News of Thursday, 25th September 2025
રૈયા રોડના શીવ ફેશનવાળા પિયુષ સાવલીયાને પુર્વ પત્નિ ચાંદનીની ચઢામણીથી તેના પરિચીત દિવ્યેશની સતત ધમકીઓ
પત્નિ ચાંદની ઘરમાં પતિ અને સાસુને હેરાન કરતી હોઇ તેમજ અન્યુ પુરૂષ સાથે સંબંધ હોઇ પતિએ છુટાછેડા આપી દીધા હતાં: બે બાળકોની કસ્ટડી કોર્ટએ પતિને સોંપી હતી : ફોન કરી દિવ્યેશ લોકેશન માંગે છે, ઘરે આવી વેપારીના વૃધ્ધ માતાને પણ ધમકાવે છેઃ બાળકો જ્યાં ટયુશનમાં જાય છે ત્યાં શિક્ષીકાને પણ બાળકો અને તેના પિતા વિશે પુછે છેઃ ગાંધીગ્રામ પોલીસે ચાંદની ગોંડલીયા, દિવ્યેશ સાવલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: શહેરના રૈયા રોડ પર કપડાની દૂકાન ચલાવતાં અને વૈશાલીનગરમાં રહેતાં વેપારી યુવાનને પુર્વ પત્નિના કહેવાથી, ચઢામણીથી એક શખ્સ વારંવાર ફોન કરીને, બીજાના નંબરોમાંથી ફોન કરી ધમકાવી ગાળો દેતો હોઇ તેમજ ઘરમાં ગેરકાયદેસર રીતે ઘુસી આ વેપારીના માતાને પણ મારી નાખવાની ધમકી આપતો હોઇ તેમજ વેપારીના બે બાળકો ટયુશનમાં જાય છે ત્યાં જઇને પણ વેપારીના બાળકો વિશે તથા તેને તેના પિતા તેડવા મુકવા ક્યારે આવે છે? તે સહિતની પૃછા કરતો હોઇ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં વેપારીના પુર્વ પત્નિ અને તેના વતી ધમકીઓ આપનારા સામે ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવમાં રૈયા રોડ વૈશાલીનગર-૨ આસ્થા એપાર્ટમેન્ટમાં રહેતાં પિયુષભાઇ પ્રેમજીભાઇ લીંબાસીયા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી દિવ્યેશ ધીરૂભાઇ સાવલીયા અને ચાંદની બાબુભાઇ ગોંડલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. પિયુષભાઇ લીંબાસીયા રૈયા રોડ પર શીવ ફેશન નામે કપડાની દૂકાન ચલાવે છે. તેણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૬માં મારો પરિચય ચાંદની સાથે થયા બાદ અમે બંનેએ લગ્ન કર્યા હતાં. લગ્ન જીવનમાં અમારે બે દિકરા થયા હતાં. જેમાં મોટો રિહાન ૮ વર્ષનો અને નાનો શક્તિ ૭ વર્ષનો છે. લગ્ન બાદથી ચાંદનીએ મને તેમજ મારા ઘરના સભ્યોને ત્રાસ આપવાનું ચાલુ કર્યુ હતું. સમય જતાં ચાંદનીમાં સુધારો આવી જશે તેવું મને હતું જેથી મેં કોઇને ફરિયાદ કરી નહોતી. આમ છતાં મારી પત્નિ ચાંદની ઘરમાં મને તથા મારા મમ્મીને અવાર-નવાર માનસિક ત્રાસ આપતી હતી અને ઘરમાં વ્યવસ્થીત રહેતી નહોતી.
અન્ય પુરૂષ સાથે સંબંધ રાખતી હોવાથી મેં વર્ષ ૨૦૨૪માં ચાંદની સાથે છુટાછેડા લીધા હતાં. કોર્ટ દ્વારા બંને બાળકોની કસ્ટડી મને સોંપવામાં આવી હતી. ત્યારથી હું મારા માતા અને બાળકો સાથે રહુ છું. છેલ્લા બે મહિનાથી ચાંદની બાબુભાઇ ગોંડલીયાના કહેવાથી ચઢામણીથી દિવ્યેશ સાવલીયા તેના ફોન પરથી મને ફોન કરી હેરાન કરે છે. સોૈ પહેલા ૩૧/૭/૨૫ના રોજ મને ફોન કરેલો, બાદ અવાર-નવાર ફોન કરી ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું. તેમજ મને મારી નાખવાની ધમકી પણ તે આપે છે. દિવ્યેશ ફોન કરીને કહે છે-તું ક્યાં છો? મારે તને રૂબરૂ મળવું છે, તારુ લોકેશન આપ.
દર પૂનમે હું માટેલ ખોડીયાર મંદિરે દર્શન કરવા જાવ છું. દરમિયાન માટેલ મંદિરે હું હતો ત્યાં પણ દિવ્યેશ ધીરૂભાઇ સાવલીયા અને ચાંદની બાબુભાઇ ગોંડલીયા ત્યાં આવ્યા હતાં. તેમજ ૧/૯/૨૫ના રોજ ચાંદનીએ અમારી બાજુમાં રહેતાં અંકિતાબેનને ફોન કરી મારા વિશે તથા મારા બાળકો વિશે પુછતાછ કરી હતી. આ અંગે અંકિતાબેને મને વાત કરતાં હું તુરત ટયુશનમાં મારા બાળકો હોઇ તેને તેડવા ગયો હતો. તયાં મને ટયુશનના મેડમ સ્વાતીબેને પણ વાત કરી હતી કે એક ભાઇ આવ્યા હતાં અને મને પુછતાં હતાં કે-પિયુષભાઇના દિકરા અહિ ટયુશનમાં આવે છે? જેથી મેં હા પાડી હતી. તેમજ પિયુષભાઇ બાળકોને કેટલા વાગે તેડવા આવે છે? તેવી પૃછા પણ એ ભાઇએ કહી હોવાનું સ્વાતીબેને મને કહ્યું હતું. તેણીએ એ શખ્સનું નામ પુછતાં તેણે પોતે દિવ્યેશ સાવલીયા કહ્યું હતું.
વધુમાં પિયુષભાઇએ જણાવ્યું છે કે દિવ્યેશ ચારેક વખત મારા ઘરે આવ્યો હતો અને મારા માતા જયાબેન હાજર હતાં ત્યારે તેમને ધમકાવેલ કે ડોસી તને તો જીવતી નથી રહેવા દેવાની. આમ દિવ્યેશે ચાંદની ગોડલીયાના કહેવાથી, ચઢામણીથી મને ફોન કરીને, બીજા લોકોના ફોનમાંથી ફોન કરીને ધમકાવી ગાળો દઇ તેમજ મારા ઘરમાં ઘુસી મારા માતાને પણ ધમકી આપી હોઇ અને મારા બાળકોના ટયુશનના સ્થળે જઇ તેમજ પડોશીને પણ મારા વિશે, બાળકો વિશે પૃછા કરી હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી. પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)
(6:14 PM IST)










