તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
નવાગામ રંગીલામાં નામચીનની છાપ ધરાવતાં અજય ઉર્ફ સંજય ઉર્ફ ટકાને પત્નિ, ભાઇઓ અને ભત્રીજાએ ફટકાર્યો
કૂટેવો મામલે પત્નિ સાથે ઝઘડો થયા બાદ માતા સમજાવવા આવી તે વખતે પત્નિએ લાફા મારી લીધાઃ બે ભાઇ મનસુખ, છગન અને ભત્રીજો પંકજ પણ પાઇપથી તૂટી પડયાઃ કુવાડવા પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૨૯: નવાગામ આણંદપર રંગલા સોસાયટીમાં રહેતાં અને અલગ અલગ ગુનાઓમાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્સને તેની જ પત્નિ, બે ભાઇઓ અને ભત્રીજાએ બેફામ ઢીકાપાટુનો માર મારી તેમજ લોખંડના પાઇપથી ફટકારતાં સારવાર માટે દાખલ થયો છે. ઘરમાં તેને તેની પત્નિ કૂટેવો બાબતે ટપારતી હોઇ ઝઘડો થયો હતો. આ બાબતે બીજા દિવસે આ બંનેને માતા સમજાવવા આવી તે વખતે પત્નિએ લાફાવાળી કરી હતી. તેમજ નજીકમાં જ રહેતાં આ શખ્સના બે ભાઇઓ, ભત્રીજા આવી જતાં તેમણે પણ મારકુટ કરી હતી.
આ બનાવમાં નવાગામ રંગીલા સોસાયટી પંચવટી શેરી નં. ૨માં રહેતાં અજય ઉર્ફ સંજય ઉર્ફ ટકો વાઘજીભાઇ રોજાસરા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી પોલીસે તેની પત્નિ દક્ષાબેન, ભત્રીજા રોજાસરા, પંકજ મનસુખભાઇ રોજાસરા, મોટા ભાઇ મનસુખ વાઘજીભાઇ રોજાસરા અને નાના ભાઇ છગન વાઘજીભાઇ રોજાસરા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.
અજય ઉર્ફ સંજય ઉર્ફ ટકાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. પરિવારમાં પિતા વાઘજીમાઇ, માતા શામુબેન છે. મારે ત્રણ ભાઇઓ અને એક બહેનમાં છે. સોૈથી મોટા ભાઇ મનસુખભાઇ, બાદ હું, ત્યારબાદ છગનભાઇ છે. બહેનનું નામ હેતુબેન છે. હું મારા પત્નિ દક્ષાબ અને દિકરી-દિકરા સાથે અલગ મકાનમાં રહુ છું. મારો ભાઇ છગનભાઇ મારા મકાનની સામે જ તેના પરિવાર સાથે રહે છે. શનિવારે રાતે હું અને મારા પત્નિ તથા દિકરો ઘરે હતાં ત્યારે મારી પત્નિ મારી અમુક કૂટેવોને કારણે મારી સાથે બોલાચાલી કરતી હતી. અવાર-નવાર અમારી વચ્ચે આ રીતે બોલાચાલી થતી રહે છે.
દરમિયાન હું બપોરે આણંદપર નવાગામ પુલ પાસે બાબુ ચુનાની ફેક્ટરી પાસે હતો ત્યારે મારા માતાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું તારી ઘરે છું, તું ઘરે આવ. જેથી હું મારા ઘર પાસે શેરીમાં પહોંચતા મારા માતા, મારી પત્નિ શેરીમાં ઉભા હતાં. મને આગલી રાતે થયેલી બોલચાલી બાબતે મારા માતા અમને બંને પતિ-પત્નિને સમજાવતાં હતાં. આ વખતે મારી પત્નિએ ઉશ્કેરાઇ જઇ મને ફડાકા મારવાનું ચાલુ કરતાં મેં મારા ભત્રીજા પંકજને ફોન કરી બોલાવ્યો હતો.
આ દરમિયાન પંકજ, મારા મોટા ભાઇ મનસુખભાઇ પણ શેરીમાં આવી ગયા હતાં અને અમને પતિ-પત્નિને બોલાચાલીક રતાં જોઇ પંકજ અચાનક લોખંડનો પાઇપ લઇને આવ્યો હતો અને મને ગાળો દેવા માંડયો હતો. મેં તેને ગાળો બોલવાની ના પાડતાં તેણે પાઇપના ઘા ફટકારતાં જમણા હાથે કોળણી અને ખભાના ભાગે તેમજ બંને પગે ગોઠણ નીચે ઇજાઓ થઇ હતી. આ દરમિયાન મારા ભાઇ મનસુખભાઇ પણ મને ઢીકાપાટુ મારવા માંડયા હતાં. શેરીમાં રાડો દેકારો થતાં મારો નાનો ભાઇ છગન આવી ગયો હતો, તે ણે પણ બધા સાથે મળી મને ઢીકાપાટુ મારી લીધા હતાં. આથી હું વધુ મારથી બચવા ભાગીને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે જવા નીકળી ગયો હતો. પોલીસ સ્ટેશન નજીક પહોંચીને પડી ગયો હતો. ત્યાં લોકો એકઠા થયા હોઇ કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્પિટલમાં ખસેડયો હતો.
ડોક્ટરે તપાસ કરી સારવાર આપી હતી. મને કોણીમાં ટાંકા આવ્યા હતાં. મારા પત્નિ દક્ષા, મોટા ભાઇ મનસુખભાઇ તેનો દિકરો પંકજ અને મારા નાના ભાઇ છગને મળી માર મારી ગાળોદઇ ઢીકાપાટુ અને પાઇપથી ફટકાર્યો હતો. કુવાડવા રોડ પોલીસ સ્ેટેશનના હેડકોન્સ. પી. જી. અગ્રાવતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોટે ભાગે નવાગામ આણંદપરમાં અજય ઉર્ફ સંજય ઉર્ફ ટકો જ વારંવાર ડખ્ખા કરતો હોય છે અને આરોપી પણ તે હોય છે. પણ આ વખતે આ શખ્સને તેના જ પત્નિ, પરિવારજનોએ ફટકારતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો હતો.
(2:47 PM IST)










