તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
રાજકોટ સહિત રાજયભરમાં ૪ કલાક પૂરવઠાનું સર્વર ડાઉન કાર્ડ ધારકો-દુકાનદારો વચ્ચે માથાકૂટઃ લાંબી લાઇનો લાગી ગઇ!!
નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે... દિવાળીના તહેવારો સાથે છે ત્યાં ર દિવસથી ફરી ધાંધીયા શરૂ : પૂરવઠાની ઝોનલ કચેરીઓ ઉપર કાર્ડ ધારકો કલાકો હેરાન : કોર્પોરેટર-ધારાસભ્યો તથા સાંસદો હવે તો કાંઇક કરો !!

રાજકોટ, તા. રપઃ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, અને દિવાળીના તહેવારો માથે છે ત્યારે રાશનકાર્ડ ધારકોને રાશન લેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આજે સવારે ૮ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી પુરવઠા વિભાગનું સર્વર ડાઉન રહેતા રાશનની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. સર્વર ચાલુ ન થતાં રાશન લેવા આવેલા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. રાજકોટ સહિત રાજયભરમાં પુરવઠાનું સર્વર કાઉન થઇ ગયું હતું, ઝોનલ કચેરીઓ ઉપર કાર્ડ ધારકોને ભારે ધક્કા થયા હતા.
સામાન્ય રીતે દિવાળીના તહેવાર નિમિત્તે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને તેલ અને ખાંડનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક તરફ, સર્વર ડાઉન થવાથી રાશન વિતરણ અટકી ગયું છે અને બીજી તરફ, તહેવારો નજીક હોવા છતાં તેલ અને ખાંડ મળવાની કોઈ જાહેરાત ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દુકાનદારોનું કહેવું છે કે, સર્વર ડાઉન હોવાને કારણે તેઓ રાશન આપી શકતા નથી. વહેલી સવારથી રાશન લેવા આવેલા ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. આ પરિસ્થિતિને કારણે અનેક દુકાનો પર લોકોની ભીડ જામી હતી અને વાતાવરણ તંગ બન્યું હતું.
દરમ્યાન ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસો.ના શ્રી હીતુભા જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યુ છે કે, છેલ્લા બે દિવસથી પુરવઠા સર્વર ના ધાંધિયા ફરી શરૂ થયા છે એક બાજુ ડી.એસ.ડી ફ્રેલી વહીવટી તંત્ર અને રાજ્યનું નિગમ માંડ કરીને જથ્થો દુકાને પહોંચાડે છે અને વિતરણ ચાલુ થાય છે ત્યારે દર મહિને પુરવઠા વિભાગ નું સર્વર ખોટકાઈ જાય છે આવી પરિસ્થિતિ દર મહિનાની હોય છે ગ્રાહકો સર્વરના ધાંધિયાને કારણે દુકાને ટળવળતા હોય છે દુકાનદારો મોઢું વકાસીને બેસે ગ્રાહકોના આડાઅવળા સવાલોના જવાબો આપે માથું કુટે પબ્લિક સરકારના શાબ્દિક છાજીયા લ્યે રાજ્યની સંવેદનશીલ સરકારની અસંવેદના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાચાર બનાવે છે વાજબી ભાવના દુકાનદારો ની સ્થિતિ સુડી વચ્ચેની સોપારી જેવી થાય છે
એક તો નજીવા કમિશનથી કામ કરતા હોય છે અને કમિશન પણ સમયસર ચૂકવાતું નથી અને જે કમિશન ચૂકવાઇ છે તે કટકે કટકે ચુકવાઇ છે આમ સરકાર તરફથી પણ ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોનું ભયંકર આર્થિક શોષણ થઈ રહ્યું છે ત્યારે સર્વરમાં થતી વારંવાર ટેકનિકલ ખામીઓને લીધે દુકાનદારોએ માનસિક યાતનાઓ પણ ભોગવવવી પડે છે લાખો રૂપિયાનો પગાર પાડતા અને એ.સી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ તથા પ્રજા કલ્યાણ માટે ચુંટાયેલા જન પ્રતિનિધિઓને પણ પ્રજાની હાલાકી માટે પેટનું પાણી નથી હલતું
રાજકોટ મહાનગર પાલીકાના અઢાર વોર્ડના બોંતેર નગર સેવકો ચાર ધારાસભ્યો અને બે સાંસદ સભ્યો મળીને કુલ ૭૮ જન પ્રતિનિધિઓએ પ્રજાની આ કાયમી પીડાનું સમાધાન થાય એ માટે પોતાની જવાબદારી સમજી અને આગળ આવવું જોઈએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ લોકોને આપવામાં આવતુ મફત અનાજ મેળવવા માટે જરુરીયાતમંદ લોકોને દર મહીને ટળવળવું ન પડે એ માટે સરકાર માં યોગ્ય કક્ષાએ સચોટ રજૂઆત કરવી જોઈએ જેથી પ્રજાને પડતી રોજબરોજની મુશ્કેલીઓનો અંત આવે પોતાની રોજગારી ધંધા છોડીને સસ્તા અનાજની દુકાનોના ધક્કા બંધ થાય અને લોકોને પારાવાર માનસિક યાતનાઓ માંથી છુટકારો મળે.(૯.ર૪)
(2:26 PM IST)










