<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

સિવિલ હોસ્‍પિટલના ટીબી વોર્ડના બાથરૂમમાં લટકી જઇ દર્દી કૈલાસભાઇ ચંડેલનો આપઘાત

મુળ એમપીના પ્રોઢ ટીબીની સારવાર માટે અઠવાડીયા પહેલા જ શાપર રહેતાં જમાઇને ત્‍યાં આવ્‍યા હતાં: ગઇકાલે બપોરે દાખલ થયા અને રાતે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૪: મુળ મધ્‍યપ્રદેશના વતની અને અઠવાડીયા પહેલા જ શાપર વેરાવળ ખાતે રહેતાં જમાઇના ઘરે ટીબીની સારવાર માટે આવેલા પ્રોૈઢને ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ટીબી વોર્ડમાં દાખલ કરાયા બાદ તેણે રાતે આ વોર્ડના બાથરૂમમાં જઇ ગમછા વળડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં એરરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ શાપર વેરાવળ શાંતિધામમાં હાલ જમાઇના ઘરે રહેતાં મધ્‍યપ્રદેશના કૈલાસભાઇ માંગીલાલ ચંડેલ (ઉ.વ.૫૬) નામના પ્રોૈઢને ગઇકાલે બપોરે એકાદ વાગ્‍યે ટીબીની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તેમને ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. દરમિયાન રાતે કૈલાસભાઇએ આ વોર્ડના બાથરૂમમાં જઇ ગમછા વડે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં ઇમર્જન્‍સી વોર્ડમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાયા હતાં.

કૈલાસભાઇ બાથરૂમમાં ગયા બાદ લાંબો સમય સુધી બહાર ન આવતાં પરિવારજન તપાસ કરવા જતાં તે લટકતાં મળતાં દેકારો મચાવી દીધો હતો. વોર્ડનો સ્‍ટાફ, સિક્‍યુરીટી ગાર્ડ સહિતના ભેગા થઇ જતાં તેમને બેભાન હાલતમાં નીચે ઉતારી ઇમર્જન્‍સી વોર્ડમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર બે બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. પાંચ છ મહિનાથી તેમને ટીબી થયું હોઇ સારવાર કરાવવા છતાં સારુ થતું નહોતું. જેથી વધુ સારવાર માટે રાજકોટ આવ્‍યા હતાં. અહિ પણ તેમને બિમારીમાંથી રાહત નહિ મળે તેમ લાગતાં કંટાળીને આ પગલુ ભર્યાનું સગાએ કહ્યું હતું. 

(11:38 AM IST)