News of Wednesday, 1st October 2025
નિશા અગ્રવાલના નામે મેસેજ મોકલી ટ્રેડીંગના નામે સંજય ડાંગર સાથે ૬.૯૧ લાખની ઠગાઇ
રૈયા રોડ ગંગોત્રી ડેરી પાસે અક્ષર પાર્કમાં રહેતાં યુવાન સાથે ફ્રોડ શરૂઆતમાં ૪૦ હજારનું ોરકાણ કરાવી વોલેટમાં ૫૦૦ ડોલર આપ્યાઃ પછી ૧૦૦ ડોલર વીડ્રો કરવા દીધાઃ બાદમાં વધુ રોકાણ કરાવી છેતરપીંડીઃ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧: શહેરના રૈયા રોડ પર રહેતાં અને ફેક્ટરીમાં નોકરી કરતાં યુવાનને વ્હોટ્સએપમાં નિશા અગ્રવાલના નામથી મેસેજ કરી બાદમાં વાતો કરી ટ્રેડીંગમાં રોકાણ કરવાથી ખુબ ફાયદો થાય છે તેવી વાતો કરી વ્હોટ્સએપમાં લિંક મોકલી બાદમાં ટેલીગ્રામમાં એડ કરી વોલેટ બનાવડાવી શરૂઆતમાં ડોલરમાં ટ્રેડીંગ કરવા સામે નફો બતાવી બાદમાં વધુ રોકાણ કરાવડાવી ઠગાઇ કરી લેવામાં આવતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે રૈયા રોડ ગંગોત્રી ડેરી પાસે અક્ષર પાર્ક-૧માં રહેતાં સંજયભાઇ રાયધનભાઇ ડાંગર (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી ફેસબૂક આઇડીમાં આપેલા મોબાઇલ નંબર, ટેીલગ્રામ અઇડી ઇન્ટ્રાગ્લોબલ લિમીટેડ-૦૪ના ધારક તથા અલગ અલગ ત્રણ બેંક એકાઉન્ટના ધારકો સામે રૂા. ૬,૯૧,૨૮૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે. ટ્રેડીંગમાં રોકાણ કરવાના નામે વોલેટમાં ૬૦૯ ડોલરનો નફો બતાવડાવી આ ગઠીયાઓએ છેતરપીંડી કરી હતી.
સંજયભાઇ ડાંગર પરિવાર સાથે રહે છે અને સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ફેક્ટરીમાં વર્કશોપ મેનેજર તરીકે નોકરી કરે છે. સંજયભાઇએ જણાવ્યું છે કે હું કાલાવડ રોડ એચડીએફસી બેંક અને ઢેબર રોડની ડીસીબી બેંકમાં એકાઉન્ટ ધરાવુ છું. ગત ૨/૬ના રોજ હું ઘરે હતો ત્યારે નીશા અગ્રાવલ નામની ફેસબૂક આઇડી પરથી મને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે મેં સ્વીકારી હતી. આ પછી નિશા અગ્રાવલ નામની આઇડી ધારક સાથે મારે નોર્મલ વાત થતી હતી. આ પછી નિશાએ કહેલું કે હું શેર બજાર ફોરેન એક્ષચેન્જમાં રોકાણ કરુ છું અને સારો એવો નફો કમાઉ છું, તમે પણ રોકાણ કરો તો સારી કમાણી થશે.
આ પછી મને તેણે શેર બજારની સમજ આપી હતી અને કહ્યું હતું કે તમારે રોકાણ કરવું હોય તો હું તમને મારા એક વ્હોટ્સએપ નંબર આપુ છું તેમા વાત કરો. એ પછી નિશા અગ્રવાલ નામની અજાણી વ્યક્તિએ મને વ્હોટ્સએપ નંબર આપતાં મેં વાત કરી હતી. મને જણાવ્યું હતું કે ઇન્ટ્રા ગ્લોબલ લિમીટેડ નામની કંપની છે તે ફોરેન એક્ષચેન્જ (એનએફપી) નાણાનું રોકાણ કરવાનું કામ કરે છે અને સરો નફો કમાવી આપે છે. જેથી મેં કહેલું કે મને શેર બજારનું કોઇપણ પ્રકારનું જ્ઞાન નથી. જેથી સામેથી કહેલુ કે અમે સલાહ સુચન આપીએ તેમ કરવાનું છે. જેથી મેં હા પાડી હતી. આ પછી મને અજાણી લિંક વ્હોટ્સએપમાં આવી હતી. જે ઇન્ટ્રાગ્લોબલના નામે હતી. આ લિકં ઓપન કરતાં તેમાં માંગ્યા મુજબની વિગતો જેમ કે મારુ આધાર કાર્ડ, ઇ-મેઇલ આઇડી સહિતની વિગતો મેં ભરી હતી.
