<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ક્રિકેટમાં તક મળે ત્‍યારે પરિસ્‍થિતિને સારી રીતે સંભાળે તે ખેલાડી આગળ વધે છેઃ રાકેશ પટેલ

રણજી ટ્રોફી, આઇપીએલ સહિત અનેક ક્રિકેટનો અનુભવ ધરાવનાર ખેલાડી રાજકોટમાં વડોદરામાં અંડર ૨૩ના હેડ કોચ તરીકે કાર્યરત રાકેશભાઇ દિલીપ ટ્રોફિ, દેવધર ટ્રોફિ ચેમ્‍પીયન, ઇન્‍ડિયા એ, રણજી ટ્રોફિ સહિત ૬૭ ફર્સ્‍ટ ક્‍લાસ મેચ રમ્‍યા છે અને ૨૩૪ વિકેટો ઝડપી છે. તેઓ ફાસ્‍ટ બોલર રહ્યા છે : જ્‍યારે વડોદરા ૪૦ વર્ષ પછી ૨૦૦૧-૦૨માં રણજી ટ્રોફિ જીત્‍યું તેમાં તેમનો સિંહ ફાળો હતો. રાકેશ પટેલ, ઝહિર ખાન, નયન મોંગિયા, કેપ્‍ટન જેકબ માર્ટીન સાથે રમ્‍યા હતા : ૨૦૧૦ માં તેઓ મુંબઇ ઇન્‍ડિયનની ટીમમાં ફાસ્‍ટ બોલર તરીકે હતા. ૨૦૦૭ માં તેમણે આઇસીએલ ક્રિકેટ જોઇન કરેલું : રાકેશભાઇના પિતા ભાનુપ્રસાદ ઘેલાભાઇ પટેલ પણ ક્રિકેટર હતા તેઓ ફાસ્‍ટ બોલર હતા અને રાકેશભાઇના રોલ મોડલ હતા : ટેસ્‍ટ ક્રિકેટ બહુ અઘરૂ છે. જે રમવું બધાનું સપનું હોય છે. જ્‍યારે વ્‍હાઇટ બોલ ક્રિકેટ સરળ છે. ટેસ્‍ટ ક્રિકેટમાં રીયલ સ્‍કીલ જરૂરી છે. તેઓએ ગુજરાત ટાઇટન્‍સ અને કોલકતા નાઇટ રાઇડર્સની ટીમમાં ટેલેન્‍ટ સ્‍કાઉટ તરીકે પણ કામ કર્યું છે : છોકરાઓ આઇપીએલ, રણજી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી શકે, મારો અનુંભવ તેમને આપી શકું અને તેમને આગળ વધવામાં મદદરૂપ થઇ શકું એજ જીવનનો ધ્‍યેય.

રાજકોટ, તા.૨૯: એવું માનવામાં આવે છે કે ક્રિકેટની શરૂઆત કદાચ ૧૩મી સદીમાં એક રમત તરીકે થઈ હતી. જોકે આજે તો વિશ્વના ખુણે ખુણે ક્રિકેટનો દબદબો છે. એવા ઘણા રમતવિર છે જેઓને વારસામાં રમત મળી હોય અને પોતાના દમ પર આગળ આવ્‍યા હોય એવાજ એક ક્રિકેટર છે રાકેશ પટેલ કે જેઓ રણજી ટ્રોફિ, આઇપીએલ સહિત અનેક મેચ રમી ચૂક્‍યા છે. આજે તેઓ વડોદરામાં અંડર ૨૩ના હેડ કોચ તરીકે સેવારત છે. અકિલા કાર્યાલય ખાતે તેઓએ વિગતો આપી હતી.

