તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 29th September 2025
૧૫૦૦ લોકોની આંખોમાં અજવાળા પાથરવાનો શ્રેય જનકલ્યાણ ટ્રસ્ટને : ચક્ષુદાન પ્રવૃતિને સારો પ્રતિસાદ

રાજકોટ તા. ૨૯ : જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૭ વર્ષથી ચક્ષુદાન-સ્કીનદાન, દેહદાન જેવી સમાજસેવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં૭૫૦ ચક્ષુદાનથી ૧૫૦૦ લોકોને દેખતા કરાયાનો શ્રેય હાંસલ થયો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા દ્વારા જનજાગૃતિ માટે બનતા પ્રયાસો કરવામાં આવે છે. ૨૦૧૭ થી રાજકોટના લોકમેળામાં સ્ટોલ રાખી ચક્ષુદાન, સ્કીનદાન, દેહદાનનો પ્રચાર પ્રસાર કરી સંકલ્પપત્રો ભરાવવામાં આવે છે. ઉપરાંત મંદિર અને જાહેર સ્થળએ પણ બેનર લઇને સંસ્થાના સભ્યો ઉભા રહી પ્રચાર પ્રસાર કરે છે. સ્મશાનમાં જઇને લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવે છે.
સંસ્થાના આવા પ્રયત્નોના ફળ રૂપે પ્રથમ ૧૦૦ ચક્ષુદાન થતા ચાર વર્ષ લાગેલ. બીજા ૧૦૦ ચક્ષુદાન માત્ર ૧૪ મહિનામાં મળ્યા. ત્રીજા ૧૦૦ ચક્ષુદાન ૧૦ માસમાં, ચોથા ૧૦૦ ચક્ષુદાન સવા આઠ મહિનામાં, પાંચમાં ૧૦૦ ચક્ષુદાન માત્ર પ મહિનામાં અને છઠ્ઠા ૧૦૦ ચક્ષુદાન ૮ મહિનામાં અને ૭ માં મહિનામાં ૧૦૦ ચક્ષુદાન મેળવી અત્યાર સુધીમાં કુલ ૭૫૦ ચક્ષુદાનનો લક્ષ્યાંક પૂર્ણ થયો છે. એટલે ૧૫૦૦ આંખોમાં રોશની પ્રસરાવવામાં સંસ્થા નિમિત બની છે.
આ ઉપરાંત સંસ્થા દ્વારા દર ઉનાળામાં નિઃશુલ્ક છાશ વિતરણની સેવા પણ ચલાવવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી બુક બેંક પણ શરૂ કરી વિદ્યાર્થીઓને ધો.૫ થી ૧૨ ના પુસ્તકો ઉપયોગ માટે અપાય છે. ઉનાળામાં સ્લીપર વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ અને જન્માષ્ટમી-દીવાળી જેવા તહેવારોમાં જરૂરતમંદ લોકોને મીઠાઇ-ફરસાણનું પણ વિતરણ કરવામાં આવે છે.
સંસ્થા દ્વારા દર વર્ષે ચક્ષુદાતા-દેહદાતા પરિવારજનોનો સન્માન સમારોહ પણ ગોઠવી તેઓને પ્રોત્સાહીત કરવામાં આવે છે. સંસ્થાની આવી પ્રવૃત્તિમાં સામેલ થવા અને વધુ માહિતી માટે સંસ્થાના કાર્યાલય ૧૦ ક્રાંતિ પ્રકાશ, મનીષ લેધર ઉપર, પૂનમ ફર્નિચર પાસે, ઢેબરરોડ, રાજકોટ ખાતે દરરોજ સાંજે પ થી ૮માં રૂબરૂ અને મો.૯૪૨૮૫ ૦૬૦૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઇ મહેતા, ખજાનચી કનુભાઇ પરમાર, ડેનીશ આડેસરા, પ્રદીપભાઇ પંડયા, ડો. રમેશભાઇ કોયાણી, ચોટલીયાભાઇ, અતુલભાઇ શાહ વગેરે નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:21 PM IST)










