તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st October 2025
રાજકોટમાં રાવણના ૫૪ ફૂટના પૂતળાનું થશે દહન
અસત્ય પર થશે સત્યની જીતઃગુજરાતના સૌથી ઊંચા ૫૪ ફૂટના રાવણના પૂતળાનું દહન થશે સાથે જ ૪૫-૪૫ ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓને પણ અગ્નિ સમર્પિત કરવામાં આવશે

રાજકોટ,તા.૧
રાજકોટમાં દશેરાનો તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૨૯ વર્ષથી સતત આસુરી શક્તિઓના નાશ માટે રાક્ષસ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સૌથી ઊંચા ૫૪ ફૂટના રાવણના પૂતળાનું દહન થશે. સાથે જ ૪૫-૪૫ ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓને પણ અગ્નિ સમર્પિત કરવામાં આવશે.
પૂતળા બનાવવાની કળામાં ઉત્તર પ્રદેશના કુશળ કારીગરોની મહેનત ઝળહળી રહી છે. તેઓ ખાસ કરીને વાંસનો ઉપયોગ કરે છે, જે ઇમારતી લાકડું ગણાય છે. આ કારીગરો અઠવાડિયાઓ સુધી સતત શ્રમ કરીને વિશાળ આકારના રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા તૈયાર કરે છે. દશેરા મહોત્સવ સમિતિએ જાહેર કર્યું છે કે આ ભવ્ય દહન કાર્યક્રમ ૨ ઓક્ટોબરના સાંજે ૭ વાગ્યે રેસકોર્સ મેદાનમાં યોજાશે. આ પ્રસંગે રંગબેરંગી આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠશે, જે સમગ્ર શહેરને ઉત્સવના રંગમાં રંગી દેશે. કાર્યક્રમ માત્ર પૂતળા દહન પૂરતો જ સીમિત નથી. હિન્દુ સંસ્કૃતિના પરંપરાગત મૂલ્યોને અનુસરીને શસ્ત્ર પૂજન કાર્યક્રમ પણ યોજાશે. શસ્ત્ર પૂજનનો આ પ્રાચીન રિવાજ શૌર્ય, પરાક્રમ અને ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો રેસકોર્સ મેદાનમાં ઉમટી પડવાની સંભાવના છે.
વિશ્વ હિન્દુ પરિષદના રાજકોટ મહાનગરના અધ્યક્ષ વનરાજ ગરૈયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં હિન્દુ સમાજમાં ઉદ્ભવતા જાતિ-જ્ઞાતિના ભેદભાવો એક પ્રકારની અસુરી શક્તિ સમાન છે. આ અસુરત્વને નાશ કરવા અને હિન્દુ સમાજમાં એકતા જળવાય તે માટે દર વર્ષે વિજયાદશમીના દિવસે આ ભવ્ય રાક્ષસ દહનનો કાર્યક્રમ યોજાય છે. રાવણ દહન માત્ર સદીઓ જૂની પરંપરાનો જ ભાગ નથી, પરંતુ તે અસત્ય, અહંકાર અને વિભાજન પર સત્ય, નમ્રતા અને એકતાના વિજયનું પ્રતીક છે.
આ વર્ષે યોજાનારા કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણી મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે. તેઓ સમાજમાં એકતા, સંસ્કાર અને હિન્દુ મૂલ્યોના સંવર્ધન અંગે પોતાના વિચારો રજૂ કરશે. ભવ્ય રાવણ દહન, આતશબાજી અને ધાર્મિક સંદેશાઓ સાથે દશેરાનો આ તહેવાર શહેરના લોકોને પ્રેરણાસ્રોત આપશે. આ રીતે રાજકોટમાં યોજાનારો આ દશેરા મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ એક સામાજિક જાગૃતિનો પ્રસંગ છે, જે અસુરી શક્તિઓના નાશ સાથે માનવ જીવનમાં સદાચાર, એકતા અને સત્યની સ્થાપનાનો સંદેશ આપે છે.
(9:01 PM IST)










