News of Monday, 29th September 2025
સુવિધા આપો..કટારિયા ચોકડીએ લક્ષ્મીના ઢોળાના વિસ્તારવાસીઓનું ચક્કાજામ
નળ કનેકશન, રોડ-રસ્તા સહિતના પ્રશ્ને લોકો વિફર્યાઃ તંત્ર દોડયું

રાજકોટ તા. ર૯: શહેરમાં છેલ્લા ર મહિનાથી રોડ-રસ્તા મુદે તમામ વિસ્તારોમાંથી વિરોધ ઉઠી રહ્યો છે. અને આ મુદે સોસાયટીઓ તેમજ લતાવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે ત્યારે કટારીયા ચોકડી ખાતે આવેલ લક્ષ્મીના ઢોળા વિસ્તારવાસીઓ સવારે કટારીયા ચોકડીએ નળ કનેકશન તેમજ રોડ-રસ્તા બનાવવાની માંગ સાથે ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનપાના અધીકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અંતે મામલો થાળે પડયો હતો.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આજે કટારીયા ચોકડી પાસે સરકારી પ્લોટ પર વરસોથી મફતીયુપરૂ ઉભું કરવામાં આવ્યું છે. મનપા દ્વારા ત્યાં રહેતા લોકોને ટેન્કર મારફતે પીવાનું પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે. પરંતુ હાલમાં રોડ-રસ્તા મુદે ચાલતા મુદાને હાથો બનાવી આજે સ્થાનીકોએ કટારીયા ચોકડીએ એકઠા થઇ ચકકાજામ કરી વાહન વ્યવહાર ઠપ્પ કરી દેતા મનપાનાં અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનીકોએ જણાવેલ કે વરસોથી આ જગ્યાએ વસવાટ કરીએ છીએ. મહાનગર પાલિકા દ્વારા હાલ ટેન્કર મારફતે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. જે અપુરતું હોવાથી હવે અમને ઘરે ઘરે નળ કનેકશન આપવામાં આવે. તેવી જ રીતે આ ઝુપડપટ્ટીમાં રોડ-રસ્તાની સુવિધા પણ મળવી જોઇએ. આ તમામ મુદે વિરોધ કરતા અધિકારીઓએ ભારે સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો. અને પોલીસ વિભાગે ફરી વખત વાહન વ્યવહાર ચાલુ કરાવ્યું હતું.
(3:40 PM IST)










