News of Friday, 26th September 2025
ખોડલધામ નવરાત્રિ મહોત્સવના ચારેય ઝોનમાં ખેલૈયાઓનો થનગનાટ
રાજકોટ રેન્જ આઈજીશ્રી, પોલીસ કમિશનરશ્રી સહિતના મહેમાનોએ ગરબા નિહાળ્યા

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં ૩૦થી વધુ જગ્યાએ જાજરમાન શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ચોથા નોરતે રાજકોટ શહેરના ચારેય ઝોનમાં આયોજિત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓએ ગરબે રમીને મા ખોડલની આરાધના કરી હતી. નોર્થ ઝોન, વેસ્ટ ઝોન, સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોનમાં ગ્રાઉન્ડ હાઉસફૂલ થઈ ગયા હતા. શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોનમાં તિરંગા થીમ પર ખેલૈયાઓએ ગરબે રમીને મા ખોડલની ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરી હતી. ખેલૈયાઓ હાથમાં તિરંગો લઈને ગરબે રમ્યા હતા. તો શ્રી ખોડલધામ નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં પણ ખમકારી ખોડલ ખમ્મા કેજે... ઠાકર ઠાકર મારો સહિતના ગીતો પર ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા. શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોનમાં રાજકોટ રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનમાં રાજકોટ પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા હાજરી આપી હતી. આ ઉપરાંત વિવિધ રાજકીય-સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.
(3:07 PM IST)










