<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં રેલનગરના નિખીલ ચંદારાણાએ ઝેરી દવા પીધી

ચાર શખ્‍સોને ૩ લાખ સામે ૪ લાખથી વધુ ચુકવી દીધા, કાર લઇ ગયા છતાં વધુ માંગી ધમકી આપતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૩૦: રેલનગર ગુલમહોર બંગલા સામે લાલબહાદુર શાષાી ટાઉનશીપમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં નિખીલભાઇ રાજેશભાઇ ચંદારાણા (ઉ.વ.૨૫) નામના યુવાને સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં ધમકી મળતી હોઇ આ પગલુ ભર્યાનું તેણે કહ્યું હતું.

નિખીલભાઇ સવારે પોણા સાતેક વાગ્‍યે ઘરે ઝેરી દવા પી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. નિખીલભાઇએ કહ્યું હતું કે હું છુટક મજૂરી કરુ છું અને મારે સંતાનમાં બે પુત્ર છે. અગાઉ મારા પત્‍નિને ડિલીવરી આવે તેમ હોઇ ત્રણેક મહિના પહેલા મેં પરીચત એવા હિરેન, અજીત, નયન સહિતની પાસેથી ત્રણેક લાખની રકમ વ્‍યાજે લીધી હતી. જેની સામે ૪ લાખ ૩૦ હજાર જેવી રકમ ચુકવી દીધી છે. આમ છતાં આ લોકો વધુ વ્‍યાજ માંગી મને સતત ધમકી આપે છે. મારી આઇ-૨૦ કાર પણ આ લોકો લઇ ગયા હતાં અને નામે કરી લીધી હતી. 

આ કારણે મેં પોલીસ કમિશનરને અરજી આપી હતી. આ અરજી પાછી ખેંચી લેવાનું કહી અવાર-નવાર ધમકી અપાતી હોઇ રાતે અઢી વાગ્‍યે પણ અજીતે મને ફરીથી ધમકી આપતાં હું ડરી જતાં મેં આ પગલુ ભર્યુ હતું.  પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(2:33 PM IST)