તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
માધાપર ચોકડીએ ગઠીયાએ ૧૦૦ રૂપિયાની પાણીપુરી ખાધી પછી પુરીવાળાનો મોબાઇલ લઇ ભાગી ગયો
ભોમેશ્વરમાં રહેતાં રાજસ્થાની યુવાનની ફરિયાદઃ ઓનલાઇન સો રૂપિયા ચુકવી પછી વાત કરવા ફોન માંગ્યોઃ પુરીવાળો લારી બંધ કરતો હતો ત્યારે છનનન થઇ ગયો

રાજકોટ તા.૨૭: અમુક ગઠીયાઓ નાના મજુર લોકોને પણ છોડતા નથી. આવો જ એક બનાવ બન્યો છે જેમાં માધાપર ચોકડીએ પાણીપુરીની લારીવાળા પાસે આવેલો ગઠીયો ૧૦૦ રૂપિયાની પુરી ખાઇ ગયા બાદ ઓનલાઇન પેમેન્ટ ચુકવી ત્યાં ખુરશીમાં બેસી ગયો હતો. થોડીવાર પછી તેણે ફોન કરવો છે તમારો ફોન આપો કહી પાણીપુરીવાળાનો ફોન લઇ લીધો હતો અને નજર ચુકવી ફોન લઇ ભાગી ગયો. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોમેશ્વર પ્લોટ શેરી નેં. ૧૪માં રહેતાં સચીન રામચરન કુશવાહા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સચીન કુશવાહાએ જણાવ્યું છે કે હું મુળ રાજસ્થાન નીમખેડાનો વતની છું. હાલ ભોમેશ્વર પ્લોટમાં મુરતુજાભાઇ ભારમલના મકાનમાં મારા મામા સાથે ભાડેથી રહી માધાપર ચોકડી પાસે પાણીપુરીની રેંકડી રાખી ગુજરાન ચલાવું છું. મારી પપાસે એક મોબાઇલ ફોન છે જેની કિમત આશરે ૮ હજાર જેવી છે. તા. ૨૦ના રોજ રાતે નવેક વાગ્યે હું માધાપર ચોકડીએ મારી પાણીપુરીની લારી પર હતો ત્યારે એક શખ્સ આવ્યો હતો અને પાણીપુરી બનાવવાનું કહેતાં મેં તેને ડીશ બનાવીને આપી હતી.
આ શખ્સે કુલ ૧૦૦ રૂપિયાની પાણી પુરી ખાધી હતી અને બાદમાં મને કહેલુ કે મારી પાસે રોકડા પૈસા નથી, તમારો ફોન આપો તો ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કરી આપું. જેથી હું ઓનલાઇન એપ્લીકેશન વાપરતો ન હોઇ માધાપર ગામમાં પાણીપુરીનો ધંધો કરતાં મારા મામા સિયારામ જયસિંગના ખાતામાં રૂપિયા નાખી દેવા તેને કહ્યું હતું. બાદમાં એ શખ્સે મારા ફોનમાંથી કોઇ બીજાને ફોન કરી મારા મામાના ખાતામાં ૧૦૦ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી દીધા હતાં. આ પછી તેણે મને મારો મોબાઇલ ફોન આપી દીધો હતો.
આ પછી આ શખ્સ નજીમાં રાખેલી ખુરશીમાં બેીસ ગયો હતો. મારે ઘરે જવાનો ટાઇમ થઇ ગયો હોઇ લારીનો સામાન પેક કરતો હતો ત્યારે આ શખ્સ ફરીથી મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તમારો ફોન આપો તો મારે એક ફોન કરવો છે તેમ કહેતાં મેં તેને ફોન આપ્યો હતો અને હું સામાન પેક કરવામાં લાગી ગયો હતો. બાદમાં અચાનક મારુ ધ્યાન ગયું હતું કે અજાણ્યો શખ્સ ગાયબ છે. મેં આસપાસમાં તપાસ કરતાં તે જોવા મળ્યો નહોતો. તે મારો મોબાઇલ ફોન લઇને ભાગી ગયો હતો. આ શખ્સ મને ફોન પાછો આપી જશે તેમ લાગ્યું હોઇ રાહ જોયા બાદ મારા મામાને વાત કરી હતી. બાદમાં અમે સીટીઝન પોર્ટમલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં સચીન કુશવાહાએ કહેતાં હેડકોન્સ. આર. ટી. વાસદેવાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:35 PM IST)










