News of Wednesday, 1st October 2025
ઘંટેશ્વર બસ સ્ટેશન સામે બાઇક સ્લીપ થતાં મેટોડાના થાવરીયાભાઇનું મોત
રાજકોટથી કડીયા કામ કરી પરત જતી વખતે બનાવઃ સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૧: જામનગર રોડ પર ઘંટેશ્વર બસ સ્ટેશન સામે હાઇવે પર બાઇક સ્લીપ થઇ જતાં તેના ચાલક મેટોડા રહેતાં આધેડનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ-૩માં રહેતાં થાવરીયાભાઇ કલાભાઇ પરમાર (ઉ.વ.૪૭) બાઇક હંકારીને ગત સાંજે આઠેક વાગ્યે રાજકોટથી મેટોડા તરફ જતાં હતાં ત્યારે ઘંટેશ્વર બસ સ્ટેશન સામે પહોંચતા બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન આજે મૃત્યુ થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, ધર્મેન્દ્રભાઇ હુદડે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર થાવરીયાભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે મુળ એમપીના વતની હતાં અને રાજકોટ કડીયા કામ કરતાં હતાં. અહિથી કામ પુરૂ કરી મેટોડા જવા નીકળ્યા ત્યારે બનાવ બન્યો હતો.
બેભાન હાલતમાં લક્ષ્મીદાસ કાપડીનું મોત
અન્ય બનાવમાં કોઠારીયા રોડ બાલાજી ચોક પુરૂષાર્થ સોસાયટીમાં રહેતાં લક્ષ્મીદાસ ભગવાનદાસ કાપડી (ઉ.વ.૪૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. મૃતકને ટીબીની બિમારી હતી.
ભરતભાઇ સરવૈયાનું બેભાન હાલતમાં મોત
જ્યારે ચોટીલાના વાસુરપરામાં રહેતાં ભરતભાઇ પાંચાભાઇ સરવૈયા (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. મૃતક ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
(2:40 PM IST)










