તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 23rd September 2025
ગુજરાત કેમીસ્ટસ ફેડરેશન લીગલ સેલના ચેરમેન તરીકે રાજકોટના અનિમેષ દેસાઇની વરણી
રાજયમાં ૩૬ હજાર દવાના વેપારીઓ-સભ્યો ધરાવતા : કો.ચેરમેન તરીકે સુહાસ પટેલ, બીપીન ઓઝા તથા કે.ડી.ચીખાણી રહેશે : ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટમાં જરૂરી સુધારણા માટેની રજુઆતોને પ્રાધાન્ય આપવાનો અકિલા સમક્ષ કોલ આપતા નવનિયુકત ચેરમેન

રાજકોટ, તા., ર૩: સમગ્ર ગુજરાતમાં ૩૬ હજાર જેટલા દવાના વેપારીઓ (રીટેલર્સ-હોલસેલર્સ)ના સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનની કારોબારી મીટીંગ તાજેતરમાં જયપુર ખાતે મળી હતી. જેમાં લીગલ સેલના ચેરમેન તરીકે રાજકોટના આદિનાથ ડીસ્ટ્રીબ્યુટર્સના અનિમેષભાઇ દેસાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત લીગલ સેલના કો.ચેરમેન તરીકે સુહાસભાઇ પટેલ (ડીસા), બીપીનભાઇ ઓઝા (હિંમતનગર) તથા કે.ડી.અખાણી (અમદાવાદ)ની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
એફજીએસસીડીએના લીઝ સેલના ચેરમેન તરીકે નિયુકત થયા. અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્યું હતું કે ભારતમાં દવાના વેપારને લગતો કાયદો ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટ ૧૯૪૦ તથા રૂલ્સ ૧૯૪પ આઝાદી પહેલાનો છે અને હજુ સુધી અમલમાં છે. સમયને અનુરૂપ આ કાયદા તથા નિયમોમાં સુધારા થવા જરૂરી જણાય છે. તો તેના માટે કાયદાની મર્યાદામાં રહીને લીગલ એકશન માટે વિચારણા કરી સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવશે. આ કાયદો તથા નિયમોની અમુક જોગવાઇઓ હવે બીન જરૂરી જણાઇ રહી છે. તેનો વિસ્તૃત અને ઉંડાણપુર્વક અભ્યાસ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનિમેષભાઇ દેસાઇ હાલમાં સૌરાષ્ટ્રમાં કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશન, રાજકોટ ડીસ્ટ્રીકટ કેમીસ્ટસ કાઉન્સિલ અને કેમીસ્ટ એસોસીએશન રાજકોટમાં સેક્રેટરી તરીકે તથા ગુજરાત કેમીસ્ટસ ફેડરેશનમાં એડીશનલ સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી રહ્યા છે.
ગુજરાત કેમીસ્ટસ ફેડરેશનના પ્રમુખ શ્રી જશુભાઇ પટેલ, સેક્રેટરી શ્રી કિરીટભાઇ પલાણ, ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસના (વેસ્ટ ઝોન) વાઇસ પ્રેસીડેન્ટ મયુરસિંહ જાડેજા સહિતના મહાનુભાવો દ્વારા શ્રી અનિમેષ ભાઇ દેસાઇ (મો. ૯૪૨૬૯ ૨૮૩૪૫) ને શુભેચ્છા આપવામાં આવી રહી છે.
(2:32 PM IST)










