<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ગોવાથી ભુજ પહોંચે એ પહેલા ૨૬.૮૮ લાખનો દારૂ રાજકોટમાં પકડાયો

કોઠારીયા સ્‍વાતિ પાર્ક નજીક કાર્યવાહીઃ પતરાના બેરલોની સાથે ભરી દેવાયો હતો દારૂનો જથ્‍થો : ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની રાહબરીમાં એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમની કામગીરીઃ હિતેષભાઇ પરમાર, રવિરાજભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા. ૨૯:  શહેરમાં દારૂ જુગારની પ્રવળત્તિ નાબૂદ કરવા એલસીબી ઝોન-૧ ટીમ કાર્યરત હોઈ બાતમીને આધારે ૨૬.૮૮ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે સુરતના શખ્‍સને ઝડપી લીધો હતો. આ શખ્‍સ ગોવા ટ્રાન્‍સપોર્ટનો માલ ભરીને ટ્રક લઇને ગયો  ત્‍યાંથી પરત આવતો હોઇ તેને બેરલો ભરી દેવાયા હતાં. જેમાં દારૂનો જથ્‍થો પણ છુપાવેલો હતો. આ જથ્‍થો ભુજ પહોંચાડે એ પહેલા રાજકોટમાં પકડી લેવાયો હતો. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ હિતેશભાઈ પરમાર તથા કોન્‍સ. રવિરાજભાઇ પટગીરની સંયુક્‍ત બાતમી પરથી આજીડેમ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સ્‍વાતીપાર્ક સ્‍વસ્‍તીક ચોક સ્‍વસ્‍તીક એચ.પી પેટ્રોલપંપની દિવાલ પાસથી સફેદ કલરનો અશોક લેલેન્‍ડ કંપનીનો ઇકોમેટ ટ્રક  નં. જીજે ૦૩સીયુ-૫૧૫૬ પકડી લીધો હતો. આ ટ્રકમાં તપાસ કરતાં અંદરથી ભારતીય બનાવટની ઇગ્‍લીશ દારૂની રોયલ બ્‍લુ મોલ્‍ટ વ્‍હીસ્‍કીના બેચ નંબર વિનાના ૧૮૦ એમએલના દારૂના ચપલા નંગ ૧૩,૪૪૦ કિમત રૂ. ૨૬,૮૮,૦૦૦ના મળી આવતાં કબ્‍જે કર્યો હતો. પોલીસે દારૂ, ટ્રક, પતરાના બેરલ નંગ ૧૧૨ મળી કુલ રૂા. ૩૭,૦૩,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ભાવીન પ્રકાશભાઇ અગ્રાવત જાતે બાવાજી (ઉ.વ ૨૯ ધંધો ડ્રાયવીંગ રહે હાલ પુષ્‍કરનગર મે.રોડ સ્‍વાતી પાર્ક મે.રોડ શ્રીજી રોડવેઝ ટ્રાન્‍સપોર્ટમાં રાજકોટ મુળ રહે.ે અભયનગર સોસાયટી શેરી નં ૫ સુર્ય પુજા મકાન વલકુભાઇ ના મકાનમાં ભાડેથી લંબે હનુમાન રોડ વરાછા સુરત)ની ધરપકડ કરી છે.

 પતરાના બેરલની આડમાં ટ્રકમાં આ દારૂ ભરીને રાજકોટ લાવવામાં આવ્‍યો હતો. આ ટ્રકને સ્‍વતી પાર્ક નજીક પકડી લેવાયો હતો. ડ્રાઇવરે રટણ કર્યુ હતું કે પોતે ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતો હોઇ ટ્રક લઇ ગોવા માલ ખાલી કરવા ગયો હતો. ત્‍યાંથી ખાલી આવતો હોઇ એક શખ્‍સે બેરલ ભરી દીધા હતાં અને ભુજ ઉતારવાનું કહ્યું હતું. બેરલમાં દારૂ હોવાની વાતથી પોતે અજાણ હોવાનું રટણ કરતો હોઇ રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે. પોલીસ તપાસ માટે ગોવા સુધી જશે. પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની સુચના અંતર્ગત આ કામગીરી એલસીબી ઝોન-૧ પીએઅસાઇ  બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગૌસ્‍વામી, હરેશભાઇ પરમાર, હેડકોન્‍સ. હિતેશભાઇ પરમાર,  હિતેન્‍દ્રસિંહ ઝાલા,  જગદીશસિંહ પરમાર અને કોન્‍સ. રવીરાજભાઇ પટગીરની ટીમે કરી હતી.

(12:22 PM IST)