News of Monday, 29th September 2025
પાંચ વર્ષની બાળકીને પછાડી કુતરાએ ગળા પર બટકુ ભરી લેતાં કમકમાટી ભર્યુ મોત
મધ્યપ્રદેશથી ચાર દિવસ પહેલા જ દાદા સાથે શાપર આવી હતીઃ સવારે ઘર પાસે બીજી છોકરીઓ સાથે રમતી હતી ત્યારે રોટલી ખાવા દરરોજ કારખાને આવતાં કુતરાએ બટકુ ભર્યુઃ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો

માસુમ બાળકીનો મૃતદેહ, ગળા પર કુતરાએ બટકુ ભરી લીધું તેના નિશાન અને આ મૃતક બાળકી વિરલબેનનો ફાઇલ ફોટો જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૯: શાપર વેરાવળમાં ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી દાદાના ઘરે રોકાવા માટે આવેલી પાંચ વર્ષની બાળકીને કૂતરાએ ફાડી ખાતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. ઘર પાસે આ બાળકી રમી રહી હતી ત્યારે અચાનક કુતરાએ હુમલો કર્યો હતો અને બાળકીની પછાડી દઇ ગળાના ભાગે એક બટકુ ભરી લીધુ હતું. લોહીલુહાણ હાલતમાં તેણીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
રખડતા કૂતરાઓ અવાર-નવાર બાળકોની પાછળ, રાહદારીઓ કે વાહનચાલકોની પાછળ દોડતાં હોય છે. ઘણીવાર આવા કારણે વાહનચાલક બચવા માટે ઝડપથી વાહન ભગાવી મુકે ત્યારે અકસ્માત પણ સર્જાય છે. દરમિયાન શાપર વેરાવળમાં ભૂમિ ગેઇટ નજીક ગોલ્ડન સ્ટાર કંપની પાસે સવારે વિરલબેન અંબુભાઇ વીણામા (ઉ.વ.૫) નામની બાળા રમી રહી હતી ત્યારે અચાનક કુતરૂ ધસી આવ્યું હતું અને હુમલો કરતાં બાળા પડી ગઇ હતી. આ પછી કુતરાએ બાળાના ગળા પર એક બટકુ ભરી લેતાં તેણીએ દેકારો કરી મુક્યો હતો. લોકો ભેગા થઇ જતાં કુતરૂ ભાગી ગયું હતું.
બીજી તરફ કુતરાએ બટકા ભરવાને કારણે વિરલબેન લોહીલુહાણ થઇ જતાં તેણીને શાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું કહેવામાં આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ અહિ તેણીએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ સહિતે શાપર પોલીસને કરી હતી.
મૃત્યુ પામનાર વિરલબેન બે બહેનમાં મોટી હતી. તેના પિતા ખેત મજૂરી કરે છે. આ બાળકી હજુ ચાર દિવસ પહેલા મધ્યપ્રદેશથી શાપર વેરાવળ રહેતાં તેના દાદા મુકેશભાઇ ભુરાભાઇના ઘરે રોકાવા માટે આવી હતી. સવારે ઘર નજીક રમતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. લાડકવાયી દિકરીના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તો શાપરમાં પણ આ બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી.
વધુ માહિતી મુજબ જે કારખાના પાસે બનાવ બન્યો ત્યાં દરરોજ કુતરા રોટલી ખાવા આવે છે. મૃત્યુ પામનાર બાળા અને બીજી છોકરીઓ રમી રહી હતી ત્યારે રોટલી ખાવા દરરોજ આવતાં કુતરાઓ પૈકીના એક કુતરાએ જ તેણીને બટકુ ભરી લીધુ હતું. (૧૪.૧૧)
(2:52 PM IST)










