<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

પોતાને ભગવાન વિષ્‍ણુનો દસમો અવતાર ‘કલ્‍કી' ગણાવતાં રમેશભાઇ ફેફરનો ફાંસો ખાઇ આપઘાત

યુનિવર્સિટી રોડ બંસરી સોસાયટીમાં રહેતાં સિંચાઇ વિભાગના નિવૃત અધિકારીએ એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૨૩: શહેરના યુનિવર્સિટી રોડ પર શારદાનગર પાસે એચપીના પંપ પાછળ બંસરી સોસાયટીમાં રહેતાં સિંચાઇ વિભાગના નિવૃત એન્‍જીનીયર કે જેઓ પોતાને ભગવાન વિષ્‍ણુનો દસમો અવતાર એટલે કે કલકી અવતાર ગણાવતાં હતાં તે વૃધ્‍ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે અને વિસ્‍તારમાં ચકચાર મચી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ બંસરી સોસાયટીમાં રહેતાં રમેશચંદ્ર હરજીભાઇ ફેફર (ઉ.વ.૬૦)એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે. આઇ. ઝાલા સહિતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનારના પત્‍નિ અને પુત્ર લંડન રહે છે. પોતે અહિ એકલા રહેતાં હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. એકલવાયા જીવનથી કંટાળીને આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.

ઉલ્લેખનીય છે કે રમેશચંદ્ર ફેફર જળ સિંચાઇ વિભાગના નિવૃત ઇજનેર હતાં. તે પોતાને ભગવાન કલ્‍કીનો અવતાર ગણાવતાં હતાં અને અવાર-નવાર મિડીયા સમક્ષ નિવેદનો કરતા હતાં. તેના અનેક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં. વર્ષો પહેલા રમેશચંદ્ર ફેફર વિરૂધ્‍ધ ત્રાસની ફરિયાદ પણ થઇ હોવાનું કહેવાય છે. તેમણે પોતાના ઘરની બહાર પણ પોતે કલ્‍કી અવતાર છે તેવું બોર્ડ લગાવ્‍યું હતું! 

(3:48 PM IST)