તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
માધાપર પાસે મનહરપુરમાં ડમ્પર બેકાબુ બનતાં ત્રણ વિજથાંભલા અને ગરબીના મંડપનો કડૂસલો
વિજસપ્લાય બંધ હોઇ સદ્દનસિબે દૂર્ઘટના અટકીઃ લોકોના ટોળા ઉમટી પડયાઃ પોલીસે તપાસ આદરી

તસ્વીરમાં ડમ્પરની ઠોકરે તૂટી પડેલા વિજ થાંભલા અને ગરબીનો મંડપ તથા એકઠા થયેલા લોકો જોઇ શકાય છે (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૪: જામનગર રોડ પર માધાપર નજીક આવેલા મનહરપુર-૧ ગામમાં સવારના પ્હોરમાં એક ડમ્પર બેકાબુ બની ગયુ હતું. આ કારણે ત્રણ જેટલા વિજથાંભલા ઠોકરે આવી જતાં જમીનદોસ્ત થઇ ગયા હતાં અને વિજતાર પણ તૂટી ગયા હતાં. બાદમાં આ ડમ્બર ગરબીના મંડપ તરફ આવતાં લાકડાના ટેકા-સિરીઝથી બનાવેલો મંડપ પણ તૂટી પડયો હતો. ગામલોકોએ ડમ્પર ચાલકને પકડી લઇ ૧૧૨માં જાણ કરી હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ગામલોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ ડમ્પરનો ચાલક નશો કરીને નીકળ્યો હતો. જો કે તે મળી આવ્યો ન હોઇ ખરેખર શું બન્યું તે જાણી શકાયું નહોતું.
જાણવા મળ્યા મુજબ મનહરપુર ગામમાં સવારે એક ડમ્પરના ચાલકે કાબુ ગુમાવતાં અલગ અલગ ત્રણ વિજથાંભલા ઠોકરે ચડી જતાં થાંભલાઓ પડી જતાં વિજતાર જમીન પર આવી ગયા હતાં. જો કે આ વખતે વિજ ફોલ્ટનું કામ ચાલુ હોઇ જેના કારણે પાવર સપ્લાય બંધ હોઇ મોટી દુર્ઘટના અટકી હતી. ડમ્પરની ઠોકરે બાદમાં ગરબીનો મંડપ પણ આવી જતાં પડી ગયો હતો. આ મંડપ લાકડાના ટેકા અને ઇલેક્ટ્રીક સિરીઝથી બનાવવામાં આવ્યો હતો. આ બનાવને પગલે ગામલોકો ભેગા થઇ ગયા હતાં અને ડમ્પરના ચાલકને પકડી લીધો હતો. કોઇએ જાણ કરતાં ૧૧૨ની ગાડી પણ પહોંચી હતી. જો કે બનાવ મામલે કોઇ ફરિયાદ નોંધાવવા તૈયાર ન થતાં આ ટીમ જતી રહી હતી. ડમ્પરનો ચાલક ગામમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ ડમ્પર પેટા કોન્ટ્રાક્ટમાં ચાલતુ હોવાનું અને વિજતાર ડમ્પરમાં ફસાતાં ખેંચાણ થવાને કારણે થાંભલા તૂટી ગયાનું જાણવા મળ્યું હતું. આ બનાવને પગલે ગામલોકોમાં દેકારો મચી ગયો હતો. જો કે વિજ ફોલ્ટનું કામ ચાલુ હોઇ વિજપ્રવાહ બંધ હોઇ તેના કારણે જાનહાની અટકી હતી. ૧૧૨માં ફોન કરતાં ટીમ આવી હતી. પણ તેના સ્ટાફે ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું અને ટીમ જતી રહી હોવાનું ગામલોકોએ કહ્યું હતું. ડમ્પરના માલિક પણ ઘટનાને પગલે આવી ગયા હતાં. તેણે એવો બચાવ કર્યો હતો કે વિજ લાઇનના તાર ખુબ નીચા હોઇ ડમ્પરમાં ફસાઇ જવાથી આ ઘટના બની હતી. ડ્રાઇવર ભેગો થયો નથી, તે ડમ્પર સર્વિસ કરાવવા જવા માટે નીકળ્યો હતો.
(2:32 PM IST)










