તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 24th September 2025
ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને બચાવવા ખાસ પેકેજ જાહેર કરો : યશવંત જનાણી
કલેરીકલ કામો માટે પણ અલાયદી વ્યવસ્થાની માંગ

રાજકોટ તા. ૨૪ : સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના સ્થાપક ટ્રસ્ટી અને માનદ ચેરમેન યશવંત જનાણીએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને અનુરોધ કરી રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓને બચાવવા સરકાર દ્વારા ખાસ પેકેજ આપવા માંગણી કરી છે.
સરકારે નિયત કરેલ સરાસરી હાજરી જળવાતી ન હોય કાં તો શાળા બંધ કરવી પડે અથવા વર્ગ ઘટાડો કરવો પડે તેવી દશા હાલ સર્જાઇ છે. ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓની હાલત ખરાબ છે. ત્યારે આ શાળાઓ ચાલુ રહે તે માટે ખાસ પેકજ બહાર પાડવુ જોઇએ.
હાલ નવી ખાનગી (સેલ્ફ ફાઇનાન્સ) શાળાઓને માન્યતા આપવાનું બંધ કરવું જોઇએ. ડી.ઇ.ઓ. કચેરી દ્વારા થતા અનૈતિક વ્યવહારોના કારણે શેરીએ શેરીએ શાળાઓ ખુલી જવાથી આ સમસ્યા વકરી છે. ઉપરાંત વર્તમાન સંજોગોમાં કલાર્ક ન હોવાથી આચાર્ય કે શિક્ષકો પાસેથી વહીવટી કામો લેવામાં આવે છે તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને પણ માઠી અસર પડે છે. શાળાના કલેરીકલ કામો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. તેમ અંતમાં સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના ચેરમેન યશવંત જનાણીએ જણાવ્યુ છે.
(3:28 PM IST)










