<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

આધુનિક રાજનીતિના ચાણક્‍ય અમિતભાઈ શાહનું રાજકોટમાં સ્‍વાગતઃ રાજુભાઈ ધ્રુવ

 

રાજકોટઃ ભારતીય રાજકારણમાં આધુનિક રાજનીતિના ચાણક્‍ય તરીકે જાણીતા કેન્‍દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ આજે સોમવારે અત્‍યારે બપોરે  રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ નિમિત્તે, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે તેમનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરતાં જણાવ્‍યું કે, અમિતભાઈના આગમનને લઈને રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના લોકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. તેમણે અમિતભાઈને એક લડાયક નેતા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા વ્‍યૂહરચનાકાર તરીકે ઓળખાવ્‍યા, જેમણે ભાજપને અસાધારણ સફળતા અપાવી છે.

સંગઠન કૌશલ્‍ય અને ઐતિહાસિક જીતઃ રાજુભાઈ ધ્રુવે અમિતભાઈ શાહની સંગઠન ક્ષમતાની પ્રશંસા કરતાં કહ્યું કે, ભાજપના અધ્‍યક્ષ તરીકેની તેમની સફળ કામગીરીએ અનેક રાજ્‍યોમાં પક્ષને અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીત અપાવી છે. તેમના નેતૃત્‍વ હેઠળ ભાજપની સભ્‍ય સંખ્‍યા ૩ કરોડથી વધીને ૧૫ કરોડથી વધુ થઈ, જે એક વિક્રમજનક સિદ્ધિ છે. આ દર્શાવે છે કે તેઓ પક્ષને રાષ્ટ્રીય સ્‍તરે મજબૂત બનાવવામાં અત્‍યંત કુશળ છે.

નિર્ણાયક અને ઐતિહાસિક પગલાઃ કેન્‍દ્રીય ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. રાજુભાઈએ ખાસ કરીને કાશ્‍મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના તેમના અસાધારણ હિંમત અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણયને બિરદાવ્‍યો. આ ઉપરાંત, તેમણે દેશમાં નેશનલ રજિસ્‍ટર ઑફ સિટીઝન (એન આર સી) અને સિટીઝન ઍમેન્‍ડમેન્‍ટ એક્‍ટ (સી એ એ) લાગુ કરવા જેવા પ્રસ્‍તાવોમાં પણ મહત્‍વની ભૂમિકા ભજવી છે. આ નિર્ણયોએ રાષ્ટ્રની સુરક્ષા અને એકતાને મજબૂત કરી છે.

બહુમુખી પ્રતિભા અને લોકપ્રિય નેતાઃ રાજુભાઈએ જણાવ્‍યું કે, અમિતભાઈ શાહ માત્ર રાજકારણી જ નહીં, પણ એક ઉત્‍કૃષ્ટ સંગઠનકાર અને સહકારી ક્ષેત્રના વિકાસમાં સિંહફાળો આપનાર નેતા પણ છે. જુલાઈ ૨૦૨૧ તેઓ ગૃહમંત્રીની સાથે નવા બનેલા સહકાર મંત્રાલયના કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમની આ બહુમુખી પ્રતિભાને કારણે તેઓ વિવિધ સર્વેક્ષણોમાં કેન્‍દ્રીય મંત્રી તરીકે લોકપ્રિયતાની ટોચ પર રહ્યા છે.

વ્‍યક્‍તિગત રીતે, અમિતભાઈ શાહ બાળપણથી જ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે જોડાયેલા રહ્યા છે. ૧૯૮૭માં તેઓ ભાજપ યુવા મોરચામાં જોડાયા અને ત્‍યારથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. ૧૯૯૭માં સરખેજ બેઠક પરથી ધારાસભ્‍ય બન્‍યા અને ૨૦૦૨માં ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. ૨૦૧૪માં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે, તેમણે લોકસભાની ૮૦માંથી ૭૩ બેઠકો જીતીને ભાજપને ઐતિહાસિક વિજય અપાવ્‍યો, જેણે તેમને દેશભરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના વિશ્વાસુ સાથીદાર તરીકે સ્‍થાપિત કર્યા.

રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્‍યું કે, કેન્‍દ્રીય ગૃહમંત્રી તરીકે સમગ્ર દેશની જવાબદારી હોવા છતાં, અમિતભાઈ શાહ ગુજરાત અને પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગર-અમદાવાદના વિકાસ કાર્યોને ક્‍યારેય ભૂલ્‍યા નથી. તેઓ નાનામાં નાના કાર્યકરને પણ ઓળખે છે અને પ્રેમપૂર્વક નામથી બોલાવીને તેમના સૂચનોને મહત્‍વ આપે છે.

આવા લોકલાડીલા અને યશસ્‍વી નેતાનું સ્‍વાગત કરવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોમાં ઉમંગ અને ઉત્‍સાહનો માહોલ છે.(૩૮.૩૨)

(3:18 PM IST)