News of Friday, 26th September 2025
વૈદવાડી ગોડાઉનમાંથી રૂ.૩.૫૫ લાખના લોખંડના સામાનની ચોરીમાં ફરાર વધુ એક શખ્સ પકડાયો
માલવીયાનગર પોલીસના હેડ કોન્સ અજયભાઇ વિકમા, ચીત્રકેતુસિંહ ઝાલા અને કોન્સ ભાવેશભાઇ ગઢવીની બાતમીઃ સની ઉર્ફે પીશુને ગોંડલ રોડ ચોકડી પાસેથી દબોચ્યો

રાજકોટ, તા.૨૬: વૈદવાડીમાં આવેલા ગોડાઉનમાં થયેલી રૂ.૩.૫૫ લાખના લોખંડના સામાનની ચોરીમાં નાસતા ફરતા શખ્સને માલવીયાનગર પોલીસે બાતમીના આધારે ગોંડલ રોડ ચોકડી પાસેથી પકડી લીધો હતો. મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝાની સુચનાથી માલવીયાનગર પોલીસના પી.આઇ. જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. ધાધલ સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે ઘરફોડ ચોરીમાં નાસતો ફરતો આરોપી રાજકોટમાં આવ્યો હોવાની હેડ કોન્સ. અજભાઇ વીકમા, ચીત્રકેતુસિંહ ઝાલા અને કોન્સ. ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા ગોંડલ રોડ ચોકડી પાસેથી સની ઉર્ફે પીશુ જગુભાઇ ચોરોલીયા (ઉ.૨૩) (રહે.લોહાનગર મફતીયાપરામાં) ને પકડી લીભો હતો. પોલીસની પુછપરછમાં સની ગત તા.૧૯/૭ના રોજ વૈદવાડી શેરી નં.૧માં રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બીલ્ડીંગમાં શેડ નં.૩માં સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ ગોડાઉનમાંથી રૂ.૩.૫૫ લાખની કિંમતના લોખંડના સામાનની ચોરી કરી હતી, આ ચોરીમાં અગાઉ માલવીયાનગર પોલીસે કુલદીપ ઉર્ફે રોહન સુનીલભાઇ સોલંકી અને એક સગીરને પકડી લીધા હતા જયારે ચોરીમાં સામેલ સની ઉર્ફે પીશુ ચારોલીયા ફરાર થઇ ગયો હતો.
સની અગાઉ મારામારી, ચોરી અને જાહેરનામા ભંગ સહિત ત્રણ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યુ છે. આ કામગીરી પીએસઆઇ એમ.જે.ધાધલ, એ.એસ.આઇ. હીરેનભાઇ પરમાર, કેતનભાઇ શેખલીયા, હેડ.કોન્સ. અજયભાઇ વિકમા, ચીત્રકેતુસિંહ ઝાલા, કોન્સ. મનીષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદીપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(2:34 PM IST)










