હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘તમને બધાને મારીને લાશ સુટકેસમાં પેક કરી નાંખી દઇશું' સાળીએ ધમકી દીધાની વકિલ હિતેષભાઇની વળતી ફરિયાદ
માયાણી ચોકમાં સાળીની દૂકાનમાં ધમાલ મચાવી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં વકિલ સામે બે ગુના નોંધાયા હતાં : સાળી ઉપરાંત પત્નિ, સાળીના પરિચીત મયુર બોરીચા, બાજુની દૂકાનોવાળા, માયાણી ચોકના ડોન તરીકે ઓળખ આપનાર સહિત ૭ના આરોપીમાં નામઃ માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૨: શહેરના માયાણી ચોકમાં સોડાની દૂકાન ધરાવતાં યુવતિ પર તેના એડવોકેટ જીજાજીએ દૂકાનમાં ઘુસી હુમલો કરી તોડફોડ કર્યાની અને બાદમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આ એડવોકેટે ગાળાગાળી કરી પોલીસની ફરજમાં પણ રૂકાવટ કરતાં તેની સામે બે ગુના નોંધાયા હતાં. દરમિયાન હવે એડવોકેટે પણ પોતાના સાળી, તેણીની દૂકાનની બાજુની દૂકાનવાળા શખ્સો, પોતાની પત્નિ, સાળીના પરિચીત શખ્સ સહિતની સામે વળતી ફરિયાદ દાખલ કરાવી છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ રામધામ સોસાયટી-૪ કેકેવી હોલ પાસે રહેતાં હિતેષભાઇ ધીરજલાલ મકવાણા (ઉ.વ.૪૪) નામના એડવોકેટની ફરિયાદ પરથી મયુર બોરીચા, ખુશ્બુબેન, અજયભાઇ, વિક્રમભાઇ, હિતેષભાઇ, અજાણ્યા અને ભાવીકાબેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
હિતેષભાઇ મકવાણા વકિલાત કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું એડવોકેટ તરીકે પ્રેકટીસ કરુ છું. મારા બહેનનું નામ શીતલબેન છે. મારા લગ્ન ૨૦૦૭માં ભાવીકા કુમકીયા સાથે થયા છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. વર્ષ ૨૦૨૪માં મારા પત્નિને ગર્ભ રહી ગયો હોઇ તેણીએ મારી જાણ બહાર ગર્ભપાત કરાવી લીધો હોઇ જેથી અમારી વચ્ચે મનદુઃખ થયું હતું. બાદ મારી પત્નિ નોકરી કરતી હોઇ અને બાળકોની જવાબદારી નિભાવતી ન હોઇ મેં નોકરી મુકી દેવાનું કહ્યું હતું. એપ્રીલ-૨૦૨૫માં મારો દિકરો ધૈર્ય કે જે હાલ પંદર વર્ષનો છે તે સવારથી સાંજ સુધી જમ્યો ન હોઇ આ બાબતે મારે પત્નિ સાથે બોલચાલી થતાં તે બંને સંતાન અને દરદાગીના લઇ મારા સાળી ખુશ્બુબેન છે જેને હું મારી નાની બહેન ગણુ છું તેના ઘરે જતી રહેલ હતી.
મારી પત્નિ ભાવીકા, તથા સાળી ખુશ્બુબેન તથા તેની સાથેના મયુર બોરીચાએ મને ફોન કરી મારી નાખવાની ધમકી પંદર દિવસ પહેલા મને આપી હતી. મારી સાળી સાથે આ મયુરને અફેર છે. દરમિયાન ૨૦/૯ના શનિવારે સમાધાન માટે મારી પત્નિ ભાવીકાને ફોન કરતાં તેણે મને મળવા બોલાવ્યો હતો. પણ સસરાના ઘરે હું જતાં ત્યાં તાળુ હતું. જેથી માયાણી ચોકમાં મારા સસરાની સોડાની દુકાન છે ત્યાં ગયો હતો. જ્યાં મારા સાળી હતાં. તેને મે મારી પત્નિ ભાવીકા ક્યાં છે? પુછતાં તેણે જવાબ આપેલો કે તારી રીતે ગોતી લે. જેથી મેં કહેલુ કે મોટા જમાઇને સોડા પીવડાવો. તેમ કહી મેં ત્રણ ચાર બોટલો ખોલી હતી. આ વખતે ખુશ્બીબેને પાછળથી ટી-શર્ટ ખેંચ્યું હતું. જેથી બોટલ નીચે પડતાં તૂટી ગઇ હતી. એ પછી તેણે મારુ ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. આ દરમિયાન બાજુની ચાની દુકાનવાળા અજયભાઇ, વિક્રમભાઇ, હિતેષભાઇ આવી ગયા હતાં અને ારી સાથે ઝપાઝપી કરી હતી. આ પછી એક શખ્સે આવીને કહેલુ કે તે દરબાર છે અને માયાણી ચોકનો ડોન છે, તેમ કહી મને મારી નાખવાની ધમકી દીધી હતી. પછી મને દૂકાનમાંથી બહાર ખેંચી ઢીકાપાટુ માર્યા હતાં અને ગાળો દીધી હતી. આ વખતે મારી દિકરી ડરી ગઇ હતી અન રાડારાડી કરવા માંડી હતી. આથી લોકો ભેગા થઇગયા હતાં.
બાદ મારા સાળીએ ધમકી આપી હતી કે-લાશ પણ મળશે નહિ અને મકાન તથા બે઼ક ખાતા બધા મારા બેનના નામના છે, અમે લોકો તને અને તારા પિતાજી તથા તારી પુત્રીને તથા પુત્રને મારીને સુટેકેશમાં પેક કરી નાખી દઇશું. આવી ધમકી તેણીએ મને દીધી હતી. આ મારામારીમાં મને જમણા હાથમાં બરફ ભાંગવાના સુયાથી છરકો પાડી દેવાયો હતો અને મને ઢસડયો હોઇ જેથી છોલાણ થઇ ગયું હતું. બાદમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનની ગાડી આવતાં હું ફરિયાદ કરવા પહોંચ્યો હતો. ત્યાંથી મને સારવાર માટે લઇ જવાયો હતો. તેમ વધુમાં હિતેષભાઇએ કહેતાં હેડકોનસ. આર. એ. ચાવડાએ તેની ફરિયાદ નોંધી હતી.
ઉલ્લેખનીય છે કે આ વકિલ વિરૂધ્ધ તેમના સાળીની ફરિયાદ પરથી દૂકાનમાં ઘુસી તોડફોડ કરી ધમકી આપવાનો છેડતી કરવાનો ગુનો નોંધાયા બાદ વકિલે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં આ મામલે કુલ બે ગુના તેના વિરૂધ્ધ દાખલ થયા હતાં. હવે તેની ફરિયાદ પરથી તેના સાળી સહિતની વિરૂધ્ધ ફરિયાદ દાખલ થતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ પી. વી. ડોડીયાએ તપાસ હાથ ધરી છે.