મૂળ નવસારીના રાકેશભાઇ આ વર્ષે વડોદરા એડર ૨૩ ટીમના હેડ કોચ છે. ગયા વર્ષે બોલીંગ કોચ હતા. ક્રિકેટ સાથે તેઓ ૧૯૯૫-૯૬ થી જોડાયેલા છે. તેઓએ ૯૦ના દાયકામાં સ્‍કૂલ લેવલથીજ ક્રિકેટ રમવાનું શરૂ કરેલું. મૂળ નવસારી પાસે દાંડી રોડ પર આવેલ કોથમડી ગામના તેઓ વતની અને ત્‍યાંની ટીમ પણ હતી. રાકેશભાઇના પિતા ભાનુપ્રસાદ ઘેલાભાઇ પટેલ પણ ક્રિકેટર હતા તેઓ ફાસ્‍ટ બોલર હતા અને રાકેશભાઇના રોલ મોડલ પણ. રાકેશભાઇ સ્‍કૂલમાં, કોલેજમાં ક્રિકેટ રમતા. યુનિવર્સિટી લેવલે રમ્‍યા પછી સૂરત જિલ્‍લામાંથી ક્રિકેટ રમ્‍યા. તેઓ ફાસ્‍ટ બોલર છે.

રાકેશભાઇ પટેલ કહે છે, જ્‍યારે વડોદરા ૪૦ વર્ષ પછી ૨૦૦૧-૦૨ માં રણજી ટ્રોફિ જીત્‍યું તેમાં મારો સિંહ ફાળો હતો. હું, ઝહિર ખાન, નયન મોંગિયા, કેપ્‍ટન જેકબ માર્ટીન અમે સાથે રમ્‍યા હતા. જેમાં રેલવે ટીમની સામે જીત મેળવી હતી. એ આખા વર્ષની સીઝનમાં ૮ મેચમાં ૩૪ વિકેટ ઝડપી હતી અને ૨૩૫ રન બનાવ્‍યા હતા. રાકેશભાઇ ૮ વર્ષ વડોદરા ટીમમાંથી રણજી ટ્રોફિ રમ્‍યા છે. જોકે તેમણે ડેબ્‍યુ ૧૯૯૮-૯૯ માં ગુજરાતથી રણજી ટ્રોફિમાં કર્યું હતું. શરૂઆત ગુજરાત ક્રિકેટ એસોશીએશનથી કરી. જ્‍યાં અંડર ૧૯ અને બે રણજી ટ્રોફિ મેચ પણ રમ્‍યા.

રાકેશભાઇ કહે છે, દિલીપ ટ્રોફિ, દેવધર ટ્રોફિ ચેમ્‍પીયન, ઇન્‍ડિયાએમાં રમવા સાઉથ આફ્રિકા, વેસ્‍ટ ઇન્‍ડિઝની ટુર કરી છે, ઓસ્‍ટ્રેલિયા સામે બોર્ડ પ્રેસીડેન્‍ટમાં પણ રમ્‍યા છે. રાકેશ પટેલ ૬૭ ફર્સ્‍ટ ક્‍લાસ મેચ રમ્‍યા છે અને ૨૩૪ વિકેટો ઝડપી છે.

૯૦ ના દાયકાથી ક્‍લબ ક્રિકેટ શરૂ કર્યુ. એ પછી શાળા કક્ષાએ અને પછી ગુજરાત ક્રિકેટ એસોશીએસન તરફથી અંડર-૧૯ બે વખત રમ્‍યા. અને ૧૯૯૮-૯૯ માં રાકેશભાઇ પટેલે રણજી ટ્રોફિમાં પદાર્પણ થયું. વર્ષ ૨૦૦૦ થી તેઓ વડોદરા સિફટ થયા જ્‍યાં તેમને પ્રોફેશનલ ક્રિકેટર તરીકે બોલાવેલા. વડોદરાની ટીમમાં જવાનું કારણ એ હતું કે વડોદરાની ટીમ સારી હતી, તેના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતા હતા અને ક્‍વોલિટી ક્રિકેટ રમવાનું મળતું હતુ. જોકે અત્‍યારે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને બધી રીતે બધી ટીમો અલગ લેવલ પર ગઇ છે પણ જેતે સમયે વડોદરાની ટીમ સૌથી બેસ્‍ટ ટીમ ગણાતી આજે તમામ ટીમો સરખી છે.

