News of Thursday, 25th September 2025
જંગલેશ્વરના મામા-ફઇના ભાઇઓના રૈયાના તળાવમાં ન્હાવા પડતાં ડુબી જવાથી મોત
૧૩ વર્ષનો મહમદમુસ્તાક અને ૧૫ વર્ષનો અલ્તાફ રૈયામાં નાનીમાના ઘરે ગયા હતાં: ત્યાંથી ન્હાવા ગયા અને કાળનો કોળીયો બની ગયા : એક ડુબતાં બીજો બચાવવા જતાં બંને પાણીમાં ગરક થઇ ગયાઃ સાથેના અન્ય બે છોકરાઓએ ઘરે જઇ જાણ કરીઃ બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા પણ બંનેએ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૫: જંગલેશ્વરમાં રહેતાં સગીરવયના મામા-ફઇના બે ભાઇઓના રૈયા ગામ પાસે આવેલા તળાવમાં ન્હાવા જતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. કુલ ચાર જણા ન્હાવા ગયા હતાં. જેમાં બે ડુબી જતાં બાકીના બે ડરીને ઘરે ગયા હતાં અને ઘટનાની જાણ કરી હતી. બંનેને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલમાં, ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં અને ફરી સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ શહેરના જંગલેશ્વર-૨૪માં રહેતાં મહમદમુસ્તાક તાજમહમદ સૈયદ (ઉ.વ.૧૩) અને અલ્તાફ દોસ્તમહમદ રાજા (ઉ.વ.૧૫) કે જે મામા-ફઇના ભાઇઓ થતાં હોઇ ગઇકાલે બુધવારે રૈયામાં રહેતાં નાનીના ઘરે આટો મારવા ગયા હતાં. ત્યાંથી બેીજા બે ે મિત્રો અબ્દુલ રજાકભાઇ (ઉ.વ.૧૪) અને અબ્દુલ જહાનભાઇ (ઉ.વ.૧૮) મળી એમ ચારેય રૈયાના તળાવે ગયા હતાં. ત્યાં ચારેય ન્હાતા હતાં ત્યારે મહમદમુસ્તાક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેને બચાવવા જતા અલ્તાફ પણ ડૂબી ગયો હતો. આથી બાકીના બે ગભરાઇ ગયા હતાં અને ઘરે જઇ ઘટનાની જાણ કરી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે પહોંચી બંનેને બેભાન હાલતમાં બહાર કાઢયા હતાં. સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગીમાં લઇ જવાયા બાદ ફરી સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મહમદ મુસ્તાક ધો.૭માં અને અલ્તાફ ધો.૯માં અભ્યાસ કરતો હતો. સાથે સાથે મદ્રેસામાં પણ ભણતા હતાં. મહમદમુસ્તાક ત્રણ ભાઇમાં મોટો હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. જ્યારે અલ્તાફ એક બહેનથી મોટો હતો. તેના પિતા મુંબઇ કામ કરે છે. બનાવથી પરિવારોમાં માતમ છવાઇ ગયો હતો.
(1:58 PM IST)










