<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

બેડીનાકાના બે મિત્રોને રામનાથપરા સ્‍મશાન પાસે આંતરી છરી બતાવી મોબાઇલ અને એક્‍ટીવાની લૂંટ

બંને મિત્રોને ઢીકાપાટુનો માર મારી રાડો પાડશો તો મારી નાંખશું કહી ધમકી આપી લૂંટ કરી ભાગી ગયા ઇમિટેશનનું કામ કરતો મારફતશેખ અને મિત્ર મિરાજુલ શેઠનું એક્‍ટીવા લઇ હાથીખાનામાં જમવાનું લેવા જતાં હતાં ત્‍યારે બનાવઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૪: શહેરના બેડીનાકામાં રહી ઇમિટેશનની મજૂરી કરતો યુવાન તેના મિત્રને શેઠના એક્‍ટીવામાં બેસાડી હાથીખાના તરફ જમવાનું લેવા જતો હતો ત્‍યારે કાળા એક્‍ટીવા પર આવેલા ત્રણ શખ્‍સો આ બંને મિત્રોને આંતરી માર મારી છરી બતાવી મોબાઇલ ફોન અને એક્‍ટીવા લૂંટી જતાં ચકચાર જાગી છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે બેડીનાકા ટાવર મરચા પીઠ દાવલશા પીરની દરગાહ પાસે રહેતાં મારફતશેખ રહશન શેખ (ઉ.વ.૨૦) નામના યુવાનની ફરિયાદ પરથી અજાણ્‍યા ત્રણ શખ્‍સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મારફતશેખ રહશન શેખે જણાવ્‍યું છે કે હું મારા શેઠ શેખ હાબીબભાઇની સાથે એકાદ વર્ષથી રહુ છું અને સંત કબીર રોડ પર આવેલી દૂકાનમાં ઇમિટેશનની મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. તા.૨૨ના રાતે અગીયારેક વાગ્‍યે હું મારા ઘરેથી મિત્ર મિરાજુલ રહેમાન શેખ સાથે મારા શેઠ શેખ હાબીબભાઇનું એક્‍ટીવા જીજે૦૩કેએસ-૩૦૪૩ લઇને હાથીખાનામાં જમવાનું લેવા જવા નીકળ્‍યો હતો.

આ વખતે અમે બંને મિત્રો કપીલા હનુમાનજી મેઇન રોડ પર બચુબાપા શેરડીવાળાની દુકાથી આગળ ગયા ત્‍યારે એકટ્‍ીવાને અન્‍ય એક કાળા રંગના એક્‍ટીવાના ચાલકે આંતરી ઉભુ રખાવ્‍યું હતું. આ એક્‍ટીવા પર ત્રણેક શખ્‍સો હતાં.  બાદમાં પાછળ બેઠેલા એક શખ્‍સે નીચે ઉતરી મારા એક્‍ટીવા પાછળ બેઠેલા મિત્ર મિરાજુલને  મારા એક્‍ટીવામાંથી નીચે પછાડી દીધો હતો અને મારકુટ કરવા માંડયો હતો. બીજા શખ્‍સે પણ નીચે ઉતરી મને પણ મારકુટ ચાલુ કરી હતી. ત્‍યારબાદ એક શખ્‍સ કે જેણે હાફપેન્‍ટ પહેર્યુ હતું તેણે નેફામાંથી છરી કાઢી હતી અને ધમકી આપેલ કે રાડો પાડતો નહિ નહિતર મારી નાખીશ તેમ કહી મારા એકટીવાની ચાવી પડાવી લીધી હતી.

આ પછી આ ત્રણેય શખ્‍સોએ મારો મોબાઇલ ફોન જે મારા મિત્રના હાથમા હતો તે પણ પડાવી લીધા હતાં અને બાદમાં અમને બૂમાબૂમ નહિ કરવાનું કહી ત્રણેય રૂા. પાંચ હજારનો મોબાઇલ અને મારા શેઠનું એક્‍ટીવા પચ્‍ચીસ હજારનું લૂંટીને ભાગી ગયા હતાં. અમે ઘરે જઇ શેઠને વાત કર્યા બાદ પોલીસને જાણ કરવાનું નક્કી કર્યુ હતું. એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં હેડકોન્‍સ. એન. બી. શિયાળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(4:08 PM IST)