહેતાં કોટકભાઇ નામના વ્યક્તિએ પોતાની કારના જોર જોરથી સતત હોર્ન વગાડતાં અહિ રહેતાં કન્સ્ટ્રકશનના ધંધાર્થી યુવાને તેને શાંત રહેવા કહેતાં તેણે આ યુવાનને તારી કાર સાઇડમાં લઇ લેજે નહિતર ગાડી ઉખડી જશે કહી ધમકી આપ્યા બાદ થોડીવાર પછી બીજા ત્રણ મિત્રો સાથે આવી આ યુવાનને ગાળો દઇ માર મારી તેમજ તેના પિતાને પણ ઢીકાપાટુ મારી, બિમાર માતાને પછાડી દઇ અને પત્નિને પણ માર મારી વાળ પકડી ઢસડીને ઇજા કર્યા બાદ આ યુવાન ઘરમાં જતો રહેતાં ચારેયએ ઘર પર પથ્થર-ઇંટના ઘા કરી હવે પછી ગાડી સરખી પાર્ક કરજે નહિતર ગાડીની જેમ તનેય ઉપાડી લઇશ તેવી ધમકી આપતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ નિલકંઠ નગર-૬/૨ના ખુણે પટેલ કન્યા છાત્રાલયની સામે રહેતાં નીલ રામદેવભાઇ ઓડેદરા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી કોટકભાઇ અને ત્રણ અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. નીલ ઓડેદરાએ જણાવ્યું છે કે હું પિતા રામદેવભાઇ ભીમાભાઇ, માતા ભારતીબેન અને પત્નિ હેતલ ઓડેદરા સાથે રહુ છું અને કન્સ્ટ્રકશનનનું કામ કરુ છું૦. રવિવારે રાતે સાડા દસેક વાગ્યે હું અને કુટુંબીજનો ઘરે હતાં ત્યારે શેરીમાં રહેતાં કોટકભાઇ કે જેનું આખુ નામ મને આવડતું નથી તે કોઇસ્ત્રી સંબંધી સાથે કારમાં બેઠા બેઠા એકધારુ હોર્ન વગાડતાં હતાં. સોસાયટીમાં ખુબ અવાજ થતો હોઇ જેથી હું બહાર નીકળી જોવા જતાં કોટકભાઇએ મને તેની કારનો કાચ ખોલી મારી કાર લઇ લેવાનું કહેતાં મેં કહ્યું હતું કે જેટલી જગ્યા છે તેમાંથી તમારી કાર નીકળી જશે. આથી તેણે કહેલું કે આ અગાઉ રાતે ત્રણ વાગ્યે મારી કાર નીકળી નહોતી, તેમ કહી મને ધમકી ભર્યા અવાજે કહેલું કે તારી ગાડી સાઇડમાં રાખી લેજે નહિતો ગાડી ઉખડી જશે.
આમ બોલી તે નીકળી ગયેલ. બાદ રાતે સાડા અગીયારેક વાગ્યે કોટકભાઇ અને તેના મિત્ર ટુવ્હીલર લઇને આવેલ અને ઘોડી ચડાવી મારી સાથે ગાળાગાળી ચાલુ કરી હતી તેમજ મને ઢીકાપાટુ મારવા માંડયા હતાં. દેકારો થતાં મારા પિતા, માતા મને છોડાવવા આવતાં વધુ બે અજાણ્યા શખ્સોએ આવી જઇ મારા પિતાને પણ ઢીકાપાટુ મારી મારા શર્ટના બટન તોડી નાંખ્યા હતાં. મને કપાળે ઇજા થઇ હતી. મારા પત્નિ હેતલ વચ્ચે પડતાં તેને પણ વાળ ખેંચી ધક્કો દઇ પછાડી દેતાં તેના જમણા હાથની ટચી આંગળીમાં ઇજા થઇ હતી. મારા માતાને સ્પાઇનની સર્જરી કરાવેલી હોઇ કોટકભાઇ અને તેના મિત્રએ મારા માતાને પણ ધક્કો દઇ જમીન પર પછાડી દીધા હતાં.
તેમજ મારા પિતાને પણ મારી નાખવાની ધમકી આપી હતી કે બીજીવાર ગાડી સરખી પાર્ક કરજે નહિતર ગાડીની જેમ તને પણ ઉપાડી લઇશ. આ પછી મારા માતા-પત્નિ મને ઘરમાં લઇ ગયા હતાં અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તે વખતે કોટકભાઇ અને તેના ત્રણ મિત્રોએ અમારા ઘર પર ડેલીમાં છુટા પાણા-ઇંટોના ઘા કરી ‘બહાર નીકળ આજે તો પતાવી જ દેવો છે' કહી ધમકી આપતાં મારા પિતાએ પોલીસ બોલાવી લીધી હતી. આથી કોટકભાઇ અને તેના મિત્રો કાર, ટુવ્હીલરમાં ભાગી ગયા હતાં. તેમ વધુમાં નીલ ઓડેદરાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એચ. જે. જોગડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)
(2:24 PM IST)










