તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
ઇસ્કોન મંદિર પાછળ પરિવાર કો.ઓપ. સોસાયટીમાં ચંદ્રેશભાઇનો આપઘાત
સ્વજનોએ શંકા દર્શાવતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ વાઘેલા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૭: શહેરના કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાછળ પરિવાર કો.ઓપ. હાઉસીંગ સોસાયટીમાં રહેતાં ચંદ્રેશભાઇ ડાયાભાઇ વાઘેલા (ઉ.વ.૩૮) નામના યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાત કરનારા ચંદ્રેશભાઇ પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. તે ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પત્નિનું નામ ડીમ્પલબેન છે. ચંદ્રેશભાઇના પિતા ડાયાભાઇએ જણાવ્યું હતું કે હું અલગ રહુ છું. ગઇકાલે ઘરે કોઇ નહોતું ત્યારે મારા દિકરાએ આ પગલુ ભર્યુ હતું. અમને શંકા છે કે તેની સાથે અજુગતું બન્યું હોઇ શકે. કારણ કે એક મહિલા સાથે માથાકુટ ચાલતી હતી અને તેણી મારા દિકરાને બ્લેકમેઇલ કરતી હતી. આ કારણે મારી પુત્રવધૂ ગઇકાલે બોલાચાલી કરી તેના માવતરે જતી રહી હતી. આ પછી મારા દિકરાએ આ પગલુ ભર્યુ હતું. દિકરાએ નીચે કોણે ઉતાર્યો? હોસ્પિટલે કોણ લાવ્યું? તેની પણ અમને ખબર નથી. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
(4:47 PM IST)










