તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
જન્મ-મરણના દાખલામાં ફરી અંધાધુંધીઃ ફરી જૂનુ પોર્ટલ કાર્યરત
બબ્બે દિવસ ત્રણેય પર કામ થશેઃ રાજય સરકાર કેન્દ્રના પોર્ટલ પર ડેટા ટ્રાન્સફર ન શકે : ફરી અરજદારોની કતારો

રાજકોટ તા.૨૫: મનપાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા ૧૫ દિવસથી અંધાધુંધી સર્જાઇ છે કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ માટે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે. રાજ્ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૫ પછીના તથા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૦ પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી છે. જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યા છે.
જન્મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી. ત્યારે કેન્દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. તા.૧ સપ્ટેમ્બર ૨૦૨૫થી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ ૨૦૨૦ પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં ૧૫ દિવસથી જન્મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો. આથી સરકારે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને રાજ્ય સરકારે શરૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂ કરવાની સૂચના આપી હતી. જેના લીધે મહાનગરપાલિકાએ હવે ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે.
(3:47 PM IST)










