<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

માતાએ મોબાઇલ ફોનમાં ગેમ રમવાની ના પાડતાં ૧૭ વર્ષના નયન મહેતાનો આપઘાત

રૈયા રોડ વસુંધરા માર્કેટ સામે આવાસ યોજના ક્‍વાર્ટરમાં બનાવઃ એકના એક દિકરાએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી

રાજકોટ તા. ૧: હાલના સમયમાં તરૂણો, સગીરો મોબાઇલ ફોનના વળગણને કારણે ઘણીવાર ડીપ્રેશનમાં જતાં રહેતાં હોય છે અને ક્‍યારેક ન ભરવાનું પગલુ ભરતાં હોય છે. દરમિયાન એક ચોંકાવનારી ઘટનામાં રૈયા રોડ પર વસુંધરા માર્કેટ પાસે આવેલા આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં ૧૭ વર્ષના સગીરે મોબાઇલ ફોનમાં સતત ગેમ રમતો હોઇ આ કારણે માતાએ ઠપકો આપતાં માઠુ લાગી જતાં આત્‍મહત્‍યા કરી લેતાં એરરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ વસુંધરા માર્કેટ નજીક આવેલા આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં નમન દિનેશભાઇ મહેતા (ઉ.વ.૧૭)એ રાતે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. તેના તબિબ સંજના પરમારે જાણ કરતાં કન્‍ટ્રોલ રૂમ મારફત યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. જેથી એએસઆઇ જયસિંહ ઝાલા અને રાઇટર જયદિપભાઇ લાઠીયાએ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર નમન મહેતા એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તેણે દસ ધોરણ સુધી અભ્‍યાસ કરી પછી ભણવાનું મુકી દીધુ હતું. હાલમાં તે સતત મોબાઇલ ફોનમાં ગેમ રમવામાં વ્‍યસ્‍ત રહેતો હોઇ આ કારણે માતાએ તેને ઠપકો આપતાં માઠુ લાગી જતાં પગલુ ભરી લીધુ હતું. એકના એક દિકરાના આ પગલાથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:25 PM IST)