રાકેશભાઇ પટેલ આઇપીએલ પણ રમી ચૂક્‍યા છે. ૨૦૧૦ માં તેઓ મુંબઇ ઇન્‍ડિયનની ટીમમાં ફાસ્‍ટ બોલર તરીકે હતા. ૨૦૦૭ માં તેમણે આઇસીએલ ક્રિકેટ જોઇન કરેલું. વર્ષ ૨૦૧૧ માં તેમણે નિવૃતી લઇ લીધી. હાલ ક્રિકેટના અનુંભવી કોચ તરીકે તેઓ કાર્યરત છે. બીસીસીઆઇની ઇક્‍વિએશન મેચ ઓક્‍ટોબરથી શરૂ થવાની છે જેમાં હાલ વડોદરા અંડર ૨૩ સૌરાષ્ટ્રમાં પ્રેક્‍ટીસ મેચ રમી રહ્યા છે. એ પહેલા જીવનકપમાં પણ ભાગ લીધો હતો.

એક સફળ ક્રિકેટર બની અહિં સુધી પહોંચી શકાશે તેવું વિચાયું નહોતું તેમ જણાવતા રાકેશભાઇ પટેલ કહે છે, હું જ્‍યાં રહેતો તે કોથમડી નાનું ગામ છે ત્‍યારે નવસારી જિલ્‍લો પણ નહોતો બન્‍યો, વલસાડ જિલ્‍લો હતો. સ્‍કૂલ, કોલેજ લેવલે ક્રિકેટ રમવાની ખબર હતી પણ સ્‍ટેટ લેવલ, અંડર-૧૯, નેશનલ લેવલ, રણજી ટ્રોફિ રમાય છે એ પછી ખ્‍યાલ આવ્‍યો. પિતાના માર્ગદર્શન પછી સ્‍કૂલ લેવલે મિરઝા સર કોચ હતા અને પછી વડોદરાના રણજી ટ્રોફિ રમેલ નારાયણરાવ સાટેમ પાસે તાલીમ લીધી અને પછી સુરત જિલ્‍લામાં રમવાની તક મળેલી ત્‍યારે એક્‍સ રણજી પ્‍લેયર ડો.નિમેષ દેસાઇ પાસે શિખવાની તક મળી.

રાકેશભાઇ પટેલ ફાસ્‍ટ બોલર છે અને આઉટસ્‍વિંગ બોલીંગ કરતા. જોકે ઇનસ્‍વિંગમાં વધુ વિકેટ ઝડપી છે. બાઉન્‍સર, યોરકર પર વધુ ફિકસ કરતા. જોકે તેમને મેગગ્રાથ બહુ પસંદ હતા. જ્‍યારે બેટ્‍સમેનમાં સચીન તેંડુલકર જ હોય તે સ્‍વાભાવિક છે. તેઓ કહે છે, હાલ હેડ કોચની જોબ મારા માટે ચેલેન્‍જીંગ છે. ટીમને બંને ફોર્મેટમાં ક્‍વોલિફાઇ કરાવવી એ ટારગેટ છે. હાલ મારા માર્ગદર્શનમાં તૈયાર થતા ઘણા યુવાઓ છે જે આવનાર બે વર્ષમાં વડોદરા રણજી ટ્રોફિ ક્રિકેટમાં જોવા મળશે. જોકે દરેક સ્‍કૂલમાં જેમ દરેક સ્‍ટૂડન્‍ટ ફર્સ્‍ટ ક્‍લાસ કે પાસ નથી થતા તેમ ક્રિકેટમાં પણ સ્‍ક્‍લિ બધા પાસે હોય છે પણ જ્‍યારે તક મળે ત્‍યારે પરિસ્‍થિતિને કોણ સારી રીતે હેન્‍ડલ કરે છે તે પ્‍લેયર આગળ જાય છે. ટેસ્‍ટ ક્રિકેટ પસંદ છે કે વનડે? તેઓ કહે છે, ટેસ્‍ટ ક્રિકેટ બહુ અઘરૂ છે. જે રમવું બધાનું સપનું હોય છે. જ્‍યારે વ્‍હાઇટ બોલ ક્રિકેટ સરળ છે. ટેસ્‍ટ ક્રિકેટમાં રીયલ સ્‍કીલ જરૂરી છે. તેઓએ ગુજરાત ટાઇટન્‍સ અને કોલકતા નાઇટ રાઇડર્સની ટીમમાં ટેલેન્‍ટ સ્‍કાઉટ તરીકે પણ કામ કર્યું છે. વધુમાં તેઓ કહે છે, જ્‍યારે હું નાના ગામડામાંથી આવતો હતો અને ૨૦૦૨-૦૩ માં ભારતની ટીમમાં સીલેક્‍સન થયેલું ત્‍યારે ગામનો ઉત્‍સાહ, કાંઠા વિભાગનો ઉત્‍સાહ જોઇને ખુબ પ્રેરીત થયો હતો અને થયેલું કે જીવનમાં કંઇક મેળવ્‍યું છે. જોકે રમવાની તક મળી નહોતી એ મારા જીવનની બહુ મોટી યાદગાર સિધ્‍ધિ હતી. આજે ક્રિકેટ માટે જે કામ કરી રહ્યા છીએ આપણા માર્ગદર્શનમાં રમી છોકરાઓ આઇપીએલ, રણજી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી શકે, મારો અનુંભવ તેમને આપી શકું અને તેમને આગળ વધવામાં મદદરૂપ થઇ શકું એજ જીવનનો ધ્‍યેય છે.

