તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 29th September 2025
રાજકોટ કલેકટર એકાએક ગાંધીનગર દોડી ગયા અનેક ચર્ચાઓ શરૂઃ તંત્ર વિરૂધ્ધ અનેક ફરીયાદો?!
રેવન્યુ કેસ સિવાય કોઇ અન્ય પ્રોજેકટ પર કામગીરી થતી ન હોવાની રાવઃ મુખ્યમંત્રીએ બે ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા તે અંગે આઇએએસ લોબીમાં ભારે ચર્ચા

રાજકોટ તા. ર૯ :.. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ આજે વહેલી સવારે એકાએક ગાંધીનગર દોડી જતા, અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગાંધીનગરથી બોલાવવામાં આવતા તેઓ તાત્કાલિક રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયા જ તેઓ કલેક્ટર કોન્ફરન્સમાં હાજરી આપવા ગાંધીનગર ગયા હતા.
અત્રે એ નોંધનીય છે કે કલેકટર તંત્ર વિરૂધ્ધ અનેક ફરીયાદો ગાંધીનગર પહોંચી છે. કલેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ રેવન્યુ કેસ સિવાય અન્ય કોઈ કામગીરી શરૂ ન કરાઈ હોવાની પણ ફરિયાદો છે.પૂર્વ કલેક્ટર પ્રભાવ જોષી દ્વારા શરૂ કરાયેલા અનેક પ્રોજેક્ટ્સનો પણ કોઈ ફોલોઅપ લેવામાં આવ્યો નથી. જિલ્લામાં રોડ-રસ્તા પરના ખાડાઓ રિપેર કરવા સહિતની અનેક બાબતો અંગે પણ ફરિયાદો ઉઠી છે.
આ ઉપરાંત તાજેતરની બેઠકમાં રાજકોટ જિલ્લાના બે આઇએએસ કક્ષાના જવાબદાર અધિકારીઓની દલીલોને કારણે મુખ્યમંત્રી આગ બબૂલા થયાનું અને આ ઘટનાના આઇએએસ લોબીમાં ઘેરા પડઘા પડયાનું બહાર આવ્યું છે. (પ-૩૦)
(3:41 PM IST)










