News of Monday, 29th September 2025
અમિત વાઘેલાની વેરના કાર મિત્રનો મિત્ર રાજ ભાદરકા ભાડે લઇને ગયો પછી પાછો જ ન આવ્યો
માધાપર ચોકડી પાસેની ઓફિસે સેફટી પેટે ઓફિસે પોતાનું હોન્ડા મુકતો ગયો હતોઃ કારને બારોબાર ગિરવે મુક્વા પ્રયાસ કર્યો હતોઃ જીપીએસ સિસ્ટમ પણ બંધ કરી દીધીઃ ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૯: કાર સેલ્ફમાં આપવાનું કામ કરતાં વધુ એક યુવાન સાથે છેતરપીંડી થઇ છે. માધાપર ચોકડી મૈસુર ભગત ચોકમાં ઓફિસ ધરાવતાં યુવાન સાથે તેના મિત્રનો મિત્ર આબુ જવા માટે કાર ભાડેથી લઇ જઇ પાછો જ ન આવતાં ફરિયાદ થઇ છે. આ શખ્સે બારોબાર કાર ગિરવે મુકવા પણ પ્રયાસ કર્યો હતો. જો કે તેના જ અન્ય એક મિત્રના મિત્ર પાસે આ કાર ગઇ હોઇ તેણે ગિરવે રાખી નહોતી. જીપીએસ સિસ્ટમ પણ આ શખ્સે બંધ કરી દીધી હતી.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી મોરબી બાયપાસ મૈસુર ભગત ચોક સુંદરમ્ ગોલ્ડ એપાર્ટમેન્ટ બી-૯૦૨ ખાતે રહેતાં અમિતભાઇ ભુપતભાઇ વાઘેલા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી રાજ ઉર્ફ હિમાંશુ જયેશભાઇ ભાદરકા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અમિતભાઇ અને તેના પિતા સંયુક્ત રીતે સેલ્ફ ફાયનાન્સમાં ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેણે જણાવ્યું છે કે પોણા બે મહિના પહેલા ગત ૨૫/૭ના રોજ મારા મત્ર વિકાસ ભાદરકાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મારો મિત્ર રાજ ઉર્ફ હિમાંશુ ભાદરકા પરિવાર સાથે આબુ ફરવા જાય છે અને તેને વેરના કાર ભાડેથી જોઇએ છે, હું પોતે પણ તેની સાથે જવાનો છું. જેથી મેં મિત્ર વિકાસને વેરના કાર જ્યારે જોઇએ ત્યારે લઇ જવા કહ્યું હતું. બાદ વિકાસ અને તેનો મિત્ર રાજ બંને રાતે દસેક વાગ્યે મારી ઓફિસ સુંદરમ્ સીટી સામે મૈસુર ભગત ચોકમાં છે ત્યાં આવ્યા હતાં. મેં વેરના ગાડીનું એક દિવસનું ભાડુ ૩૦૦૦ કહ્યું હતું. તેમજ ગાડીની અવેજી રૂપે કોઇપણ ટુવ્હીલર ઓફિસે સેફટી પેટે રાખવા જણાવ્યું હતું.
આ પછી વિકાસના મિત્ર રાજને મેં જીજે૦૩એલઆર-૮૭૭૮ નંબરની વેરના ગાડી બે દિવસ માટે ભાડેથી આપી હતી. જેની સામે તેણે પોતાનું બાઇક જીજે૨૫એબી-૨૫૭૦ મારી ઓફિસ ખાતે રાખ્યું હતું. આ પછી ૨૬/૭ના રોજ સાંજે મને મારા અન્ય એક મિત્ર આશિષ ઉર્ફ ધનરાજ મોવાળીયાનો ફોન આવ્યો હતો કે મારા મિત્ર અકરમ દાઉદાણી પાસે એક વેરના ગાડી ગીરવે મુકવા આવી છે. આ ગાડીમાં નંબર પ્લેટ ડેકીમાં છે અને તેનો મેં ફોટો પાડયો છે આ નંબર જોતાં ગાડી તારી હોય તેમ લાગે છે, તે ગાડી કોઇને વેંચી દીધી કે શું? તેમ મારા મિત્ર આશિષે મને પુછતાં મેં તરત ગાડી ભાડે લઇ જનારા રાજ ઉર્ફ હિમાંશુને ફોન જોડતાં તેનો ફોન બંધ આવતો હતો.
આથી તરત મારા મિત્ર વિકાસને ફોન કરી ગાડી બાબતે પુછતાં તેણે કહેલુ કે વેરના લઇને રાજ એકલો આબુ ગયો છે, હું જઇ શક્યો નથી, રાજ ક્યાં પહોંચ્યો એ પુછી લઉ તેમ કહ્યું હતું. થોડીવાર પછી ફરીથી વિકાસે ફોન કરી કહેલુ કે ગાડી રાજ પાસે છે અને તે આબુ જવા નીકળી ગયો છે. આ પછી મેં કારમાં રહેલ જીપીએસ ટ્રેક કરતાં સિસ્ટમ બંધ બતાવતી હતી. આથી મેં ફરી વિકાસને ફોન કર્યો હતો કે તારો મિત્ર રાજ મારી વેરના ગાડી મારા મિત્રના મિત્ર અકરમ પાસે ગીરવે મુકવા ગયો હતો. આથી વિકાસે ફરી રાજને ફોન જો્ડયો હતો. પણ ફોન લાગ્યો નહોતો. આ પછી હું મારો મિત્ર આશિષ તેના મિત્રઅ કરમ પાસે ગયા હતાં. ત્યાં ગાડી કોણ ગીરવે મુકી ગયું? તે પુછતાં તેણે સોહિલ પરમારનું નામ આપ્યું હતું. જો કે અકરમે ગાડીગીરવે રાખી નહોતી. આ પછી રાજને અવાર-નવાર ફોન કરવા છતાં તેનો ફોન લાગ્તો નથી. મારી ગાડી કોની પાસે છે તે પણ અમને ખબર નથી. આમ રાજ ભાદરકા મારી ઓફિસે હોન્ડા મુકી તેની એવજીમાં મારી વેરના કાર લઇ ભાગી ગયો હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં અમિતભાઇએ કહેતાં પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયા તપાસ ચલાવી રહ્યા છે.
(2:42 PM IST)