 

 

૧૧ વખત પાંચ

વિકેટ લીધી છે

ક્રિકેટની રમત સૌકોઇને ગમે છે. તેમાંય જો વિકેટ પડે ત્‍યારે લોકોને મોજ પડી જાય છે પણ તે વિકેટ લેનાર સૌથી વધુ ખુશ હોય છે. રાકેશ પટેલ ફાસ્‍ટ બોલર છે અને અનેક રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય મેચ રમી ચૂક્‍યા છે. એક પ્રસંગ યાદ કરતા તેઓ કહે છે મેં ક્રિકેટના ઇતિહાસમાં ૧૧ વખત પાંચ વિકેટ ઝડપી છે. મુંબઇ સહિત અનેક ટીમ સામે વિકેટ લીધી છે.

એક રેકોર્ડ થયો હતો જેમાં વડોદરા સામે મુંબઇની સેમીફાઇનલ મેચ હતી અને મુંબઇના ઝીઓ રને પાંચ વિકેટ હતી. જેમાં ત્રણ વિકેટ ઇરફાન ખાને લીધી હતી અને બે મેં લીધી હતી. જેમાં મુંબઇ તરફથી રોહિત શર્મા, અરૂણ મજુમદાર, વસીમ જાફર પણ ટીમમાં હતા. એજ રીતે ૨૦૦૬-૦૭ માં તમીલનાડુ સામે દિનેશ કાર્તિક સહિતના ક્રિકેટરની હેટ્રિક લીધી હતી.

સચીન તેંડુલકરની વિકેટ પણ લીધેલી..!

આઇપીએલમાં ગુજરાતી એનાઉન્‍સીંગ પણ કર્યું..

રણજી ક્રિકેટર રાકેશભાઇ પટેલ અનેક મેચ રમ્‍યા છે. જેમાં છેલ્‍લા ત્રણ વર્ષથી એટલે કે ૨૦૨૩ થી તેઓ ગુજરાતી એનાઉન્‍સર તરીકે ફરજ પણ બજાવે છે. તેઓએ અનેક ક્રિકેટરો સાથે ફિલ્‍ડ શેર કર્યું છે અને ક્રિકેટ રમ્‍યા છે. જેમાં ચેલેન્‍જર ટ્રોફિમાં સચીન તેંડુલકર સાથે રમ્‍યા હતા જેમાં સચીનની વિકેટ પણ લીધી હતી.! લક્ષ્મણ, યુવરાજસિંહ, હરભજનસિંહ, વિરેન્‍દ્ર સહેવાગ, ગાંગુલી, રાહુલ દ્રવિડ સહિત અનેક ક્રિકેટરો સાથે અનેક મેચ ફાસ્‍ટ બોલર તરીકે રમ્‍યા છે.(૩૮.૩૩)

(2:23 PM IST)