News of Tuesday, 30th September 2025
રાસોત્સવના સ્થળ પાસેથી સોડાની લારી હટાવવાની માથાકુટને કારણે કારમાં તોડફોડ કરવામાં આવી'તી
રૈયાધાર શાંતિનગર નજીક વેર્ના કારમાં તોડફોડની ઘટનામાં આરોપી પકડાયા એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે ધ્રુવ બાહુપીયા, મિત્રો મોહિત કુકડીયા, આર્યન ચોૈહાણ અને સગીરને પકડયાઃ વળતી ફરિયાદ નોંધાશેઃ પીઆઇ એચ. એન. પટેલે વિશેષ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩૦: શહેરના ભોમેશ્વરમાં રહેતાં અને બજરંગવાડી શિતલ પાર્કમાં સનાતન ગરબીનું સંચાલન કરતાં યુવાન અને તેમના મિત્રો ગત ૨૧મીએ ગરબીનો મહોત્વસ પુરો થતાં મિત્રો સાથે કાર લઇ દ્વારકાધીશ હોટલ ખાતે જમવા જઇ રહ્યા હતાં ત્યારે રૈયાધારથી શાંતિનગર ગેઇટથી આગળના રસ્તે એક નંબર વગરની લાલ કારમાં આવેલા છ શખ્સોએ આ લોકોની કાર આંતરી ધોકાવાળી કરી કારના કાચ ફોડી નાંખી નુકસાન કરતાં અને ભાગી જતાં ફરિયાદ થઇ હતી. આ ગુનામાં એલસીબી ઝોન-૨ ટીમે એક સગીર સહિત ૪ને પકડી લીધા છે. ફરિયાદીના પરિચીતને અને આરોપી શખ્સને રાસોત્સવના સ્થળ પાસે સોડાની લારી હટાવવા મામલે બાબતે બોલાચાલી થતાં માથાકુટ થઇ હોઇ ખાર રાખી આ હુમલો કરાયો હતો. જો કે ફરિયાદીએ વિગતોથી વાકેફ હોવા છતાં પોલીસને સાચી વાત જણાવી નહોતી.
યુનિવર્સિટી પોલીસે ભોમેશ્વર શ્રમજીવી જાગૃતિ સોસાયટી-૫માં ભોમેશ્વર મંદિર પાસે રહેતાં કિશનભાઇ પરેશભાઇ રાવ (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. કિશનભાઇ રાવ ગત ૨૧/૯ના રાતે એકાદ વાગ્યે શિતલ પાર્ક નવરાત્રી મહોત્સવ ખાતેથી ત્રણ મિત્રો આનંદ રાજશેભાઇ મકવાણા, તિર્થ રાજુની અને ગોૈરવ જેઠવા એમ ચારેયા આનંદ મકવાણાની કાર જીજે૦૩એફકે-૬૭૦૫માં બેસીને યુનિવર્સિટી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ ખાતે જમવા માટે જવા નીકળ્યા હતાં. આ વખતે રૈયાધાર પાસે શાંતિનગર ગેઇટવાળા રસ્તે ડ્રીમસીટીથી આગળ દ્વારકોશ પાર્કના મેઇન રોડના ખુણે અમે પહોંચ્યા ત્યારે પાછળથી લાલ રંગની સ્વીફટ આવી હતી. તેના ચાલકે અમારી કારની આગળ રસ્તા વચ્ચે કાર ઉભી રાખી હતી. બાદમાં તેમાંથી પાંચ છ શખ્સો નીકળ્યા હતાં. જેમાં બે જણા પાસે હાથમાં લાકડાના ધોકા હોઇ અમારી કાર પાસે આવી ધોકાવાળી કરી હતી. જેના કારણે કારમાં ૪૦ હજારનું નુકસાન થયું હતું.
પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ગુનામાં એલસીબી ઝોન-૨ ટીમે ધ્રુવ હિતેષભાઇ બાહુપીયા (ઉ.વ.૧૯-રહે. ગાંધીગ્રામ-૮, સ્ટર્લિંગ સામે), મોહિત ડાયાભાઇ કુકડીયા (ઉ.વ.૨૩-રહે. ધરમનગર આવાસ ક્વાર્ટર બ્લોક ૧/૧૩) અને આર્યન મનિષભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦-રહે. ગાંધીગ્રામ-૮, સ્ટર્લિંગ સામે) અને એક સગીરને પકડી લીધા છે. આ કામગીરી ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા અને કોન્સ. કુલદિપસિંહ રાણાએ કરી હતી.
પીઆઇ એચ. એન. પટેલના કહેવા મુજબ નીરવ રાયચુરાએ શિતલ પાર્ક પાસે રાસોત્સવનું આયોજન કર્યુ હોઇ તેની બહારના ભાગે આરોપી ધ્રુવ અને તેના પિતાએ સોડાની લારી રાખી હતી. આ લારી હટાવી લેવા બાબતે નીરવને બોલાચાલી થઇ હતી. આ વાતથી ફરિયાદી વાકેફ હતાં. તે જમવા જવા નીકળ્યા ત્યારે તેમાં નીરવ પણ હશે તેમ સમજી ધ્રુવ સહિતનાએ પાછળ જઇ કારમાં તોડફોડ કરી હતી.
(2:21 PM IST)










