News of Thursday, 2nd October 2025
હોસ્પિટલ ચોકમાંથી હિતેષ રાઠોડનું અપહરણઃ રેલનગર લઇ જઇ ધોકાવી અડધા વાળ-અડધી મુંછ કાપી નાંખ્યા!
અલ્તાફને શંકા હતી કે તેની રિસામણે ગયેલી પત્નિ સાથે ગોકુલધામ ક્વાર્ટરનો હિેતષ વાતો કરતો હોવાની શંકા હતીઃ સાળા સહિતની સાથે મળી બેફામ ધોકાવી ધમકી દઇ હોસ્પિટલ પાસે ફેંકી દીધોઃ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨: શહેરના ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતાં અને હોસ્પિટલ ચોકમાં ઇકો ગાડી રાખી ફેરા કરી ગુજરાન ચલાવતાં હિતેષ ધનજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૨) નામના યુવાનનું સાંજે આઠેક વાગ્યે સિવિલ હોસ્પિટલ ચોકથી રિક્ષામાં અપહરણ કરી રેલનગર આસ્થા ચોક પાસેના વંડામાં લઇ જઇ લાતી પ્લોટના અલ્તાફ શેખ, ગાંધીગ્રામમાં રહેતાં તેના સાળા સંદિપ સહિતનાએ મળી ધોકા-પાઇપથી બેફામ માર મારી છરીથી ઇજા કરી તેમજ માથાના અડધા વાળ કાપી નાંખી તેમજ સજીયાથી અડધી મુછ પણ ઉડાડી દઇ છેલ્લે ધમકી દઇ હોસ્પિટલ ચોકમાં ફેંકી દેતાં સારવાર માટે દાખલ થયો છે. હિતેષ રાઠોડ ગાંધીગ્રામમાં હાલ માવતરે રહેતી અલ્તાફની પત્નિ સાથે વાત કરતો હોવાની શંકા પરથી તેને ઉઠાવી લેવાનો આક્ષેપ હિતેષે કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગોકુલધામ કવાર્ટરમાં રહેતો હિતેષ રાઠોડ મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં લોહીલુહાણ હાલતમાં દાખલ થયો હતો. તેના માથાના અડધા વાળ પણ કપાયેલા હતાં અને અડધી મુછ પણ મુંડી દેવામાં આવી હતી. હિતેષે પોતાને હોસ્પિટલ ચોકથી રિક્ષામાં નાંખી રેલનગર આસ્થા ચોકના વંડામાં લઇ જઇ અલ્તાફ શેખ, સંદિપ સહિતે મારકુટ કરી હોવાનું કહેતાં તબિબે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ સહિતે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
હિતેષ રાઠોડે હોસ્પિટલના બિછાનેથી આક્ષેપો સાથે કહ્યું હતું કે હું અગાઉ ગાંધીગ્રામમાં રહેતો હતો. અલ્તાફે ગાંધીગ્રામની યુવતિ કેસરબેન સાથે લવમેરેજ કર્યા છે. અગાઉ હું ઇન્સ્ટાગ્રામમાં કેસરબેન સાથે ફ્રેન્ડલિસ્ટમાં હતો. હાલમાં અમારે કંઇ નથી. હાલ અલ્તાફની પત્નિ રિસામણે હોઇ અને તે મારી સાથે બોલે છે તેવી અલ્તાફને શંકા હોઇ જેથી અલ્તાફ, તેના સાળા સંદિપ સહિતના રાતે હોસ્પિટલ ચોકમાં આવ્યા હતાં અને હું ત્યાં હાજર હોઉ મને રિક્ષામાં નાંખી રેલનગરમાં આસ્થા ચોકના વંડામાં લઇ ગયા હતાં. જ્યાં આ બંને તેમજ અન્ય મહિલાઓ સહિતનાએ મને ધોકા-પાઇપથી બેફામ માર માર્યો હતો. છરીથી છરકા કર્યા હતા. તેમજ અલ્તાફ પાસે સજીયો હોઇ તેનાથી મારી અડધી મુંછ મુંડી નાંખી હતી. તેમજ છરીથી માથાના થોડા વાળ કાપી નાંખ્યા હતાં. બાદમાં રાતેક બારેક વાગ્યે હવે પછી હોસ્પિટલ ચોક કે ગાંધીગ્રામમાં દેખાતો નહિ તેમ કહી ધમકી દઇ હોસ્પિટલ ચોકમાં મને ફેંકીને જતાં રહ્યા હતાં. હિતેષ પરણેલો છે અને સંતાનમાં દિકરી-દિકરો છે. તેના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:02 PM IST)










