<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

એટીએમમાં પટ્ટી ચોંટાડી, કાર્ડ બદલી ઠગાઇ કરતા યુપીના શખ્‍સને માલવીયાનગર પોલીસે દબોચ્‍યોઃ ૬ગુના ઉકેલાયા

રાજકોટમાં પટ્ટી ચોંટાડી રોકડ ઉસેડી લેવાના બે, વૃધ્‍ધનું કાર્ડ બદલી ૨ાા લાખ ઉપાડી લેવાનો એક અને દિલ્‍હી, મુરાદાબાદ-યુપીના ૨૫ જેટલા ગુના કબુલ્‍યાઃ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી ચોૈધરીની રાહબરીમાં પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમને સફળતાઃ ચિત્રકેતુસિંહ, મનિષભાઇ, જયદિપસિંહની બાતમી

 

રાજકોટ તા. ૨૨: શહેરના નાનામવા મેઇન રોડ પર સિલ્‍વર હાઇટ્‍સ સામે ખાનગી બેન્‍કના એટીએમ સેન્‍ટર બહાર શંકાસ્‍પદ હાલતમાં ચક્કર લગાવતા આશિષસિંહ કળષ્‍ણપ્રતાપસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૭, રહે. વિષ્‍ણુનગર-૨, ઉમિયા ચોક)ને માલવિયાનગર પોલીસે ઝડપી લઇને એટીએમ ચીટીંગના બે ગુનાના ભેદ ઉકેલ્‍યો છે. આ ઉપરાંત આ શખ્‍સે અગાઉ પણ ચાર અલગ અલગ આ પ્રકારના ગુના આચર્યા હોવાનું કબુલ્‍યું છે. જેમાં દિલ્‍હીમાં મિત્ર સાથે મળી એટીએમ તોડી ૭ લાખની ચોરી કરી હોવાનું પણ ખુલ્‍યું છે. તો રાજકોટમા એક વૃધ્‍ધનું એટીએમ કાર્ડ બદલી અઢી લાખ રોકડા ઉપાડી લીધાનું પણ કબુલ કર્યુ છે.

એટીએમ મશીનમાં પટ્ટી ચોંટાડી ચીટીંગ કરવામાં આવ્‍યાનો ગુનો માલવીયાનગર પોલીસમાં દાખલ થયો હોઇ આ અંગે ડી. સ્‍ટાફ ટીમ તપાસમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્‍સ. મનિષભાઇ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટીને બાતમી મળી હતી કે એટીએમમાં છેડછાડ કરતો શકમંદ શખ્‍સ નાના મવા રોડ સિલ્‍વર હાઇટ્‍સ સામે એચડીએફસી એટીએમ પાસે આવ્‍યો છે. આથી તેને સકંજામાં લઇ વિસ્‍તૃત પુછતાછ કરતાં તેણે કકબુલ્‍યુ઼ હતું કે પંદર દિવસ પહેલા મવડી રોડ પર ઇન્‍દ્રપ્રસ્‍થ હોલ પાસે ઉજ્‍જીવન બેન્‍કના એટીએમ મશીનમાં પૈસા નીકળે એ જગ્‍યાએ પ્‍લાસ્‍ટિકની પટ્ટી લગાવીને એક ગ્રાહકના રૂા.૧૫૦૦ તફડાવ્‍યા હતા. વધુ પુછતાછ થતાં કબુલાત આપી હતી કે એટીએમ કાર્ડ બદલીને પણ બાલાજી હોલ પાસે એક વળધ્‍ધને મદદના બહાને છેતરી લઇ રૂા.૨.૫૦ લાખ તફડાવ્‍યા હતા. આ પહેલા વર્ષ ૨૦૨૧માં કોટડા સાંગાણી વિસ્‍તારમાં પણ એટીએમ ચીટીંગ કર્યું હતું. જ્‍યારે ગત જાન્‍યુઆરી મહિનામાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા રાસોત્‍સવ રૈયા ચોકડી પાસે મિત્ર કુલદિપસીંગ સાથે મળીને એટીએમમાં પટ્ટી લગાડી રૂા. ૧૫ હજાર તફડાવ્‍યા હતા.

આ ઉપરાંત મુળ યુપીના આશિષસિંહે એવી પણ કબુલાત આપી હતી કે વર્ષ ૨૦૧૯-૨૦માં દિલ્‍હીમાં મિત્ર કુલદિપસીંગ અને સંજય યાદવ સાથે મળીને ૮ એટીએમ તોડી રૂા.૭ લાખની ચોરી કરી હતી. જ્‍યારે વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન દિલ્‍હી અને ઉત્તર પ્રદેશમાં ૨૫ જેટલા એટીએમ મશીનમાં પટ્ટી લગાડીને ગ્રાહકોના અડધા લાખ જેવી રકમ ઉસેડી લીધી હતી. આ શખ્‍સ મુળ યુપીનો છે. હાલ રાજકોટ તેના બનેવી કે જે મુળ માણાવદરના છે તેની સાથે રહી પ્‍લમ્‍બીંગ કામની મજૂરી કરે છે. મોજશોખ માટે તે એટીએમ ફ્રોડ આચરી રોકડ લઇ વતન તરફ ભાગી જવાની ટેવ ધરાવે છે. આ વખતે ફરીથી ચીટીંગ કરવા આવતાં પકડાઇ ગયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હિરેનભાઇ પરમાર, હેડકોનસ. અજયભાઇ વીકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, મનિષભાઇ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(2:25 PM IST)