News of Wednesday, 1st October 2025
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઠેર-ઠેર મસમોટા ગાબડા : અકસ્માત થાય તે પહેલાં યુધ્ધના ધોરણે રીપેરીંગ જરૂરી
રાજકોટ થી ચોટીલા સુધી અને ચોટીલાથી બાવળા સુધી હાઈ-વેની હાલત કેડ હચમચી જાય તેવી

રાજકોટ, તા.૧: ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તા ભાંગી ગયા હોય તેવી ફરિયાદો ઉઠી છે અને સરકાર પર તડાપીટ બોલી છે તેવામાં જયાં રોજ હજારો લોકો અવર-જવર કરે છે અને જે હાઈ વે ૨૪ કલાક ધમધમતો રહે છે તે રાજકોટ-અમદાવાદ હાઈ વે પણ તેમાંથી બાકાત નથી. આ હાઈ વે ઉપર ઠેક ઠેકાણે રસ્તાની વચ્ચોવચ્ચ મસમોટા ગાબડા અથવા તો ખાડા પડી ગયા છે અને કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં યુધ્ધના ધોરણે તે બુરવાની અને હાઈ વેની હાલત સુધારવાની જરૂર હોવાનું આ હાઈ વે પર પસાર થતાં વાહન ચાલકોનું કહેવું છે.
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રાજકોટ-અમદાવાદ હાઈ વેનું કામ એક દાયકા જેટલા સમય થવા છતાં પણ પુરું થયું નથી અને તેવામાં વરસાદના કારણે હાઈ વે ધોવાઈ જતાં રસ્તા પર ઠેર-ઠેર મોટા ગાબડાઓ જોવા મળી રહયાં છે. વાહન ચાલકોને ફરજીયાત વાહન ઘીમા ચલાવવા પડે છે એટલું જ નહી, અકસ્માત થવાનો ભય પણ સતત રહે છે. રાજકોટ થી ચોટીલા સુધી અને ચોટીલા થી બાવળા સુધીના હાઈ વેની હાલત અત્યંત ખરાબ હોવાનું વાહન ચાલકો અનુભવી રહ્યાં છે. કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં આ હાઈ વેની હાલત સુધારવાની જરૂર છે.
હિરાસરથી ચોટીલા અને ચોટીલાથી બગોદરા સુધીના હાઈ વેની હાલતતો મગરની પીઠ જેવી હોવાનું વાહન ચાલકો જણાવી રહયાં છે. કરોડો રૂપિયાના આંધણ પછી પણ રસ્તાની હાલત ખસ્તા થઈ જતાં વાહન ચાલકો તંત્રો ઉપર તડાપીટ બોલાવી રહ્યાં છે. રસ્તાની હાલત તો ખરાબ જ છે ઉપરાંત રસ્તા પરના સફેદ પટ્ટાઓ પણ ભૂંસાઈ જતાં તે પણ નવેસરથી કરવાની જરૂર છે. વાહન ચાલકોનું કહેવું છે કે આ હાઈ વે પર પ્રધાનો અને અધિકારીઓ પણ પસાર થતાં હોય છે છતાં તેઓ કેમ આ બાબતે મૌન છે એ પણ સવાલ છે.
(3:46 PM IST)