આ પછી મારુ એક વોલેટ બન્યું હતું. જેમાં યુઝર નેમ અને પાસવર્ડ રાખવામાં આવ્યા હતાં. ત્યારબાદ કહેવાયું હતું કે હવે પછીની બધી માીહતી ટેલીગ્રામ એપમાંથી મળશે. આ પછી મને ટેલીગ્રામ એપમાં જોન્ટ કરાયો હતો. જેમાં મારા નામનું વોલેટ બનાવેલુ હતું. ત્યારબાદ મને કહેલુ કે તમે એનએફપીમાં રોકાણ માટે એલીજીબલ છો કે કેમ તે તપાસવું પડશે. તેમ કહી મારુ ઇ-મેઇલ આઇડી અને મોબાઇલ માંગતા મેં ટેલીગ્રામમાં તે મોકલી દીધા હતાં. આ પછી સોમવાળાએ વેરીફાઇ કરી કહેલુ કે તમે ટ્રેડીંગ કરી શકશો. ત્યારબાદ મને ટેલિગ્રામ મારફત ક્યાં રોકાણ કરવું અને ક્યારે શેર વેંચવા તેના મેસેજ આવતાં હતાં.
આ પછી એક મેસેજ આવેલો કે હવે તમે ૪૦ હજારથી ઓછી રકમનું ટ્રેડીંગ કરી શકશો નહિ. મેં હા પાડતાં એચડીએફસી બેંક કાનપુર બ્રાંચનો એકાઉન્ટ નંબર હતો. જેમાં મેં મારા એકાઉન્ટમાંથી ૪૦ હજાર ટ્રાન્સફર કર્યા હતાં. એ પછી મારા વોલેટમાં ૫૦૦ ડોલર બેલેન્સ દર્શાવતુ હતું. બાદ ટ્રેડીંગ કરતાં મારા વોલેટમાં સારો નફો બતાવતો હતો. મને એમ પણ કહેવાયુ હતું કે તમે રકમ વીડ્રો કરી શકો છો. જેથી મેં ૧૦૦ ડોલર વીડ્રો કરતાં મારા એકાઉન્ટમાં ૮૦૦૦ રૂપિયા જમા થયા હતાં. આથી મને વિશ્વાસ બેઠો હતો. એ પછી મેં રૂા. ૨ લાખ ટ્રેડીંગ માટે ટ્રાન્સફર કર્યા હતાં. આ પછી મણ મારા વોલેટમાં સારો નફો દેખાડતો હતો. બાદમાં મને વધુ રોકાણ કરવાનું કહેવાતાં મેં પાંચ લાખનું રોકાણ કર્યુ હતું. આ રકમ મેં ટ્રાન્સફર કરી હતી. એ પછી મેં ટેલિગ્રામમાં ડોલરની રકમ વિડ્રો કરવા રીક્વેસ્ટ મુકતાં મને ત્રણ દિવસ પછી વિડ્રો થઇ શકશે તેમ કહેવાયુ હતું. બાદમાં મને ખબર પડી હતી કે મારી સાથે ફ્રોડ થયું છે. આથી મેં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦માં કોલ કર્યો હતો.ફ મારી સાથે કુલ ૭,૪૦,૦૦૦નું ફ્રોડ થયું હતું. સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહીથી કોર્ટ મારફત મને અમુક રકમ પરત મળી છે. બાકીના ૬,૯૧,૨૮૦ મળ્યા ન હોઇ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં સંજયભાઇએ કહેતાં હેડકોન્સ. ડી. પી. ઝાલાએ ગુનો નોંધતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:31 PM IST)










