તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ દ્વારા દશેરાએ ધમાકેદાર નવરાત્રી મહોત્સવનું આયોજન
મુંબઈના સુપ્રસિદ્ધ બામ્બુ બીટ્સ ઓરકેસ્ટ્રાના સથવારે શાષાી મેદાનમાં ખેલૈયાઓ મચાવશે ધૂમઃ ૨૫૨ લાખેણા ઇનામોની વણઝાર સાથે દાતાઓનું કરાશે વિશિષ્ટ સન્માનઃ નરેન્દ્રભાઈ સોલંકી : સમાજના દાતાઓ ઓળઘોળઃ તેમનું પણ સમાજ દ્વારા વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવશેઃ સમગ્ર જ્ઞાતિજનોમાં માં ભગવતીની આરાધના કરવા માટે અનેરો થનગનાટઃ પાસ વિતરણની વ્યવસ્થા જ્ઞાતિના કાર્યાલયથી સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને સાંજે ૫ થી ૭ વચ્ચે વ્યવસ્થા શરૂ કરવામાં આવી

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માં ભગવતીની આરાધનાના પાવન પર્વ નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં સંગઠન અને એકતા વધે તેવા ઉમદા હેતુથી આયોજિત આ કાર્યક્રમ અંગે પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી (મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ)એ વિગતો આપી હતી.
આ ધમાકેદાર નવરાત્રી મહોત્સવ તારીખ ૨ ઓક્ટોબર, ૨૦૨૫ ને ગુરૂવાર (દશેરા) ના રોજ રાજકોટના શાષી મેદાન ખાતે સાંજે ૬:૩૦ થી રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી યોજાશે. આ મહોત્સવમાં ખેલૈયાઓને ઝુમાવવા માટે મુંબઈના પ્રખ્યાત બામ્બુ બીટ્સ ઓરકેસ્ટ્રાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વી.વી.આઈ.પી., વી.આઈ.પી., રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
આયોજકોએ જણાવ્યું હતું કે, સમગ્ર જ્ઞાતિજનોમાં માં ભગવતીની આરાધના કરવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ પારિવારિક કાર્યક્રમમાં સમાજની દીકરીઓ અને બહેનો સંપૂર્ણ સુરક્ષિત માહોલમાં રાસ ગરબાનો આનંદ માણી શકે તે માટે ચુસ્ત સિક્યુરિટી સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નિષ્પક્ષ નિર્ણાયકો દ્વારા પ્રિન્સ અને પ્રિન્સેસની પસંદગી કરવામાં આવશે.
આ વર્ષે સમાજના દાતાશ્રીઓનું હજારો જ્ઞાતિજનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાફા બંધાવીને વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. સાથે જ દાતાશ્રીઓ સાથે આવેલ બહેનોનું પણ વિશેષ સન્માન કરાશે.
સમાજની એકતા પર ભાર મૂકતા આયોજકોએ સ્પષ્ટ કર્યું હતું કે, જ્ઞાતિના કોઈપણ કાર્યક્રમમાં કાઠિયાવાડ, સોરઠ કે હાલાર જેવા કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી અને સમગ્ર કડીયા સમાજ એક અને સંગઠિત છે.
આ ભવ્ય આયોજન શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટના નેજા હેઠળ શ્રી શ્યામ વાડી ટ્રસ્ટ, વિદ્યાર્થી મંડળ સમિતિ, વિદ્યાર્થી બોર્ડિંગ સમિતિ, સમૂહ લગ્ન સમિતિ, પ્રગતિ મંડળ તેમજ રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિ સહિત જ્ઞાતિના તમામ મંડળોના સહયોગથી કરવામાં આવ્યું છે.
(3:41 PM IST)










