તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
રાજકોટની યુવતિની ધોરાજીના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે સગાઇ તોડાવી નાંખીઃ માથે જતાં ખૂનની ધમકી
યુવતિનો સંપર્ક સાતેક મહિના પહેલા ગોૈરવ રીજવાણી સાથે થયો હતોઃ તેણે લગ્નનું કહ્યું પણ યુવતિએ માતા-પિતા વિરૂધ્ધ ન કરી શકે તેમ કહી બીજે સગાઇ કરી લેતાં ગોૈરવે બંનેને ફોટા તેણીના મંગેતરને મોકલી દીધાઃ અલગ અલગ નંબર પરથી ફોન કરી સતત ધમકીઓઃ અંતે યુવતિએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતાં તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૨૪: શહેરમાં રહેતી વધુ એક યુવતિની ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનેલા શખ્સને કારણે હેરાન પરેશાન થવું પડયું છે. આ યુવતિની બીજા યુવાન સાથે સગાઇ થઇ જતાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ એવા ધોરાજીના શખ્સે વાંધો ઉઠાવી આ યુવતિના મંગેતરને પોતાના અને યુવતિના ફોટા મોકલી દેતાં યુવતિની સગાઇ તૂટી ગઇ હતી. હજુ પણ આ શખ્સ અલગ અલગ નંબરમાથી ફોન કરી તું બીજે ક્યાંય સગાઇ કરીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપતો હોઇ પોલીસને જાણ કરવામાં આવી છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે જામનગર રોડ વિસ્તારમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી ૨૭ વર્ષની યુવતિની ફરિયાદ પરથી ધોરાજીના ગોૈરવ રાજેશભાઇ રજીવાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું સાતેક મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન વાપરતી હતી. ત્યારે ધોરાજીના ગોૈરવ રીજવાણી સાથે સંપર્કમાં આવતાં અમારી વચ્ચે મિત્રતા થઇ હતી. બાદમાં અમે અવાર-નવાર મળતાં હતાં. આ પછી ગોૈરવે મને લગ્નની વાત કરી હતી. જેથી મેં કહેલુ કે આપણા પરિવારની સહમતી હોય તો સારું હું મારા પિતાની મરજી વિરૂધ્ધ લગ્ન કરીશ નહિ. બાદ આ ગોૈરવને ખરાબ આદતો હોઇ જેની મને જાણ થતાં મેં તેની સાથે વાત કરવાનું ઓછુ કરી દીધુ હતું.
પરંતુ ગોૈરવ મને વાત કરવા સતત પ્રેશર કરતો હતો જેથી મેં તેના નંબર બ્લોકમાં મુકી દીધા હતાં. આથી તેણે બીજા સોશિયલ મિડીયા થકી મારો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. આથી મેં તેને બધી આવી સોશિયલ મિડીયા એપમાં બ્લોક કરી દીધો હતો. દરમિયાન હવે બે મહિના પહેલા મારી સગાઇ મારા માતા-પિતાની મરજીથી થઇ જતાં તેની જાણ આ ગોૈરવને થઇ જતાં તેણે મને ફરીથી અજાણયા નંબરમાંથી ફોન કરી કહેલું કે-મને પુછ્યા વગર કેમ સગાઇ કરી લીધી? હું તારી સગાઇ ક્યાંય થવા નહિ દઉ. આ પછી થોડા દિવસ બાદ ગોરવે મારી સગાઇ જ્યાં થઇ હતી એ મારા મંગેતરનો સંપર્ક કરી તેને અમારા બંનેના ફોટા મોકલી દીધા હતાં અને કહેલું કે મારે અને તારી ફીયાન્સીને સંબંધ હતા અને અમારે લગ્ન પણ કરવાના છે.
આ વાતની જાણ મારા મંગેતરે મને કરતાં મેં ગોૈરવને ફોન કરી કહેલુ કે તુ મને હેરાન ન કર. આથી તેણે ધમકી આપી હતી કે તારી સગાઇ બીજે થવા જ નહિ દઉ અને જો સગાઇ કરીશ તો તને જાનથી મારી નાંખીશ. આ પછી આ ગોૈરવને કારણે મારી સગાઇ તૂટી ગઇ હતી. હજુ પણ તે મને સતત અલગ અલગ નંબરમાંથી ફોન કરી હેરાન પરેશાન કરી ધમકી આપતો હોઇ અંતે મારી ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીઆઇ વી. આર. વસાવાની એએસઆઇ કે. કે. ઝાલાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(4:09 PM IST)










