<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

બાલભવનમાં રવિવારથી દૂર્ગા મહોત્‍સવ

બંગાળી એસોસીએશન દ્વારા આયોજન : દૂર્ગા માતાની વિશાળ મુર્તિ બનાવવા તડામાર તૈયારી : કલકતાના કારીગરો કામે લગાડયા : દરરોજ સાંજે પૂજન અર્ચન અને સાંસ્‍કૃતિ કાર્યક્રમો થશે : ર ઓકટોબરના મૂર્તિ વિસર્જન સાથે સમાપન

રાજકોટ તા. ૨૪ : બંગાળી એસોસીએશન રાજકોટના પરિવારો દ્વારા આગામી તા. ૨૮ થી તા.ર સુધી બાલભવન, ઓપન એર થીએટર, રેસકોર્ષ ખાતે ૫૩માં દુર્ગા મહોત્‍સવનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બંગાળી એસો.ના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ વખતે હાથીની અંબાડી પર સવાર થઇને માં દુર્ગા પધારી રહ્યા છે. દેવી પુજાના સાત પ્રકારના ખાસ કલ્‍પ હોય છે. તે પૈકી પહેલા કલ્‍પમાં  તા. ૨૮ ના બોધન પુજા આમંત્રણ આગમની હોય છે. આદ્રા નક્ષત્રમાં આ બોધન એટલે ઉદ્દબોધન- દેવી દુર્ગાના આગમનની તૈયારી રૂપે પુજા અર્ચના કરવામાં આવે છે.

આ ઉત્‍સવ દરમિયાન દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના, અંજલી અને સંધ્‍યા આરતી થશે. બંગાળી સંસ્‍કૃતિનો માહોલ છવાશે.

દરમિયાન આ મહોત્‍સવ નિમિતે શ્રીરામકૃષ્‍ણ આશ્રમ રાજકોટના અધ્‍યક્ષ સ્‍વામી પૂ. શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજનું પ્રવચન તા. ૨૮ ના રવિવારે રાત્રે ૮ વાગ્‍યે યોજવામાં આવ્‍યુ છે. મહોત્‍સવના પ્રારંભ શ્રી માં દુર્ગાની સ્‍તુતિ કરાશે. સર્વે ધર્મપ્રેમીજનોએ પધારવા જાહેર નિમંત્રણ છે.

માં દુર્ગાની અજોડ પ્રતિમા (મૂર્તિ) તૈયાર કરવા ખાસ કોલકતાથી કારીગરો તેડાવવામાં આવ્‍યા છે. છેલલા ૧૫ દિવસથી તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે. તા. ૨૯ થી તા. ૧ સુધી દરરોજ સાંજે વિવિધ સાંસ્‍કૃતિ કર્યાક્રમો અને રમત ગમત તથા ચિત્ર સ્‍પર્ધા જેવા આયોજનો કરાયા છે.

તા. ૨ ઓકટોબરના ગુરૂવારે દશેરા નિમિતે શ્રી માં દુર્ગાની મુર્તિનું સાંજે ૪ વાગ્‍યે વિસર્જન કરી મહોત્‍સવને સંપન્ન જાહેર કરવામાં આવશે.

સમગ્ર દુર્ગા મહોત્‍સવને સફળ બનાવવા બંગાળી એસોસીએશન રાજકોટના પ્રમુખ દીલીપ સરકાર, ઉપપ્રમુખ અતનુ દત્તા, ઉપપ્રમુખ આદિત્‍ય ગોસ્‍વામી, ઉપપ્રમુખ સમિર કે. પાલ, સેક્રેટરી ડો. દીલીપ ઘોષ, જોઇન્‍ટ સેક્રેટરી દિપક દાસ, ટ્રેઝરર ઉજજવલ સેન તેમજ અશીમ ચેટર્જી, નિર્મલ સાહા, બિપ્‍બલ દત્તા, પુર્જા કાર્યકારી સમિતિના સદસ્‍યો અભિજીત ઘટક, ડો. જયંત ભટ્ટાચાર્ય, જયંત મંડલ, આશિષ ખા વગેરે તેમજ મહિલા સભ્‍યોમાં શ્રીમતી સ્‍વપ્‍ના શાહ, અલ્‍પના દત્તા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે દુર્ગા મહોત્‍સવની વિગતો વર્ણવતા બંગાળી એસો.રાજકોટના હોદેદારો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:35 PM IST)